• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • 1000 Leaders Including CM, CR Present In The Region BJP Executive, Started Preparations To Get 150 Seats In The Assembly

AAPની એન્ટ્રી રોકવા સરકાર-સંગઠન સુરતમાં:પ્રદેશ ભાજપ કારોબારીમાં CM, CR, પૂર્વ મંત્રીઓ સહિત 1000 નેતા હાજર, પાટીલે કહ્યું- ડબલ એન્જિનની સરકારને કારણે ગુજરાતને ફાયદો વધુ

સુરત3 મહિનો પહેલા
  • વિધાનસભામાં 150 બેઠક મેળવવાની તૈયારીઓ શરૂ

સુરતમાં પ્રથમવાર પ્રદેશ ભાજપ કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. કારોબારીમાં મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સહિત અપેક્ષિત 1000 જેટલા નેતાઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા છે. તમામ સિનયર નેતાઓ પણ કારોબારીમાં પહોંચ્યા છે. ભાજપ આગામી વિધાનસભાને ધ્યાનમાં રાખીને વધુમાં વધુ બેઠક મેળવવા માટે કોઇ કચાશ રાખવામાં માંગતી નથી. રાજકીય હરિફો આપ અને કોંગ્રેસને પછાડવા માટે તમામ મોરચે આયોજન કરી રહી છે. ભાજપ દ્વારા વિધાનસભામાં 150 બેઠક મેળવવાની તૈયારીઓ શરૂ દેવામાં આવી છે. કારોબારી બેઠકમાં સીઆર પાટીલે સંબોધન કરતા જણાવ્યું હતું કે, ડબલ એન્જિનની સરકારને કારણે ગુજરાત ને ફાયદો વધુ થયો છે.

પાટીલે વિવિધ અભિયાનોની માહિતી આપી
સીઆર પાટીલે પેજ સમિતિ, વન ડે વન ડિસ્ટ્રીક્ટ, સદસ્યતા અભિયાન, સંગઠનાત્મક-સક્રિયતા, સહકાર ક્ષેત્રેમાં ઝળહળતી સફળતા, મોરચા દ્વારા કાર્યક્રમો, સુપોષણ અભિયાન અંગે માહિતી આપી હતી. આ સાથે વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસની પણ માહિતી આપી હતી. પાટીલે જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદીની મોટી પાંચ સભામાં લગભગ પંદર લાખ લોકો પી.એમ. સાથે કનેક્ટ થયા છે. પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં ગુજરાત સદાય વિકાસના કાર્યોમાં અગ્રેસસર રહ્યું છે. ડબલ એન્જિનની સરકારને કારણે ગુજરાતને ફાયદો વધુ થયો છે. ખેડૂતો પાકના સારા ભાવ મળી રહ્યા છે. હિંદુ આસ્થાનું કેન્દ્ર પાવાગઢ મંદિર ઉપર પાંચસો વર્ષ પછી પ્રધાનમંત્રી મોદી દ્વારા ધ્વજા રોહણ કરવામાં આવ્યું છે.

રૂપાણી સરકારના જૂના જોગીઓ પણ કારોબારીમાં હાજર રહ્યા.
રૂપાણી સરકારના જૂના જોગીઓ પણ કારોબારીમાં હાજર રહ્યા.

ગુજરાતની પ્રજા અમારી સાથે જ રહી છેઃ જીતુ વાઘાણી
જીતુ વાઘાણીએ કહ્યું કે ચૂંટણી આવતાંની સાથે કેટલીક રાજકીય પાર્ટી અને સરકાર વિરોધી માનસિકતા ધરાવતા લોકો દુષ્પ્રચાર કરીને સરકારની કામગીરીની ખોટી ભ્રમણા ફેલાવે છે. પરંતુ ગુજરાતની પ્રજા અમારી સાથે જ રહી છે. વંદે ગુજરાત કાર્યક્રમ થકી લોકો મોટી સંખ્યામાં જોડાયા છે. ગુજરાતી જનતા ફરીથી અમને આશીર્વાદ આપશે.

સરકાર અને સંગઠન વચ્ચે તાલમેલ ખુબ સારોઃ રૂપાલા
પુરુસોત્તમ રૂપાલાએ જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટી સરકાર અને સંગઠન વચ્ચે તાલમેલ ખુબ સારો છે. કારોબારીમાં આદિવાસી વિસ્તારમાં 2 દિવસ માટે રોકાવવા વિસ્તારકોને આદેશ આપવામાં આવ્યા છે. રાજકીય ઇતિહાસમાં અનેક પાર્ટીએ ઉભી થવાનો પ્રયાસ કાર્યો પણ સફળ થઈ નથી. આપ કે અન્ય પાર્ટીની ગતિવિધિ ઉપર નજર રાખીએ છીએ.

બે દિવસ ચાલશે બેઠક.
બે દિવસ ચાલશે બેઠક.

