આયોજન:GSTનો દર 5%થી વધારી 12% કરાતા સોલાર પેનલો 25 ટકા મોંઘી થઇ શકે

સુરત14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પેટ્રોલ, ડીઝલ, સીએનજી બાદ હવે સૂર્ય ઊર્જાના ઉપકરણો પણ મોંઘા બનશે
  • ​​​​​​​ગુજરાત કરતાં અન્ય રાજ્યોમાં સોલાર પોલિસી સરળ છે: સાઉથ ગુજરાત સોલાર એસો.

જીએસટી કાઉન્સિલની બેઠક થોડાં સમય પહેલા મળી હતી. આ બેઠકમાં સોલાર પેનલ પર જીએસટી 5 ટકાથી વધારીને 12 ટકા કરવામાં આવી હતી. જેના કારણે સોલાર પેનલ એજન્સીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. સાથે સાથે વિદેશથી આયાત થતા મટીરીયલ્સના દરમાં પણ ધરખમ વધારો થયો છે. આ બંને કારણોને લીધે સોલાર પેનલ ફિટ કરતી એજન્સીઓને 25 ટકા જેટલો લોસ કરવાનો વારો આવ્યો છે. આ મુદ્દાઓને લઈને બુધવારના રોજ સાઉથ ગુજરાત સોલાર એસોસિએશન દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

સંસ્થાના પ્રમુખ મેહુલ પટેલે જણાવ્યું હતું કે, ‘સોલાર પેનલના ભાવમાં 25 ટકા, ઈન્વર્ટરમાં 20થી 25 ટકા અને સ્ટિલના ભાવમાં 50થી 60 ટકા જેટલો ભાવ વધારો થયો છે. ત્યારે આ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકોને કામ કરવાનું ખુબ જ અધરું પડી રહ્યું છે. આ ભાવ વધારો અસહ્ય હોવાથી તેમાં ઘટાડો કરવામાં આવે જરૂરી છે.

સબસિડી ગ્રાહકના ખાતાની જગ્યાએ એજન્સીના ખાતામાં આવે છે
સબસિડીના પ્રશ્નને કારણે પણ સોલાર પેનલ ફિટ કરતી એજન્સીને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કારણ કે, સબસિડીના રૂપિયા ગ્રાહકને તેના એકાઉન્ટમાં આપવાને બદલે સરકારે તમામ એજન્સીઓને આપવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે અંદાજે 40 ટકા જેટલી રકમ ગ્રાહક પાસેથી ઓછી આવતી હોય છે. જેથી એજન્સીએ પોતાના રૂપિયા રોકવા પડે છે.

યોજનામાં રોકાણકારોના કરોડો રૂપિયા ફસાયા
સાઉથ ગુજરાત સોલર એસો.ના હોદ્દેદારોનું કહેવું છે કે, સરકારે જાહેર કરેલી સ્મોલ સ્કેલ ડિસ્ટ્રીબ્યુટેડ સોલર પ્રોજેક્ટ યોજનામાં રોકાણ કરનારાઓની કરોડોની મૂડી ફસાઈ છે. કારણ કે સરકારે આ પ્રોજેક્ટને એમએસએમઈ તરીકે માન્ય રાખી નક્કી કરેલી સબસિડી આપવા સરકારે ના કહી છે.

એજન્સીઓ 25 ટકા નુકશાન કરી રહી છે: પ્રમુખ
સાઉથ ગુજરાત સોલર એસો.ના પ્રમુખ મેહુલ પટેલ કહે છે કે, હાલ સોલાર પેનલ ફિટ કરતી એજન્સીઓ 25 ટકા નુકસાન કરી રહી છે. આ તમામ મટીરીયલ્સમાં ભાવ વધારો થયો હોવા છતાં સરકાર દ્વારા જુના ટેન્ડરના રેટ ઉપર 150 મેગાવોટ કોટા વધારી હાલનું ટેન્ડર ચાલું રાખ્યું છે.

અન્ય સમાચારો પણ છે...