લિગ્નાઇટ માટે 'અંતિમ પોકાર':મોસાળમાં જમણ, પીરસનાર મા છતાં ભાણો ભૂખ્યો! સુરતનાં MP દર્શના જરદોશ ટેક્સટાઇલમંત્રી છતાં કાપડ ઉદ્યોગ મરવા પડ્યો છે

સુરત18 દિવસ પહેલાલેખક: દેવેન ચિત્તે
  • સુરતને રોજના 22,500 ટન લિગ્નાઇટની જરૂરિયાતની સામે મળે છે માત્ર 2000 ટન

સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ માટે અનેક પડકારો સમયાંતરે સામે આવતા રહે છે, પરંતુ કેન્દ્રીય રાજ્ય ટેક્સટાઈલમંત્રી એવાં MP દર્શના જરદોશ સુરતનાં હોવા છતાં હાલ સૌથી વધુ મુશ્કેલી ઇંધણ માટે થઈ રહી છે. સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગમાં જેટલા પણ પ્રોસેસિંગ યુનિટો છે એમાં ઇંધણ તરીકે ઈમ્પોર્ટેડ કોલસો, લિગ્નાઇટ અને ગેસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, પરંતુ લિગ્નાઈટનો સૌથી વધુ વપરાશ કરવાની ઈચ્છા હોવા છતાં પણ લિગ્નાઇટ પૂરતા પ્રમાણમાં સરકાર દ્વારા આપવામાં આવી રહ્યો નથી. રોજના 22,500 ટન લિગ્નાઇટની જરૂરિયાતની સામે માત્ર 2000 ટન મળે છે, જેને કારણે ટેક્સટાઇલ ઉદ્યોગ પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે. લિગ્નાઇટ પૂરતા પ્રમાણમાં ન મળવાને કારણે આર્થિક બોજાએ ટેક્સટાઇલ ઉદ્યોગના ઉત્પાદનખર્ચ પર કરોડો રૂપિયાનો બોજો વધી રહ્યો છે, જે ટેક્સટાઈલ યુનિટોને પોસાય એમ નથી.

સુરત શહેર ટેક્સટાઇલ ઉદ્યોગનું હબ તરીકે જાણીતું
સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ સમગ્ર દેશ અને વિશ્વમાં ફેલાયેલું છે. સુરતમાં તૈયાર થતું કાપડ આજે દેશનાં અલગ-અલગ રાજ્યોમાં જઈ રહ્યું છે. એટલું જ નહીં, પરંતુ વિદેશ સુધી એક્સપોર્ટ પણ ખૂબ મોટા પ્રમાણમાં થાય છે. દેશમાં સૌથી સારું સિન્થેટિક કાપડ અને હવે કોટન પણ સુરતમાં તૈયાર થઈ રહ્યું છે. અંદાજે રોજનું 4થી 5 કરોડ મીટર કરતાં વધુ કાપડ તૈયાર થઈ રહ્યું છે અને 5 કરોડ મીટર કરતાં વધુ કાપડ પ્રોસેસિંગ થઈ રહ્યું છે. એને કારણે સુરત શહેર ટેક્સટાઇલ ઉદ્યોગનું હબ તરીકે જાણીતું છે.

લિગ્નાઇટની ખૂબ મોટા પ્રમાણમાં અછત ઊભી થઈ
સુરત અને દક્ષિણ ગુજરાતમાં ટેક્સટાઇલ યુનિટો અંદાજે 450થી વધુ કાર્યરત છે, જેને ધ્યાનમાં રાખતાં રોજના 22500 ટન લિગ્નાઇટની જરૂર પડે છે તેમજ ઈમ્પોર્ટેડ કોલસો રોજના 50 હજાર ટનની જરૂરિયાત છે. એની સામે સુરત સહિત દક્ષિણ ગુજરાતના યુનિટોને માત્ર 2000 ટન જ સરકાર દ્વારા લિગ્નાઇટ આપવામાં આવે છે. એને કારણે લિગ્નાઈટની ખૂબ મોટા પ્રમાણમાં અછત ઊભી થઈ છે. બીજી તરફ, ઈમ્પોર્ટેડ કોલસો 50,000 ટન અદાણી પાસેથી લેવો પડે છે.

ઉદ્યોગમાં પ્રોડક્શન ખર્ચમાં નોંધનીય વધારો
લિગ્નાઇટનો 1 ટનનો ભાવ 1 વર્ષ પહેલાં બે હજાર રૂપિયા હતો, જેને સરકારે ભાવ સરેરાશ 6000 રૂપિયા પહોંચાડી દીધો છે. સરકારે એક જ વર્ષમાં 600 ટકાનો વધારો કરી દેતાં લિગ્નાઇટના ભાવમાં ધરખમ વધારો થયો છે. પરિણામે, ઉદ્યોગમાં પ્રોડક્શન ખર્ચમાં નોંધનીય વધારો થઇ ગયો છે. 1 મીટર પર રૂપિયા 1થી 1.50 સુધીનો ખર્ચ વધી જાય છે. રોજના સુરતમાં 4થી 5 કરોડ મીટર ઓછામાં ઓછું કાપડ તૈયાર થાય છે ત્યારે ટેક્સટાઇલ ઉદ્યોગના યુનિટોને રોજના રૂપિયા 6 કરોડ સુધીનો ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે.

