નારાજગીની અસર શું થશે?:સુરતમાં કતારગામના AAPના ઉમેદવાર સામે સોશિયલ મીડિયામાં વિરોધ, લિંબાયતના વર્તમાન ધારાસભ્ય બદલવાની માંગ

સુરત17 દિવસ પહેલા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ જેમ જેમ વાગી રહ્યાં છે. તેમ તેમ દરેક રાજકીય પક્ષ પોતાના ઉમેદવાર જાહેર કરી રહ્યાં છે. ત્યારે ઉમેદવારોના નામ જાહેર થતાં ક્યાં વિરોધનો ભડકો બહાર આવે છે તો ક્યાંક વર્તમાન ઉમેદવાર સામેનો છૂપો રોષ પણ પ્રગટ થઈ રહ્યો છે. કતારગામ વિધાનસભા બેઠક પરથી આપના ગોપાલ ઈટાલિયાનું નામ જાહેર થતાં જ ઈન્ટરનેટના સોશિયલ મીડિયા પર હિન્દુ વિરોધી કહીને વિરોધ કરવામાં આવી રહ્યો છે. તો લિંબાયત વિસ્તારમાં વર્તમાન ધારાસભ્ય બદલવાની માંગ કરતાં બેનરો ઘણા સમયથી રસ્તાઓ પર લગાવવામાં આવી રહ્યાં છે.

અગાઉના ઈટાલિયાના નિવેદનોને ટ્રોલ કરાઈ રહ્યા છે.
અગાઉના ઈટાલિયાના નિવેદનોને ટ્રોલ કરાઈ રહ્યા છે.

ઈટાલિયા હિન્દુ વિરોધી નિવેદનોથી ટ્રોલ
આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાને કતારગામ વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ગોપાલ ઇટાલિયાએ આજે સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરીને ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ પણ કરી દીધા છે. પરંતુ ગોપાલ ઇટાલિયા માટે કતારગામ બેઠકમાં લોકોને પોતાની તરફ લાવવા મુશ્કેલ બની રહેશે એ વાત ચોક્કસ છે. ગોપાલ ઇટાલીયા કતારગામ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાતને પગલે હવે લોક સંપર્ક પણ વધારશે. પરંતુ સોશિયલ મીડિયા ઉપર તેમને જબરજસ્ત વિરોધ દેખાઈ રહ્યો છે. હિન્દુ ધર્મ વિરોધી અગાઉ કરેલા નિવેદનોને કારણે સોશિયલ મીડિયામાં તેમને હિન્દુની તાકાત બતાવી દેવાની વાત કરવામાં આવી રહી છે.

સોશિયલ મીડિયા પર ગોપાલનો વિરોધ થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયા પર ગોપાલનો વિરોધ થઈ રહ્યો છે.

ભૂતકાળના નિવેદનોની અસર
આમ આદમી પાર્ટીના કતારગામના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા ભૂતકાળમાં હિન્દુ ધર્મને લઈને અનેક નિવેદનો આપી ચૂક્યા છે. એટલું જ નહીં, પરંતુ સંતો-મહંતો અને કથાકારને લઈને પણ તેમણે વિવાદીત નિવેદનો આપ્યાં હતાં. ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ હંમેશા ગોપાલ ઇટાલિયાને હિન્દુ વિરોધી ચહેરો તરીકે લોકોમાં રજૂ કર્યો છે. આજે પણ સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ ઉપર ગોપાલ ઇટાલીયાને લઈને લોકો કોમેન્ટ કરી રહ્યા છે.સાથે જ હિન્દુ વિરોધી તરીકે પણ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.

પરિવર્તન ઉમેદવારનું થાય તે પ્રકારની માગ કરાઈ રહી છે.
પરિવર્તન ઉમેદવારનું થાય તે પ્રકારની માગ કરાઈ રહી છે.

