• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • It Took The Collector And The Police 4 Days To Declare Dumas Owara A Sea, The Organizers Of The Demolition Had To Work Day And Night.

આશ્ચર્ય:ડુમસ ઓવારાને દરિયો ગણવામાં કલેક્ટર અને પોલીસને 4 દિવસ લાગ્યા, વિસર્જનના આયોજકોએ રાત-દિવસ કામગીરી કરવી પડી

સુરત18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પહેલી વાર વિસર્જન થતું હોય તેવી અવઢવ, મેરિટાઇમ બોર્ડે લેખિત જવાબ આપતા મંજૂરી અપાઈ
  • આજે ડુમસ ઓવારે 7 હજાર મોટી, 12 હજાર નાની મૂર્તિઓનું વિસર્જન કરાશે
  • ​​​​​​​હજીરા​​​​​​​​​​​​​​કાંઠે 12 ક્રેન ગોઠવાઈ, 300 સ્વયંસેવકોની ટીમ વિસર્જન કામગીરી કરશે

ડુમસમાં તાપી લાગે કે દરિયો તે બાબતે ખુદ તંત્ર જ અજાણ છે. જેથી પોલીસે કલેક્ટરને અને કલેકટરે મેરીટાઇમ બોર્ડને પત્ર લખી જાણકારી મેળવી હતી. આખરે મેરીટાઇમ બોર્ડે ડુમસમાં દરિયો લાગતો હોવાનું લેખિત આપતાં પોલીસે ગણેશ વિસર્જનની મંજૂરી આપી હતી. મંજૂરી મોડી મળતાં આયોજકો છેલ્લા 48 કલાકથી દિવસ-રાત કામ કરી રહ્યા છે. ડુમસમાં દરિયો લાગે છે એવું ગણેશ ઉત્સવ સમિતિના પ્રમુખ અનિલ બિસ્કિટવાલાએ પોલીસને કહ્યું હતું છતાં પોલીસે નદી ગણાવી મંજૂરીની ના પાડી હતી. તેમને પોલીસ અધિકારીએ કહ્યું કે, અરજી આપો.

કલેક્ટરે 5મીએ ગુજરાત મેરીટાઇમ બોર્ડને લેટર લખી ફૂછ્યું હતું
આથી સમિતિએ સ્વામી અંબરીશાનંદજીની અધ્યક્ષતામાં નાયબ પોલીસ કમિશનર વિશેષ શાખાને 3જીએ અરજી કરી હતી. આ શાખાએ 3જીએ કલેક્ટરને લેટર લખ્યો કે ડુમસ-ભીમપોર ઓવારા દરિયામાં ગણાય કે નહિ તેની જાણકારી આપશો. કલેક્ટરે 5મીએ ગુજરાત મેરીટાઇમ બોર્ડને લેટર લખી ફૂછ્યું હતું. બોર્ડે કલેક્ટરને 6ઠ્ઠીએ લેખિત જાણકારી આપી કે અહીં ભરતીના પાણી આવે છે તેમજ તાપી-મીઢોળા નદીના પાણી પણ ભળે છે. જેથી આ સ્થાન દરિયાનો ભાગ છે. મેરીટાઇમ બોર્ડના લેટર બાદ કલેકટર-પોલીસે વિસર્જન માટેની પરમિશન આપી હતી.

સવારે 7 વાગ્યાથી વિસર્જન શરૂ કરી દેવામાં આવશે
​​​​​​​
નાવિક ક્લબ ઓવારા પ્રમુખ અને આગેવાનો 15 દિવસથી આંટા મારતા હતા. હવે છેલ્લી ઘડીએ મંજૂરી મળતાં સ્વયંસેવકો દિવસ-રાત કામ કરી રહ્યા છે. આયોજકોએ કહ્યું હતું કે, સવારે 7 વાગ્યાથી વિસર્જન શરૂ કરી દેવામાં આવશે.​​​​​​​ છેલ્લી ઘડીએ પરમિશન મળતા તૈયારીમાં વિલંબ થયો છે. છતાં રાત-દિવસ કામ કરી તૈયારીઓ પૂરી કરાશે. શુકવારે સવારે 7 વાગ્યાથી વિસર્જનની પ્રકિયા શરૂ કરી જ્યાં સુધી મૂર્તિ આવશે ત્યાં સુધી વિસર્જન કરાશે. - ભરત ઘંટીવાલા, પ્રમુખ-નાવિક ક્લબ ઓવારા-ડુમસ

