જોખમી ધીમીગતિ:ગુજરાતમાં આ ગતિએ વેક્સિનેશન ચાલશે તો હજી એક વર્ષે હર્ડ ઇમ્યુનિટી આવશે

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા એક મહિનામાં 63.97 લાખ લોકોને પહેલો ડોઝ અને માત્ર 16.58 લાખ લોકોને બીજો ડોઝ અપાયો

ગુજરાતમાં આજે વેક્સિનેશન શરૂ થયાને 175 દિવસ થયા છે.ગુજરાતમાં અત્યાર સુધીમાં 2,73,25,191 લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. ગુજરાતની 6.79 કરોડની કુલ અંદાજિત વસતિમાંથી અત્યારના સંજોગોમાં જેમને રસી આપવાની છે એવા લોકોની વસતિ (1થી 18 વર્ષના બાળકોને બાદ કરીએ તો) 4,93,20,000 લોકો થાય છે. જેમાંથી 42.93 ટકા એટલે કે 2 કરોડ 11 લાખ 76 હજાર 872 લોકોને પહેલો ડોઝ અપાઇ ચૂક્યો છે. જ્યારે 61 લાખ 48 હજાર 319 લોકોને બીજો ડોઝ પણ અપાઇ ચૂક્યો છે. મતલબ કે એલિજિબલ વસતિના 12.46 ટકા લોકો ફુલ્લી વેક્સિનેટેડ થઇ ગયા છે.

જોકે છેલ્લા મહિનાથી ગુજરાતની વેક્સિન ઝુંબેશ ધીમી પડી છે. જાન્યુઆરીમાં શરૂ થયેલું વેક્સિનેશન છ મહિના પછી ગુજરાતમાં બાર ટકાએ પહોંચ્યું છે. આ ઝડપે જો વેક્સિનશન થશે તો હજી એક વર્ષમાં 50 ટકા લોકોને (એ પણ એલિજિબલ એટલે કે 18થી વધુ ઉંમરના) વેક્સિન અપાશે. છેલ્લા એક મહિનામાં દરરોજ સરેરાશ 55,275 લોકોને બીજો ડોઝ અપાયો છે. આ રીતે 365 દિવસ(એટલે કે 1 વર્ષ)માં બીજો ડોઝ અપાય તો હજુ વધુ 2 કરોડ 01 લાખ 75 હજાર 375 લોકોને વેક્સિનનો બીજો ડોઝ મળે. જેથી કુલ 2 કરોડ 63 લાખ 23 હજાર 694 લોકોને વેક્સિનનો બીજો ડોઝ મળે. ત્રીજા વેવના ભયમાં આ ગતિ બહુ જોખમી નિવડી શકે છે. ગુજરાતે કોઇપણ હિસાબે આ ઝડપ વધારવી પડશે.

કોરોના સામે લડત માટે હર્ડ ઈમ્યુનિટી જરૂરી
દેશમાં થોડા ને થોડા દિવસે હર્ડ ઈમ્યુનિટીની ચર્ચાઓ ચાલતી રહેતી હોય છે. ગુજરાત વેક્સિન પ્રમાણે 50 ટકા તરફ પ્રયાણ કરી રહ્યું છે. જોકે, બીજા ડોઝ પ્રમાણે માત્ર 12.46 ટકાનું જ વેક્સિનેશન થયું છે. કોરોના સામે લડત માટે હર્ડ ઈમ્યુનિટી મહત્વનો રોલ ભજવે છે. હાલ ત્રીજી લહેરની પણ શક્યતાઓ જોવાઈ રહી છે. ત્યારે વેક્સિનેશનમાં વધારો કરવામાં આવે તો કોરોનાની ત્રીજી લહેર સામે મક્કમતાથી લડી શકાય તેમ છે.

છેલ્લા 1 મહિનામાં માત્ર 16.58 લાખ લોકોને બીજો ડોઝ અપાયો
ગુજરાતમાં અત્યાર સુધીમાં દરરોજ સરેરાશ 1.21 લાખ લોકોને પહેલો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે સરેરાશ એક મહિનામાં 35 હજારને બીજો ડોઝ અપાયો છે. પહેલા ડોઝની સામે બીજા ડોઝમાં ઉતરોતર ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. છેલ્લા એક મહિનાની જ વાત કરવામાં આવે તો 63.97 લાખ લોકોને પહેલો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે તેની સામે માત્ર 16.58 લાખ લોકોને બીજો ડોઝ અપાયો છે.

છેલ્લા 1 મહિના પ્રમાણે બીજો ડોઝ અપાય તો...
ગુજરાતમાં છેલ્લા એક મહિનામાં 16.58 લાખ લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 55,275 લોકોને દરરોજ સરેરાશ બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જૂન મહિનાના વેક્સિનેશન પ્રમાણે લોકોને બીજો ડોઝ આપવામાં આવે તો 2.5 કરોડને વેક્સિનેટ કરતા બીજું એક વર્ષ થઇ શકે.

ગુજરાતમાં વેક્સિનની અછત
ગુજરાતમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો હતો. જેને લઈને ત્રીજી લહેર કેટલો ઘાતક હશે તે અંગે ઘણા નિષ્ણાતો ચેતવણી આપી ચૂક્યા છે. હાલ ગુજરાતમાં કોરોનાની બીજી લહેર અંત તરફ છે. સરકાર દ્વારા મોટા ભાગના નિયંત્રણો હટાવી લેવામાં આવ્યા છે. જોકે, વેક્સિનના ડોઝની અછતના કારણે સરકાર પણ લાચાર હોય તેવું લાગી રહ્યું છે.

84 દિવસે પણ લોકોને બીજો ડોઝ નથી મળતો
ગુજરાત સહિત દેશમાં વેક્સિનના બીજા ડોઝ લેવાના સમયમાં ઘણીવાર ફેરફાર થઈ ચૂક્યો છે. તંત્ર દ્વારા પણ વેક્સિનનો બીજો ડોઝ મેળવવામાં લોકોને સરળતા રહે તે માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા. જોકે, સરકાર દ્વારા કરવામાં આવતા ડોઝ લેવાના સમયમાં ફેરફાર પગલે લોકો સાથે તંત્ર પણ અટવાઈ ગયું છે. પહેલા 28 દિવસે બીજો ડોઝ આપવામાં આવતો હતો. હાલ 84 દિવસ બાદ લોકોને બીજો ડોઝ આપવામાં આવી રહ્યો છે. જોકે, 84 દિવસે પણ લોકોને બીજો ડોઝ ન મળતો હોવાની ઘણી ફરિયાદો ઉઠી ચૂકી છે.

મોટા ઉપાડે શરૂ કરેલા રસીકરણ મહાઅભિયાનનો ફિયાસ્કો
ગુજરાત સરકાર દેશમાં વેક્સિનેશનમાં ચોથા સ્થાને હોવાનો જશ લઈ રહી છે. જોકે, વેક્સિન લેવામાં સરળતા કરવામાં કોઈ રસ ન હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા ત્રણ દિવસથી વેક્સિનેશન બંધ રાખ્યા બાદ આજે ફરી રસીકરણની શરૂઆત કરવામાં આવી છે. મોટા ઉપાડે રસીકરણ મહાઅભિયાનની શરૂઆત કરનાર સરકાર પાસે હાલ વેક્સિનના ડોઝની અછત જોવા મળી રહી છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતના શહેરોમાં વેક્સિનેશન માટે લાંબી લાઈનો લાગેલી છે. લોકો ધક્કા ખાવા છતા વેક્સિન મળી રહી નથી.

અન્ય સમાચારો પણ છે...