કોરોના અને H3N2ને લઇ તંત્ર એલર્ટ:સુરત સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં અલાયદો આઈસોલેશન વોર્ડ તૈયાર કરી શરૂ કરાયો

સુરત15 દિવસ પહેલા
  • કૉપી લિંક
કોરોના અને H3N2ને લઇ સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં અલાયદો વોર્ડ શરૂ કરાયો.

સુરતમાં સીઝનલ ફ્લુના કેસોની સાથે કોરોનાના કેસોમાં ધીમે ધીમે વધારો થઇ રહ્યો છે. જેને લઈને આરોગ્ય તંત્ર એલર્ટ થયું છે. સુરતની સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં કોરોના અને H3N2 માટે ખાસ આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. સિવિલ હોસ્પિટલમાં 10 તો સ્મીમેર હોસ્પિટલમાં 8 બેડ સાથેનો અલાયદો આઈસોલેશન વોર્ડ તૈયાર કરી શરૂ કરવામાં આવ્યો છે.

સીઝનલ ફ્લૂની સાથે કોરોના કેશો વધતા તંત્ર એલર્ટ
સુરતમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ઉપરાંત ઉનાળામાં માવઠું પડતા અને વાતાવરણમાં પલટાને લઇ સીઝનલ ફ્લુના કેસોમાં એકાએક વધારો થઈ રહ્યો છે. હાલમાં સિવિલ હોસ્પિટલમાં દૈનિક 150થી 200 જેટલા સીઝનલ ફ્લુના કેસો સામે આવતા હોવાનું જાણવા મળી રહ્યું છે. તેની સાથે સાથે શહેરમાં કોરોનાના કેસોમાં ધીમે ધીમે વધારો થતો જોવા મળી રહ્યો છે. સુરતમાં ગતરોજ એક જ દિવસમાં શહેરમાંથી 10 અને જિલ્લામાંથી ત્રણ મળી 13 કોરોના પોઝિટિવ કેસો સામે આવ્યા છે. જેને લઇ તંત્ર સતર્ક થયું છે અને તંત્ર દ્વારા આગમચેતીના ભાગરૂપે તૈયારીઓ કરી દેવામાં આવી છે.

કોરોના અને H3N2ને લઇ આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયા
શહેરમાં ધીમે ધીમે સીઝનલ ફ્લૂની સાથે વધતા કોરોનાના કેસોને લઈ સુરતમાં મનપા દ્વારા ઈમરજન્સી કંટ્રોલ રૂમ શરુ કરાયા બાદ હવે કોરોના અને H3N2 માટે આઈસોલેશન વોર્ડ શરુ કરી દેવામાં આવ્યો છે. સુરતની સિવિલ હોસ્પિટલમાં 10 બેડ અને સ્મીમેર હોસ્પિટલમાં 8 બેડનો અઈસોલેશન વોર્ડ શરુ કરી દેવામાં આવ્યો છે. સીઝનલ ફ્લુના દર્દીને તકલીફ ન પડે અને યોગ્ય સારવાર મળે તે માટે નવી સિવિલ ખાતે સ્ટેમ્પ સેલ બિલ્ડીંગમાં સીઝનલ ફ્લુના દર્દીઓ માટે 10 બેડનો આઈસોલેશન વોર્ડ શરુ કરવામાં આવ્યો છે. તમામ બેડ ઓક્સીજન અને વેન્ટીલેટર સહિતની જરૂરી સુવિધા સાથે સજ્જ રાખવામાં આવ્યો છે.

કલેકટરની મીટીંગ બાદ આઇસોલેશન વોર્ડ બનાવાયો
સિવિલ હોસ્પિટલમાં સુપ્રિટેન્ડન્ટ ગણેશ ગોવરેકરે જણાવ્યું હતું કે ગતરોજ કલેક્ટર દ્વારા સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીઓ, સ્મીમેર હોસ્પિટલના અધિકારીઓ અને સિવિલ હોસ્પિટલના તબીબો સાથે સીઝનલ ફ્લુ અને કોરોનાના કેસોને લઈ મિટિંગ બોલાવવામાં આવી હતી. જેમાં આગમચેતી રૂપે સીઝનલ ફ્લુની યોગ્ય ટ્રીટમેન્ટ થઈ શકે તે માટે આઇસોલેશન વોર્ડ તૈયાર કરવાની સૂચના આપી હતી. જેને લઇ કોરોના ઉપરાંત સીઝનલ ફ્લુના દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે અને તેઓને આઈસોલેશન રાખવા માટે અલાયદો આઈસોલેશન વોર્ડ શરુ કરવામાં આવ્યો છે. અહીં 10 બેડ ઓક્સીજન અને વેન્ટીલેટર સહિતની સુવિધા સાથે સજ્જ કરવામાં આવ્યા છે. દર્દીઓને સારવાર માટે પૂરી ટીમ તૈયાર છે તેમ છતાં જો દર્દીઓ વધશે તો જરૂરિયાત મુજબ સ્ટાફ પણ વધારવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...