ફાયર વિભાગનો સપાટો:સુરતમાં ફાયર સેફ્ટીની સુવિધા ન હોવાથી 18 હોસ્પિટલ અને 2 કોમ્પ્લેક્ષ સિલ

સુરત6 મહિનો પહેલા
નોટિસ આપવા છતાં ફાયર સેફ્ટી ઉભી ન કરતા સિલ મારવામાં આવ્યું.
  • હોસ્પિટલોમાં સર્વે કરી નોટિસ આપવામાં આવી હતી

જે હોસ્પિટલમાં દર્દીઓને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હોય તે જ હોસ્પિટલમાં દર્દીઓને ફાયર સેફ્ટીના અભાવે જીવને જોખમ ઉભું થાય તેવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. કોરોનાની વચ્ચે હોસ્પિટલોમાં લાગતી આગ દુર્ઘટનાના બનાવો દુઃખદ હોય છે. દરમિયાન સુરત ફાયર વિભાગ દ્વારા છેલ્લા બે અઠવાડિયાથી હોસ્પિટલોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ફાયર સેફટીના સાધનોના ઉભા કરનારી 18 હોસ્પિટલોને સિલ કરવામાં આવી હતી. આ સાથે 2 કોમ્પ્લેક્ષને પણ સિલ કરવામાં આવ્યા છે.

બે અઠવાડિયાથી હોસ્પિટલોમાં સર્વે
મહાનગરોમાં હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના સામાન્ય બનતી ચાલી છે. તેવામાં સુરત ફાયર વિભાગ દ્વારા છેલ્લા બે અઠવાડિયાથી હોસ્પિટલોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફાયર વિભાગની અલગ અલગ ટીમોએ શહેરના તમામ ઝોનોમાં રહેલી હોસ્પિટલમાં સર્વે હાથ ધર્યો હતો. જેમાં જે હોસ્પિટલો ફાયર સેફટીના સાધનો નહીં ધરાવતી હોય અથવા આગ અકસ્માતના સમયે દર્દીઓના જીવ બચાવવા યોગ્ય વ્યવસ્થા ન રાખતી હોય તેવી હોસ્પિટલોને નોટિસ પણ ફટકારવામાં આવી હતી.

બે કોમ્પલેક્ષની 100 જેટલી દુકાનો સિલ કરવામાં આવી.
બે કોમ્પલેક્ષની 100 જેટલી દુકાનો સિલ કરવામાં આવી.

100 દુકાનો સિલ કરાઈ
આજે ચેકીંગ દરમિયાન ફરી એકવાર આવી હોસ્પિટલમાં સરપ્રાઈઝ ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં ફાયર સેફ્ટીના સાધનો ન ઉભા કરનારી 18 હોસ્પિટલોને સિલ કરવામાં આવી હતી. આ સાથે જ રાંદેરના શ્રીનાથ કોમ્પ્લેક્ષની 78 દુકાનો અને કતારગામના માનસરોવર કોમ્પ્લેક્ષની 22 દુકાનો પણ ફાયર સેફટીના અભાવે સિલ કરવામાં આવી હતી.

હોસ્પિટલમાં સરપ્રાઈઝ ચેકીંગ દરમિયાન ફાયર સેફ્ટી ન જણાતા સિલ મરાયું.
હોસ્પિટલમાં સરપ્રાઈઝ ચેકીંગ દરમિયાન ફાયર સેફ્ટી ન જણાતા સિલ મરાયું.

અત્યારસુધીમાં 35 વધુ હોસ્પિટલમાં મોકડ્રિલ થઈ
હોસ્પિટલોમાં આગ અકસ્માતની ઘટના ન બને તે માટે સુરત ફાયર વિભાગ એલર્ટ છે. ચેકીંગ ઉપરાંત હોસ્પિટલના સ્ટાફને આગ લાગે તો કંઈ રીતે સતર્કતા બતાવીને તેને કાબૂમાં કરવી તે માટે ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. આ ઉપરાંત અત્યારસુધી સુરત ફાયરે 35થી વધુ હોસ્પિટલમાં મોકડ્રિલ યોજીને હોસ્પિટલના સ્ટાફને તૈયાર પણ કર્યા છે. ભૂતકાળમાં ફાયર વિભાગ દ્વારા અનેક વખત ચેકિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે પરંતુ છતાં પણ ઘણી હોસ્પિટલમાં ફાયર સુવિધા ન હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે જે ખૂબ ગંભીર બાબત છે.

