ગુજરાત ATS અને NIA દ્વારા રવિવારે વહેલી સવારે સ્થાનિક પોલીસની એજન્સીને સાથે રાખી ગુજરાતના અમદાવાદ, ભરૂચ, સુરત અને નવસારીમાં કેટલાક શખસો દેશવિરોધી પ્રવૃત્તિ કરતા હોવાને લઈને તપાસ હાથ ધરી હતી. ગુજરાત ATS અને NIAએ સુરત એસઓજીની સાથે રવિવારે વહેલી સવારે લાલગેટ કાસકીવાડમાંથી જલીલ નામના શખસને ઊંચકી લાવી પૂછપરછ શરૂ કરી હતી. ત્યાર બાદ મોડી સાંજે જવા દીધો હતો. જ્યારે આજે ફરી બોલાવી પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારબાદ જલીલને જવા દેવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે કર્ણાટકમાં પકડાયેલા આતંકવાદીની તપાસમાં જલીલ સહિત 3 નામ સામે આવ્યાં હતા. ધોરણ 10 પાસ જલીલ હાલ મદ્રેસામાં બાળકોને ઉર્દૂ ભણાવે છે.
જલીલની NIAના એસપી જાતે તપાસ કરી રહ્યા છે
NIAની ટીમે ગુજરાતનાં અલગ અલગ શહેરમાં દેશવિરોધી પ્રવૃત્તિઓ કરતાં તત્ત્વોનું સર્વેલન્સ કરી રહી હતી. સોશિયલ મીડિયા તેમજ ઇન્ટરસેપ્શન દ્વારા NIAના સ્ટાફને 3 યુવક દેશવિરોધી પ્રવૃત્તિ કરતા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું, જેના આધારે ગુજરાત ATS અને NIAએ સુરત એસઓજીની સાથે રવિવારે વહેલી સવારે લાલગેટ કાસકીવાડમાંથી જલીલ નામના શખસને ઊંચકી લાવી પૂછપરછ શરૂ કરી હતી. કર્ણાટકમાં પકડાયેલા આતંકવાદીની પૂછપરછમાં જલીલ સહિત 3 જણનાં નામ સામે આવ્યાં હતા. NIAના સ્ટાફે જલીલને વર્ષ 2021ના કર્ણાટક કનેક્શન બાબતે પૂછપરછ શરૂ કરી છે. જલીલની NIAના એસપી જાતે તપાસ કરી રહ્યા છે. જલીલ યુપીમાં એક વર્ષ પહેલાં જમાતમાં ગયો હતો એ વખતે સંપર્કમાં આવ્યો હતો.
જલીલ મદ્રેસામાં બાળકોને ઉર્દૂ ભણાવે છે
હાલમાં જલીલ મદ્રેસામાં બાળકોને ઉર્દૂ ભણાવે છે અને ધો-10 સુધી ભણેલો છે. અગાઉ જલીલ રિક્ષા ચલાવતો હતો અને સાથે કાપડ દલાલીનું પણ કામ કરતો હતો. જ્યારે જલીલના રાંદેર ખાતે રહેતા 21 વર્ષીય મિત્ર ઉમરને પણ પોલીસ ઊંચકી લાવી હતી. તેની પણ NIAના સ્ટાફે 2 કલાક સુધી પૂછપરછ કરી સાંજે જવા દીધો હતો. બંનેનાં સોશિયલ મીડિયા એકાઉન્ટ ચેક કરાશે અને તેઓ કોની કોની સાથે સંપર્કમાં હતા એની તપાસ કરાશે.
જલીલના ISIS સાથે કનેક્શન હોવાની શંકા
જલીલ પોલીસથી બચવા માટે તેના આકાઓ સાથે સોશિયલ મીડિયાથી વાતચીત કરતો હોવાની શક્યતા છે. જલીલનો કર્ણાટક કનેક્શન બાબતે NIA કે ગુજરાત ATSના સ્ટાફે કોઈ ફોડ પાડ્યો નહોતો. NIAના સ્ટાફે જલીલના મોબાઇલમાંથી દેશવિરોધી પ્રવૃત્તિઓ બાબતેના કેટલાક પુરાવા એકત્ર કર્યા હોવાનું જાણવા મળ્યું છે તેમજ જલીલના આઈએસઆઈએસ કનેક્શન હોવાની આશંકા સામે આવી રહી છે.
જલીલના મિત્રની પણ તપાસ થઈ હતી
જલીલના મિત્રને પણ ગત રોજ ઊંચકી લેવામાં આવ્યો હતો. તેની પણ બે કલાક સુધી તપાસ એજન્સીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. બાદમાં સાંજના સમયે તેને છોડી મૂકવામાં આવ્યો હતો. જલીલના 21 વર્ષીય મિત્રની પણ તપાસ એજન્સીઓ દ્વારા તપાસ અને સોશિયલ મીડિયા એકાઉન્ટની તપાસ કરવામાં આવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.