મુંબઈમાં તલોજા એમઆઈડીસીની હિક્લ કેમિકલ કંપનીમાંથી છેલ્લા 2 મહિનામાં ઝેરી કેમિકલના 5 ટેન્કર નીકળ્યા હતા. આ ટેન્કરોમાંથી ઝેરી કેમિકલનો નિકાલ સચિન જીઆઇડીસી વિસ્તારની ખાડીમાં કરવામાં આવ્યો હોવાની આશંકા છે. હિક્લ કંપનીએ કેમિકલ માફીયાઓને ઝેરી કેમિકલ નિકાલ કરવા માટે લાખોની રકમ આપી હતી. હાલમાં હિક્લ કંપનીના એમડી સમીરની તપાસ માટે ક્રાઇમબ્રાંચની ટીમ મુંબઈ ગઈ હતી. જો કે કંપનીનો મેનેજીંગ ડિરેકટર સમીર મળી આવ્યો ન હતો. આથી પોલીસે તેના સ્ટાફને નોટીસ બજાવી હતી. નોટીસમાં કંપનીના મેનેજીંગ ડિરેકટર સમીરને બે દિવસમાં સુરત ક્રાઇમબ્રાંચ સમક્ષ હાજર રહેવા જણાવ્યું છે.
વધુમાં વડોદરાની સંગમ એનવાયરો પ્રા.લિના ભાગીદારોમાં આશીષ ગુપ્તા, મૈત્રી વૈરાગી અને નિલેશ બહેરાએ પ્રેમસાગર ગુપ્તા અને માથાભારે સંદીપ ગુપ્તા સાથે મળી ઝેરી કેમિકલના ટેન્કરો બેનંબરમાં સચિન જીઆઇડીસીમાં નિકાલ કરી લાખોની રકમ કમાતા હતા. બીજી તરફ સંદીપ ગુપ્તા બાબતે હજુ પણ ક્રાઇમબ્રાંચે કોઈ ફોડ પાડયો નથી. સંદીપ ગુપ્તા પકડાય ત્યાર પછી તેના મોબાઇલના સીડીઆરની તપાસ થાય તો ઘણા કર્મીઓના નકાબ ચીરાય તેમ છે.
ટેન્કરોના નિકાલ માટે બોગસ બિલ્ટી બનાવતા
ઝેરી કેમિકલના ટેન્કરો નિકાલ કરવા માટે ટોળકી બોગસ બિલ્ટી બનાવતી હતી. જેથી ક્રાઇમબ્રાંચ ટોળકી સામે ચીટીંગની કલમોનો પણ ઉમેરો કરશે. આ ટોળકીએ ઝેરી કેમિકલ નિકાલ કરવા સોશિયલ મીડિયાના માધ્યમથી રાજકોટ અને અમદાવાદની કેમિકલ કંપનીઓના નામે બોગસ બિલ્ટી બનાવી હતી. આ બાબતે ક્રાઇમબ્રાંચે રાજકોટ અને અમદાવાદની કેમિકલ ફેક્ટરીઓ પર બિલ્ટી બાબતે તપાસ કરાવતા બોગસ હોવાનું જાણવા મળ્યું છે. ટોળકીએ લગભગ 10થી વધુ ઝેરી કેમિકલોના ટેન્કરોની બોગસ બિલ્ટી બનાવી હોવાનું તપાસમાં જણાયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.