લિંબાયતમાં આંતરિક વિરોધ
ભાજપ દ્વારા હજુ સુધી ઉમેદવારોના નામ જાહેર કરાયા નથી. ત્યારે ચૂંટણી નજીક આવતા ભાજપના જ સ્થાનિક વર્તમાન ધારાસભ્યનો ભાજપના જ ગઢમાં વિરોધ સામે આવ્યો હતો. લિંબાયત સ્થિત આવેલા સંજય નગર સર્કલ પાસે લિંબાયતના ધારાસભ્યનો વિરોધ કરતા બેનરો લગાવવામાં આવ્યા હતા. વર્તમાન ધારાસભ્યને ટિકિટ ન મળે તેના માટેના પણ પ્રયાસો આંતરિક જૂથબંધીના કારણે દેખાઈ રહ્યા છે.

રાત્રિના સમયે બેનર લગાવવામાં આવી રહ્યાં છે.
રાત્રિના સમયે બેનર લગાવવામાં આવી રહ્યાં છે.

વર્તમાન ધારાસભ્યને હટાવવા માગ
ભાજપના જ ચિન્હ સાથે ભાજપના જ સિટીંગ લિંબાયત વિધાનસભાના ધારાસભ્યનો વિરોધ કરવામાં આવ્યો છે. બેનરમાં લિંબાયત માંગે પરિવર્તન, લિંબાયત બચાવો તેમજ પાર્ટી જો પરિવર્તન નહીં કરે તો આ વખતે લિંબાયતની જનતા પરિવર્તન કરશે જેવું લખાણ લખવામાં આવ્યું હતું. રાત્રિના સમયે અમૂક લોકો દ્વારા આ પ્રકારના બેનર લગાવવામાં આવ્યાં હતાં. જો કે, બાદમાં સ્થાનિક ધારાસભ્યએ આ બેનરો હટાવી દીધા હતાં.

લિંબાયતમાં પણ આંતરિક અસંતોષની આગ જોવા મળી રહી છે.
લિંબાયતમાં પણ આંતરિક અસંતોષની આગ જોવા મળી રહી છે.

ઉમેદવાર બદલવા માગ
આ બેનર કોણે લગાવ્યા? તે સામે નથી આવ્યું. પરંતુ લિંબાયત વિધાનસભામાં આ પ્રકારે બેનર લાગતા રાજકારણ ગરમાયું છે. ભાજપ દ્વારા હજુ લિંબાયત સહિતના કોઈ ઉમેદવારના નામ જાહેર ન થયા હોવાને કારણે આંતરિક જૂથબંધીમાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કે, વર્તમાન ધારાસભ્યને ટિકિટ ન મળે અને અન્ય કોઈ ઉમેદવારને ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપે તેવી માગ દેખાઈ રહી છે.

પક્ષ પ્રમુખને ટેક્સ્ટ મેસેજ કરાયા
લિંબાયત બેઠક માટે આ વખતે ઉમેદવાર ભાજપ બદલે તેવી માંગ સાથે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ને પણ ટેક્સ મેસેજ કરવામાં આવી રહ્યા છે. મહત્વની વાત છે કે, પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલનો લિંબાયત બેઠક એ ગઢ ગણાય છે. તેઓ ઈચ્છે તે જ ઉમેદવાર અહીં પસંદગી પામે છે. ત્યારે છેલ્લા બે ટર્મથી વર્તમાન ધારાસભ્યને ભાજપમાંથી અહીંથી ચૂંટણી લડાવી ભવ્ય વિજય મેળવી રહ્યા છે. પરંતુ આ વર્ષે આ ઉમેદવારને બદલી પાર્ટીના સનિષ્ઠ કાર્યકરને આપવાની માંગ ઉઠી છે. પાર્ટીના જ પાયા લેવલના કાર્યકરો ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલને ટેક્સ મેસેજ કરી જણાવી રહ્યા છે કે, આ વખતે લિંબાયતના સ્થાનિક કાર્યકર્તાને ટિકિટ આપી આપ એક દાખલો બેસાડી સંપૂર્ણ ગુજરાત અને દેશને એક સારો મેસેજ આપશો અને એક નાના કાર્યકર્તાને ટિકિટ આપી ગુજરાતમાં પોતાના કાર્યકર્તા પ્રત્યેની ઉદારતા બતાવશો આ પ્રકારના મેસેજ કરવામાં આવી રહ્યા છે.