ટેક્સટાઇલ યુનિટોને આર્થિક રીતે ખૂબ મોટું નુકસાન
કોલસો ખર્ચાળ અને પર્યાવરણને નુકસાન પહોંચાડતો હોવાને કારણે 15 વર્ષ પહેલાં સુરતના લગભગ તમામ યુનિટો ગેસનો ઉપયોગ કરતા થયા હતા. અંદાજે આઠ વર્ષ સુધી ગેસનો ઉપયોગ કર્યા બાદ ગેસના ભાવમાં સતત વધારો થતો ગયો અને એને કારણે તમામ યુનિટોએ ગેસનો ઉપયોગ કરવાનો મહદંશે બંધ કરી દીધું હતું. જો આજના ગેસના ભાવને ધ્યાનમાં રાખે તો 1 મીટર કાપડ પર પાંચથી છ રૂપિયાનો વધારાનો બોજ યુનિટોને થાય એમ છે, તેથી હવે ગેસ પર યુનિટો ચાલુ કરવાનો વિચાર સુધ્ધાં કરી શકાય એમ નથી. ગેસનો ભાવ વધવાની સાથે જ તમામ યુનિટોએ જે સિસ્ટમ કરોડો રૂપિયાના ખર્ચો ઊભી કરી હતી તેને તાત્કાલિક અસરથી દૂર કરીને ફરીથી કોલસો અને લિગ્નાઇટ પર પોતાના યુનિટોને શરૂ કરી દીધા હતા. ગેસ યુનિટ સ્થાપવા માટે કરેલા કરોડો રૂપિયાનો ખર્ચ વેડફાઇ જતાં ટેક્સટાઇલ યુનિટોને આર્થિક રીતે ખૂબ મોટું નુકસાન થયું હતું.

ચીનને કારણે લિગ્નાઈટના ભાવમાં ધરખમ વધારો
ઈમ્પોર્ટેડ કોલસાનો ભાવ હાલ એક ટનદીઠ રૂપિયા 10000 થઈ ગયો છે. ઈમ્પોર્ટ કોલસો ઇન્ડોનેશિયાથી પોર્ટ મારફત લાવવામાં આવી રહ્યો છે. ઇન્ડોનેશિયાથી આવતા કોલસાની ગુણવત્તા ખૂબ સારી હોય છે. ઇન્ડોનેશિયાથી જે કોલસો આવતો હતો એ પ્રમાણમાં થોડા સમય પહેલાં સસ્તો પણ હતો, પરંતુ ચીન અને સાઉથ આફ્રિકા તથા ઓસ્ટ્રેલિયા વચ્ચે વેપારી સંબંધો બગડતાં ચીને મોટા પ્રમાણમાં ઈમ્પોર્ટેડ કોલસો ઇન્ડોનેશિયા પાસેથી લેવાના શરૂ કર્યો છે. ચીને ઇન્ડોનેશિયા પાસેથી વધુ રૂપિયામાં કોલસો ખરીદવાનું શરૂ કરતાં આંતરરાષ્ટ્રીય સ્તરે ઈમ્પોર્ટેડ કોલસાના ભાવમાં વધારો થયો છે, જેના પરિણામે સુરતમાં ઇન્ડોનેશિયાનો કોલસો સસ્તો આવી રહ્યો હતો એ પણ હવે ખૂબ મોંઘો થઈ ગયો છે. અમેરિકા અને સાઉથ આફ્રિકા તથા ઓસ્ટ્રેલિયા સાથે થયેલા વ્યાપારિક ડિસ્પ્યુટને કારણે આ સ્થિતિ ઊભી થઈ છે.

ટેક્સટાઇલ ઉદ્યોગને નુકસાન સહન કરવાનો વારો
ગુજરાત સરકાર જે ખાણમાંથી લિગ્નાઇટ કાઢે છે એ ચોમાસા દરમિયાન બંધ કરી દે છે. ચોમાસા દરમિયાન માઇનિંગ બંધ થતાં માત્ર સ્ટોરેજમાં જેટલો લિગ્નાઇટ હોય છે એટલો જ ટેક્સ્ટાઇલ ઉદ્યોગને પ્રાપ્ત થાય છે, જેને કારણે ઉત્પાદન કરતા યુનિટ માટે મોટો પડકાર ઊભો થઈ જાય છે. સરકાર પાસે લિગ્નાઇટ સ્ટોરેજ કરવાની ક્ષમતા પણ ખૂબ જ ઓછી છે. પરિણામે, ટેક્સટાઇલ ઉદ્યોગને નુકસાન સહન કરવાનો વારો આવે છે. આવનારા દિવસોમાં ચોમાસું શરૂ થવાની તૈયારી છે ત્યારે અત્યારથી જ ટેક્સટાઇલ ઉદ્યોગના પ્રોસેસર યુનિટોના સંચાલકો પોતાની મુશ્કેલી વર્ણવી રહ્યા છે.