આ 18 હોસ્પિટલો અને 2 કોમર્શિયલ કોમ્પ્લેક્ષ સીલ કરાયા
વરાછા એ : -ચિરાયુ મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ, પ્લાસ્ટિક પ્લાઝા, યોગી ચોક
-વિશ્વા હોસ્પિટલ, યોગી ચોક, સમર્પણ હોસ્પિટલ પાસે
- મંત્રા હોસ્પિટલ, મંત્રા સ્કવેર, યોગીચોક
રાંદેર ઝોન : - શ્રીનાથ એપાર્ટમેન્ટ, રામનગર ચાર રસ્તા, રાંદેર રોડ
લિંબાયત ઝોન : - શ્રી સાંઇ હોસ્પિટલ, નીલગીરી રોડ, ગોડાદરા
- સિટી મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ મહારાણા પ્રતાપ ચોક, ગોડાદરા
- પંકજ જનરલ હોસ્પિટલ, સંજય નગર સર્કલ, લિંબાયત
- એપેક્ષ હોસ્પિટલ, પરવત પાટિયા
- કલ્પ હોસ્પિટલ, પરવત પાટિયા,
સેન્ટ્રલ ઝોન : - કલ્યાણી ગ્રુપ ઓફ હોસ્પિટલ, હોડી બંગલો, વેડ દરવાજા
- નુપુર હોસ્પિટલ, મકાઈપુલ
- ઋષિ ચિલ્ડ્રન હોસ્પિટલ, આયુર્વેદિક કોમ્પ્લેક્ષ, ત્રીજો માળ લાલ દરવાજા
- અભિષેક સર્જીકલ હોસ્પિટલ, આનંદદીપ, એપાર્ટમેન્ટ, સૈયદપુરા, ચોકીશેરી, રામપુરા
વરાછા -બી : - મન્નત ચિલ્ડ્રન હોસ્પિટલ, 310 થી 319, ઓમ પ્લાઝા, વિજયનગર, આઈ માતા રોડ, જે.ટી.નગર
ઉધના ઝોન : - શ્રી હરી ચિલ્ડ્રન હોસ્પિટલ, ન્યુ હરિધામ સોસા., બમરોલી રોડ
- પ્રિયા હોસ્પિ., પીયુષ પોઇન્ટ, પાંડેસરા
- જીવન શક્તિ હોસ્પિટલ, પીયુષ પોઇન્ટ
- શુભ હોસ્પિટલ, પીયુષ પોઇન્ટ
- તુલી હોસ્પિટલ,કર્મયોગી સોસા.
કતારગામ ઝોન : - માન સરોવર કોમ્પલેક્ષ, પટેલ ઇન્ડસ્ટ્રિયલ, બંબા વાડી, કતારગામ

​​​​​​​

​​​​​​​દાખલ દર્દીઓને મુશ્કેલી ન પડે તે રીતે કાર્યવાહી કરાઇ
​​​​​​​ઇન્ચા.ફાયર ચીફ ઓફિસર બસંત પરિકે જણાવ્યું હતું કે, નોટીસ ફટકારવા છતાં પણ ફાયર સેફ્ટી કાર્યરત કરાઈ ન હતી તેમજ સાધનોનો અભાવ મળતાં 18 હોસ્પિટલ સીલ કરાઈ છે. જોકે, દર્દી દાખલ હતાં તેટલો પાર્ટ ખુલ્લો રાખી બાકીના વોર્ડ, રિસેપ્શનને સીલ મારી દેવામાં આવ્યાં છે. હોસ્પિટલો નવા દર્દીઓને એપોઇન્ટમેન્ટ આપી કે દાખલ નહીં કરી શકાશે.