દુર્ઘટના ન સર્જાય તે માટે કાંઠા પર ખાસ બોટ પેટ્રોલિંગ કરશે
​​​​​​​હજીરા કાંઠે વિસર્જનની તૈયારીઓ પૂરી કરી દેવામાં આવી છે. 5 ફુટથી વધુની ઊંચી મુર્તિઓનું વિસર્જન કરવા 12 ક્રેન ગોઠવાઈ છે. રાધેકૃષ્ણા ગૃપ આ કામગીરી કરશે. મંડળના સતિષ પટેલ અને મુકેશ સોનીએ જણાવ્યું કે, કંપનીઓના સહયોગથી 12 ક્રેન ગોઠવી છે. મંડળના ૩૦૦ સ્વયં સેવકો સેવા આપશે. ક્રેન દીઠ 14 જણાની ટીમ હશે. જે શિફ્ટમાં કામ કરશે. સવારે 7 વાગ્યાથી વિસર્જન શરૂ કરાશે. સતિષ પટેલે જણાવ્યું કે, 5 ફુટ કે તેથી મોટી પ્રતિમાના વિસર્જન માટે નિયત કરેલી ફી વસૂલાશે.

નાવિક ઓવારે 9 મહોલ્લાના 1200 સ્વયંસેવક ફરજ બજાવશે
નાવિક ક્લબ ઓવારા પર 9 મહોલ્લાના 1200 સ્વયંસેવકો હશે. જે સાંજે 3 વાગ્યા પછી બીજા દિવસે વહેલી સવાર સુધી ખડેપગે હાજર રહેશે. 9 બોટ, 4 ફોર કલીપ અને 1 ક્રેન રહેશે. 50 ટનની ક્રેન 35 મીટર સુધીની ઊંચાઈ પર જઈ શકે તેવી ક્ષમતા છે. જ્યારે ફોરકલીપ 12 ટન વજન ઊંચકી શકે છે.

આજે સિટી બસ-BRTSના 22 રૂટ સદંતર બંધ રહેશે
​​​​​​​ગણેશ વિસર્જનને પગલે બીઆરટીએસ અને સિટી બસ સેવા પર અસર વર્તાશે. સવારે 7થી વિસર્જન પૂર્ણ નહીં થાય ત્યાં સુધી મુખ્ય માર્ગો બંધ રહેશે. તેથી સિટી બસસેવામાં 22 જેટલા રૂટ સદંતર બંધ રખાયા છે. અન્ય રૂટો સવારે 11 સુધી જ ચાલશે. જે રૂટ સદંતર બંધ રહેશે તેમાં રેલવે સ્ટેશનથી ઓલપાડ, ઓલપાડથી સાયણગામ, સ્ટેશનથી રાંદેર ગામ, ગ્રીન સીટી ભાઠાથી સ્ટેશન ઇસ્ટ, ઉમરાગામથી કાપોદ્રા, મક્કાઇપુલથી લક્સમીધામ સોસાયટી, ચોકથી ગોડાદરાગામ, ચોકથી ગભેણી-કનકપૂરગામ, ચોકથી પીઠાવાલા કોલેજ, મક્કાઈપુલથી ગંગાનગર, કતારગામ ઇન્ડસ્ટ્રીયલથી ડિંડોલી, મક્કાઇપુલથી આદર્શનગર, ચોકથી ભીમપોર-કાદીફળીયા, મક્કાઇપુલથી ભેંસાણ કોલેજ, કોસાડથી યુનિવર્સિટી, સુમનસાગરથી લિંબાયત, ખરવરનગરથી ડભોલી-ભેસ્તાન, મોટા વરાછાથી મીનીબજાર લુપ ક્લોકવાઇઝ, અડાજણ જીએસઆરટીસીથી મોરાગામ, ઇસ્કોન સર્કલથી યુનિવર્સિટી, ઇસ્કોન સર્કલથી યુનિવર્સિટી, જહાંગીરપુરા હાઉસીંગથી ગેલ કોલોની વેસુ સુધીના રૂટ બંધ સદંતર રહેશે.

અન્ય સમાચારો પણ છે...