નિર્ણય:ઇમ્પેક્ટ ફીમાં 50થી 300 ચો.મી.ના બાંધકામ પરના ચાર્જમાં 1થી 10 હજાર સુધીનો વધારો

સુરત17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વર્ષ 2011ની યોજનાની સાપેક્ષમાં આ વખતે ફી લગભગ બમણી કરી દેવાઈ
  • 50 ટકા પાર્કિંગ ખુલ્લું હોવું જરૂરી, 500 મીટર જગ્યા હશે તો જ મંજૂરી

ગેરકાયદે બાંધકામો રૅગ્યુલર કરવા માટે રજૂ કરાયેલી ઇમ્પેક્ટ ફીયોજનામાં 50થી 300 ચો.મી.ના બાંધકામ પર ચાર્જમાં 1થી 10 હજાર રૂપિયા સુધીનો વધારો કરાયો છે, જેમાં વર્ષ 2011ની સાપેક્ષમાં આ વખતે ફી લગભગ બમણી કરી દેવાઈ છે. આ યોજનામાં માત્ર ઓન લાઈન અરજી જ કરી શકાશે પરંતુ હજી સુધી ઇ-નગર પોર્ટલ અપડેટ કરવાની પ્રક્રિયા જ જારી હોય પોર્ટલ બંધ હોવાની ફરિયાદો ઉઠી રહી છે. ફેબ્રુઆરી સુધી જ અરજી સ્વીકારાશે તેમ 9મીની મુખ્ય નગર નિયોજક દ્વારા તમામ પાલિકાની બેઠકમાં કડક વલણ અપનાવાયું છે.

મહત્ત્વ ની બાબત એ છે કે, શહેરમાં સેન્ટ્રલ ઝોન, વરાછા, ઉધના સહિત ના વિસ્તારોમાં ઘણાં ગેરકાયદે બાંધકામો છે ત્યાં ગેરકાયદે 7 મો માળ પણ બેરોકટોક ચણાઇ ગયાં છે. માર્જીન કવર થઈ ગયાં છે. ત્યારે આવા બાંધકામો ગેરકાયદે ઇમારત ને ઇમ્પેક્ટ ફી હેઠળ લાવવા માટે જો 50 ટકા પાર્કિંગ ખુલ્લું હશે તો જ ગેરકાયદે ઇમારત રૅગ્યૂલાઇઝ થઈ શકશે, એક વિકલ્પ એ પણ આપવામાં આવ્યો છે કે, જો પાર્કિંગ માટે 500 મીટર અંદર જગ્યા હશે તો પણ મંજુરી મળી શકે એમ છે.

શહેરમાં ઘણાં ખરાં બાંધકામોમાં પુરતું પાર્કિંગ જ નથી રખાયું અને પાર્કિંગ માટે જગ્યા પણ નથી ત્યારે ઇમ્પેક્ટ ફી નો લાભ લઇ શકશે કે કેમ? તે પ્રશ્ન બિલ્ડરો, આર્કિટેક્ટોમાં ઉઠી રહ્યો છે. એટલું જ નહીં ગેરકાયદે બાંધકામ ને રૅગ્યુલરાઇઝ કરવા અરજી કરાશે પણ નિયમમાં બંધ બેસતું ન હશે તો શું? પાલિકા ડિમોલિશન કરી શકે કે કેમ? તેવો ડર પણ પ્રવર્તી રહ્યો છે.

પાર્કિંગ માટે 15થી 30% જંત્રીની રકમ નક્કી કરાઇ
2011માં 50 ચોમી સુધીના બાંધકામ માટે 2 હજાર, 100 સુધીના બાંધકામ માટે 4 હજાર, 200થી 300 માટે 8 હજાર પ્રતિ ચોમી ચાર્જ હતો. જ્યારે હાલ 50 ચોમી સુધીના બાંધકામનો ચાર્જ 3 હજાર, 100 સુધીના 3 હજાર પ્લસ એડિશનલ ચાર્જ 3 હજાર, 100થી 200ના 6 હજાર પ્લસ વધારાના 6 હજાર તથા 200થી 300ના 12 હજાર પ્લસ વધારાના 6 હજાર, જ્યારે 300થી વધુ માટે 18 હજાર પ્લસ 150 દર ચોમીનો દર લાગુ કરાયો છે. રહેણાંકમાં પાર્કિંગ જગ્યા અંગે જંત્રી દરમાં 15 ટકા અને કોમર્શિયલ વિસ્તારમાં પાર્કિંગ ની જગ્યા માટે 30 ટકા જંત્રી નો દર લાગુ પડશે.

પ્લાનની PDF બનાવી અપલોડ કરવી પડશે
1-10-2022 પહેલાંના બાંધકામો જ રેગ્યુલાઇઝ કરાશે. ઓનલાઈન અરજી જ કરવાની હોય પ્લાનની પીડીએફ અપલોડ કરવાની રહેશે ત્યાર બાદ શહેર વિકાસ ખાતું સાઇટ વિઝિટ કરશે અને મંજુરી પ્રક્રિયા કરાશે.

અન્ય સમાચારો પણ છે...