આયોધ્યા ખાતે ભગવાન રામના મંદિરનું ભવ્ય નિર્માણ થવા જઇ રહ્યું છે ત્યારે સમગ્ર દેશમાં આરાધ્ય દેવ ભગવાન રામ અને હનુમાનજીને લઈને શ્રદ્ધા વધુ પ્રખર થાય તેવા હેતુથી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અનોખો પ્રયોગ શરૂ કરાયો છે. રાંદેર, અડાજણ સહિતના વિવિધ વિસ્તારોની અંદર લાઉડ સ્પીકર પર હનુમાન ચાલીસા વગાડવામાં આવી રહી છે. ઘરના છત ઉપર લાઉડ સ્પીકર ગોઠવવામાં આવી રહ્યા છે.
ધાર્મિક આસ્થા વધુ પ્રબળ બને તેવા હેતુથી પહેલ
વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રાંદેર, અડાજણ, સંગ્રામપુરા, પાંડેસરા, ઉધના વગેરે વિસ્તારોમાં શરૂઆત કરવામાં આવી છે. એક ચોક્કસ સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે અને તે સમયે જ એક સાથે દરેક વિસ્તારની અંદર હનુમાન ચાલીસાનું પઠન થાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. રોજ સવારે સાત વાગ્યે અને સાંજે સાત વાગે નિયમિત રીતે હનુમાન ચાલીસા વગાડવામાં આવે છે. હિંદુ સંસ્કૃતિને વધુ વેગવંતી કરવા માટે અને લોકોમાં ભાઈચારો કેળવવા ધાર્મિક આસ્થા વધુ પ્રબળ બને તેવા હેતુથી આ પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે.
વધુ વિસ્તારોને જોડવામાં આવશે
વિશ્વ હિન્દુ પરિષદના શહેર પ્રમુખ દેવીપ્રસાદ દુબેએ જણાવ્યું હતું કે, માત્ર ધાર્મિક આસ્થા વધુ મજબૂત બને, હિન્દુઓમાં એકતાની ભાવના કેળવાય તેવા હેતુથી આ પ્રયાસ શરૂ કર્યો છે. નવા વર્ષ બાદ અલગ-અલગ કેટલાક એવા વિસ્તારો જ નક્કી કર્યા છે ત્યાં આગળ પણ આ જ રીતનું આયોજન કરવાના છે.
લોકોનું ખૂબ જ સારું સમર્થન મળ્યું
વધુમાં જણાવ્યું હતું કે, યુવાનો નિયમિત પ્રમાણે હનુમાન ચાલીસાનું પઠન કરતા થાય તેવી અમારી ભાવના છે. ધર્મ પ્રત્યેની આસ્થા જેટલી વધુ હશે એટલે આપણો દેશ સુરક્ષિત રહેશે અને માનવતા પણ સુરક્ષિત રહેશે. આગામી દિવસોમાં અમે તમામ શેરી મહોલ્લાની અંદર પણ હનુમાન ચાલીસાનું ગાન થાય તેવા પ્રયાસ રૂપે કામ કરીશું. જે જે વિસ્તારમાં અત્યાર સુધીમાં અમે આ પ્રયોગ કર્યો છે ત્યાં લોકોનું ખૂબ જ સારું સમર્થન મળતા અમારા કાર્યને વધુ પ્રોત્સાહન મળ્યું છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.