મુંબઇથી સુરત ધંધા માટે આવેલા યુવકે તેના પિતરાઇ ભાઇ સાથે કરોડોની છેતરપિંડી કર્યાનું સામે આવ્યું છે. 5 હજાર કેરેટ હીરાનો માલ સગેવગે કરી આત્મહત્યાનું નાટક કરનાર પિતરાઇ ભાઇ સામે મહિધરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
મુળ બનાસકાંઠાના અને સુરતમાં વેસુ માઇલસ્ટોન સેવન-હેવનમાં રહેતા વિશ્વેન જીતેન્દ્ર જોગાણી હીરાનો વેપાર કરે છે. વિશ્વેનના પિતા જીતેન્દ્રભાઇ તેમજ મહાવીર હોસ્પિટલની બાજુમાં શિવમ એપાર્ટમેન્ટમાં રહેતો વિપુલ મહિપાલભાઇ જોગાણી બંને સાથે વેપાર કરતા હતા. વિપુલ મુંબઇમાં વેપાર કરતો હતો. 2016 બાદ વિપુલે સુરત આવી વેપાર શરૂ કર્યો હતો. આ દરમિયાન 2020માં વિશ્વેનના પિતાનું અવસાન થતાં હિસાબ કરવામાં આવતા વિશ્વનને વિપુલ જોગાણી પાસેથી રૂા.1.64 કરોડ લેવાના નીકળતા હતા.
ત્યારે વિપુલે કહ્યું કે, હાલમાં મારી પાસે પૈસા નથી. જેથી આપણે વી.વી. ગ્રુપ નામની નવી પેઢી બનાવી તેમાંથી તમારા રૂપિયા આપી દઇશ.નવી પેઢીમાં ઉઘરાણી તેમજ એકાઉન્ટનું કામ વિશ્વેન કરતો હતો. આ પેઢીમાં નફા-નુકસાનમાં 72 ટકા હિસ્સો વિશ્વેનનો અને 28 ટકા હિસ્સો વિપુલનો રાખ્યો હતો. સપ્ટેમ્બર-2022માં વિપુલે 1500 કેરેટ માલ ચોરાયો હોવાનું કહ્યું હતું. બાદમાં તપાસ કરતા વિપુલ જોગાણીએ કરોડો રૂપિયાની કિંમતના 5 હજાર કેરેટના હીરાનો માલ સગેવગે કરી નાંખ્યો હોવાની ફરિયાદ મહિધરપુરા પોલીસમાં આપી હતી. પોલીસે વિશ્વેન જોગાણીની ફરિયાદ લઇને વધુ તપાસ શરૂ કરી છે.
વિશ્વેને ઉઘરાણી શરૂ કરતાં વિપુલે ઊંઘની ગોળીઓ ગળી આત્મહત્યાનું નાટક કર્યું
વિશ્વેન દ્વારા કડક ઊઘરાણી કરવામાં આવતા વિપુલે તા.20-09-2022ના રોજ વિપુલે ઊંઘની ગોળીઓ પણ ખાઇ લીધી હતી, વિપુલને તાત્કાલીક હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયો હતો, અહીં ડોક્ટરે આત્મહત્યાનો કેસ હોવાનું કહી પોલીસને જાણ કરી હતી. વિપુલ સ્યુસાઇડની ધમકી આપતો હોવાથી કોઇપણ ઉઘરાણી કરી ન હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.