કુલ ખર્ચમાં 30 ટકા વધારો ટેક્સટાઇલ યુનિટને સહન કરવો પડે
સુરતના પ્રોસેસિંગ યુનિટોને જે ઉત્પાદન કરવા માટે લિગ્નાઇટ જોઈએ છે, તેનો માત્ર 25 ટકા જેટલો જ લિગ્નાઈટ પ્રાપ્ત થઈ રહ્યો છે, જેને કારણે ઈમ્પોર્ટેડ કોલસો અદાણી પાસેથી ખરીદવાની ફરજ પડી રહી છે. અદાણી પાસેથી 70% જેટલો ઈમ્પોટેડ કોલસો ટેક્સટાઇલ ઉદ્યોગે ફરજિયાતપણે ખરીદવો પડી રહ્યો છે. અદાણી દ્વારા જ ઈમ્પોર્ટેડ કોલસો આપવામાં આવે છે એના ભાવ પણ ખૂબ વધુ હોવાને કારણે કુલ ખર્ચમાં 30 ટકા જેટલો વધારો ટેક્સટાઇલ યુનિટને સહન કરવો પડી રહ્યો છે. હાલ ગેસનો ભાવ જે રીતે વધ્યો છે અને ભૂતકાળના અનુભવને ધ્યાનમાં રાખીને એકપણ યુનિટ ફરીથી ગેસ પર પોતાના યુનિટો શરૂ કરવા તૈયાર નથી.

ઈમ્પોર્ટેડ કોલસો મળી રહ્યો છે એ ખૂબ જ મોંઘો
પાંડેસરા ટેક્સટાઈલ પ્રોસેસિંગ એસોસિયેશનના પ્રમુખ જિતુ વખારિયાએ કહ્યું હતું કે સુરત સહિત દક્ષિણ ગુજરાતના ટેસ્ટ યુનિટોને જેટલા પ્રમાણમાં લિગ્નાઇટની જરૂરિયાત ઊભી થઈ રહી છે એના માત્ર 10થી 15 ટકા જેટલો જ લિગ્નાઈટ મળી રહ્યો છે. એટલું જ નહીં, પરંતુ સરકાર દ્વારા લિગ્નાઈટના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે એને કારણે અમને ખૂબ જ મુશ્કેલી થઈ રહી છે. અમે સરકારને વારંવાર રજૂઆત કરી રહ્યા છે. સરકાર દ્વારા જ અમને સીધો ઈમ્પોર્ટેડ કોલસો આપવામાં આવે. અત્યારે જે ઈમ્પોર્ટેડ કોલસો મળી રહ્યો છે એ ખૂબ જ મોંઘો છે. હાલમાં જે રીતે ગેસના ભાવ વધ્યા છે ત્યારે ગેસ પર યુનિટો ચલાવી શકીએ એવી કોઈ સ્થિતિ નથી. ગુજરાત મિનરલ્સ ડેવલપમેન્ટ કોર્પોરેશનમાં સતત ભાવને લઇને રજૂઆત કરી રહ્યો છું.

ઇંધણનો ખર્ચ 7%થી વધી 30% પર પહોંચ્યો
ટેક્સટાઇલ અગ્રણી મનીષ અગ્રવાલે જણાવ્યું હતું કે સરકાર ખાણમાંથી લિગ્નાઇટ કાઢવાની કામગીરી વધારી દે તો ઘણો લાભ થાય એમ છે. પહેલાં જે કાપડ તૈયાર થતું હતું એમાં ઇંધણનો માત્ર 7% જેટલો ખર્ચ હતો, પરંતુ હવે આ ખર્ચો 25થી 30 ટકા જેટલો વધી ગયો છે, જેના પરથી આપણે અંદાજ લગાવી શકીએ કે ઇંધણ કેટલું મોંઘું પુરવાર થઈ રહ્યું છે. લિગ્નાઇટ જો સરકાર વધુ પ્રમાણમાં ખાણમાંથી બહાર કાઢે તો મોટી રોજગારીની તકો ઊભી થાય. જે વિસ્તારમાંથી લિગ્નાઇટ આવે છે એ ગામોના આસપાસનો વિસ્તારનો પણ ખૂબ મોટા પ્રમાણમાં વિકાસ થઇ શકે એવી પૂરી શક્યતા છે. એટલું જ નહીં, પરંતુ ટ્રાન્સપોર્ટેશન આ ઉદ્યોગને પણ નવું જીવનદાન મળી શકે એવી સ્થિતિ ઊભી થાય તો નવાઇ નહીં. ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થાય તો એનો સીધો લાભ યુનિટ સંચાલકોને અને ગ્રાહકો સુધી મળી શકે એમ છે.