સ્થાનિકોમાં વિરોધ
છેલ્લા 22વર્ષની ભાજપના કાર્યકર અને અનેક ભાજપના હોદ્દા ઉપર રહી ચૂકેલા રૂપેશ દેશમુખે જણાવ્યું કે, હું છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું. અલગ અલગ હોદ્દા ઉપર રહી ચૂક્યો છું. આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં અમારી ઈચ્છા એવી છે કે, અમારા સ્થાનિક ઉમેદવારને જ ટિકિટ આપવામાં આવે. બે ટર્મથી સંગીતા પાટીલને અમે ભવ્ય વિજય સાથે આ બેઠક ઉપર ચૂંટણીને જીતાડ્યા છે. પરંતુ હવે ત્રીજી વાર અમારે એવી અંગત લાગણી છે કે, સ્થાનિક ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જે હોય તેને ટિકિટ આપવામાં આવે. આ બાબતે અમારા વિધાનસભા વિસ્તારના સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલને મેસેજ પણ મોકલ્યો હતો કે, આ બાબતે તેઓ પોતે પણ ધ્યાન આપે. તેમ જ મારા જેવા અનેક કાર્યકર્તાઓ દ્વારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલને મેસેજ કરવામાં આવ્યા છે.

અસામાજિક તત્વોએ માથુ ઊંચક્યું
ભાજપના કાર્યકર્તા અને સંઘ સાથે જોડાયેલા મહેન્દ્ર ગોસ્વામીએ જણાવ્યું કે, અમે એવા સ્થાનિક નેતાની ઈચ્છા રાખીએ છે કે જે અસામાજિક તત્વો ઉપર અંકુશ રાખે. અમારા વિસ્તારની અંદર છેલ્લા ઘણા દિવસોથી અસામાજિક તત્વોનો ખૂબ જ ત્રાસ વધી ગયો છે.અમારા વિસ્તારની અંદર દારૂ વેચાણ પણ ખૂબ મોટા પ્રમાણમાં થાય છે.અને એના કરતાં પણ વધારે મહત્વનો મુદ્દો એ છે કે સમગ્ર લીંબાયત વિધાનસભા મતવિસ્તારની અંદર લેન્ડ જેહાદ અને લવ જેહાદના અનેક કિસ્સાઓ બની રહ્યા છે.પરંતુ તેના ઉપર કોઈપણ પ્રકારનું નિયંત્રણ હાલના ધારાસભ્યનું દેખાતું નથી. માટે મારી એવી ઈચ્છા છે કે આ વખતે કોઈ એવા વ્યક્તિની પસંદગી કરવામાં આવે કે જે કાયદા વ્યવસ્થાને અંકુશમાં રાખી શકે.

પ્રાથમિક સુવિધાના મુદ્દે નારાજગી
ભાજપ અને સામાજિક કાર્યકર મહેશ કુમાવતે જણાવ્યું કે, અમારા લિંબાયત વિસ્તારની અંદર ગંદકીનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. ત્રણ ત્રણ -ચાર ચાર દિવસ સુધી ગાર્બેજ કલેક્શનની ગાડીઓ આવતી નથી. અને તેના કારણે કચરો ખૂબ ભેગો થઈ જાય છે. સ્થાનિક ધારાસભ્ય જે કામગીરી કરવી જોઈએ તે કામગીરી કરી નથી. બીજો મહત્વનો મુદ્દો અમારા માટે આ વિસ્તાર અશાંતધારામાં આવતો હોવા છતાં પણ અહી નિયમ પ્રમાણેની કામગીરી થઈ રહી નથી. હિન્દુઓના મકાનો મુસ્લિમો ખરીદી રહ્યા છે. અને તે પણ ગેરકાયદેસર રીતે. કાયદાની છટકબારીનો ઉપયોગ કરવામાં આવતો હોયએ પ્રકારના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે.પરંતુ સ્થાનિક ધારાસભ્યને વારંવાર રજૂઆત કરવા છતાં પણ તેમણે આ બાબતને ગંભીરતાથી લીધી નથી. એટલે હું અંગત રીતે હું માનું છું કે અમારા ધારાસભ્યને આ વખતે બદલવા જોઈએ અને કોઈ હિન્દુવાદી વિચારધારા વાળા વ્યક્તિને ટિકિટ આપવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...