ગોડાદરામાં ભાઈ-ભાભી સાથે રહેતા દિયરે તેમનાથી અલગ રહેવાની જીદ કરીને ચપ્પુ મારી ભાભીની હત્યા કરી જાતે પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો.
ગોડાદરા પોલીસ સ્ટેશનથી મળતી માહિતી અનુસાર મૂળ રાજસ્થાનના ઝાલોરના પીપરલાકી ગામનો વતની 47 વર્ષ જેઠારામ જીવારામ પટેલ હાલ ગોડાદરાની ચામુંડા રેસિડેન્સીમાં રહે છે. પરિવારમાં 46 વર્ષીય પત્ની અગ્રાબેન ઉપરાંત ત્રણ દીકરીઓ અને એક દીકરો ઉપરાંત 38 વર્ષીય નાનો ભાઈ હરિરામ છે. જેઠારામ ભાભી સાથે લિંબાયતના કુબેરનગરમાં કરિયાણાની દુકાન ચલાવે છે. હરિરામનો પરિવાર વતન રહે છે. છેલ્લા અઠવાડિયાથી હરિરામ અલગ ધંધો કરવાનું કહેતો હતો. સાથે ભાઈ જે મકાનમાં રહે છે તે મકાનમાં ઉપર અલગથી રહેવા માંગતો હતો.જેઠારામ અને તેના પત્ની હરિરામને સાથે રહેવા કહેતા હતા. જેથી તેમની વચ્ચે ઝગડાઓ થતા હતા. હરિરામને એમ હતું કે ભાભી અને ભાઈ તેની વાત માનતા નથી. મંગળવારે સવારે અગ્રાબેન ઘરેથી દુધ લેવા ગઇ હતી. જેઠારામ નાહવા ગયો હતો. હરિરામ ઘરમાં સોફા પર બેસેલો હતો.
અગ્રાબેન દુધ લઈને રસોડામાં ગઇ ત્યારે હરિરામે ભત્રીજી ભાવનાની સામે ભાભીના પેટમાં તેમજ શરીરના અલગ-અલગ ભાગે ચપ્પુના ઘા મારી નાસી ગયો હતો. ભાવનાએ પિતાને જાણ કરી હતી. અગ્રાબેનને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાઇ હતી. ડોક્ટરે ત્યાં તેમને મૃત જાહેર કરી હતી. બીજી તરફ હરિરામે પોતે ગોડાદરા પોલીસ સ્ટેશને પહોંચી જઇને પોલીસને કહ્યું કે તેણે પોતાની ભાભીને મારી નાખી છે. જેઠારામે આરોપી હરિરામ વિરુદ્ધ ગોડાદરા પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.