આદિવાસીઓને રીઝવવાનો પ્રયાસ
આ બેઠકમાંથી 325 કાર્યકર્તાઓ છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, તાપી, સુરત અને નવસારીના આદિવાસી વિસ્તારોમાં જઈને 24 કલાક માટે કામ કરવા જવાના છે, જ્યાં તેઓ વનબંધુઓને મળશે અને આદિવાસી વિસ્તારોની અંદર આદિવાસી ગૌરવ અભિયાન વિષયને લઈને 13 તારીખ સુધી સમગ્ર ગુજરાતમાં 15 જિલ્લાઓની આદિવાસી વસ્તીઓની મુલાકાત લેવા જય રહ્યા છે. તાત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વનબંધુ યોજના બનાવી, જેનો લાભ સૌને મળે તેવા પણ પ્રયાસ કર્યા છે, ત્યારે આદિવાસી સમાજના 5 ધારાસભ્યને રાજ્ય સરકારમાં સ્થાન મળ્યું છે. તેવામાં રાષ્ટ્રપતિપદના ઉમેદવાર પણ આગામી તા. 13 જૂલાઇએ ગુજરાત આવી 15 જિલ્લામાં પ્રવાસ કરશે. સાથે જ ભાજપ તા. 10 જુલાઈથી ગૌરવ અભિયાન પણ શરૂ કરવા જઈ રહ્યું છે.

સુરતના કાર્યકર્તાઓમાં પણ ભારે ઉત્સાહ
સી.આર.પાટીલ પ્રદેશ અધ્યક્ષ હોય સુરતમાં જ કારોબારીની આયોજન થતાં સુરતના કાર્યકર્તાઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. સરસાણા ખાતે પ્રદેશ કારોબારીની ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સંગઠનના મોટાભાગના હોદ્દેદારો સિનિયર નેતાઓ કારોબારીમાં ભાગ લેશે. કારોબારીનો મુખ્ય એજન્ડા પેજ કમિટી થકી ઘર-ઘર સુધી પહોંચવાનો છે. આમ આદમી પાર્ટી નવી હોવાને કારણે ભાજપને ટક્કર આપી શકે તેવી શક્યતા રહેલી છે. બીજી તરફ કોંગ્રેસ વર્ષોથી સત્તામાં ન હોવાને કારણે સંગઠનની રીતે ખૂબ જ નબળું છે. જેનો સંપૂર્ણ લાભ આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી લેવા માટે પ્રયાસ કરી રહી છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા.

લોકો સુધી પહોંચવા પર વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડશે
પ્રદેશ કારોબારીમાં સી આર પાટીલ હાજર તમામ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારોને આગામી વિધાનસભામાં કયા મુદ્દાને લઈને આગળ વધવાનું છે તેનું માર્ગદર્શન આપશે. તેમજ અન્ય સિનિયર નેતાઓ પણ આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કઈ રીતે લોકો સુધી પહોંચવા પર વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડશે.

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ પહોંચ્યા.
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ પહોંચ્યા.

ભાજપને આપનો ડર
કારોબારી માટે સુરત શહેર જ કેમ પસંદ કરવામાં આવ્યું તેને લઈને પણ ખૂબ ચર્ચા ચાલી રહી છે. કોંગ્રેસ બાદ ગુજરાતની અંદર રાજકીય હરીફ તરીકે આમ આદમી પાર્ટીનો ઉદભવ થયો છે. સુરત એ ભારતીય જનતા પાર્ટીનું ગઢ માનવામાં આવે છે. કોર્પોરેશનની ચૂંટણી દરમિયાન ભાજપના પરંપરાગત મતદારો સૌરાષ્ટ્રવાસીઓએ આમ આદમી પાર્ટી તરફ મતદાન કરીને સૌને ચોંકાવી દીધા હતા. કદાચ ભાજપનું સંગઠન પહેલી વખત લોકોનો મિજાજ જાણવામાં નિષ્ફળ થયું હોય તેવું માની શકાય. જો આમ આદમી પાર્ટી સુરત શહેરની અંદર પાટીદાર મતદારો ધરાવતી બેઠકો ઉપર ફરી એક વખત જો આકર્ષવામાં સફળ થાય તો ભાજપને માત્ર સુરતમાં જ નહીં પરંતુ સૌરાષ્ટ્રમાં પણ મોટું નુકસાન થઈ શકે છે તેમાં કોઈ બેમત નથી.

સુરત ભાજપના કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
સુરત ભાજપના કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

મતદાર આપ તરફ ન જાય તેને રોકવાની સૌથી મોટી ચેલેન્જ
પ્રદેશ અધ્યક્ષ દ્વારા સતત સુરત શહેરની અંદર આમ આદમી પાર્ટીને કેવી રીતે વિધાનસભાની ચૂંટણીમાં પછડાટ આપી તેને લઈને સમયાંતરે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. આમ આદમી પાર્ટી સુરત કોર્પોરેશનમાં જે રીતે પ્રજાના પ્રશ્નોને સામે લાવવામાં સફળ થઇ છે તેને કારણે આમ આદમી પાર્ટીનો એક વર્ગ ચોક્કસ સુરતમાં ઉભો થયો છે. આ મતદાર આપ તરફ ન જાય તેને રોકવાની સૌથી મોટી ચેલેન્જ ભાજપ માટે છે.

સુરતમાં પ્રથમવાર ભાજપની પ્રદેશ કારોબારી બેઠક યોજાઈ.
સુરતમાં પ્રથમવાર ભાજપની પ્રદેશ કારોબારી બેઠક યોજાઈ.

ભારતીય જનતા પાર્ટી માટે માત્ર આમ આદમી પાર્ટીને જ રોકવાનું લક્ષ્ય
જો આમ આદમી પાર્ટીને એક પણ બેઠક ન મળે તેવી સ્થિતિ ઊભી કરી દેવામાં આવે તો સૌરાષ્ટ્રમાં પણ તેને લાભ થઈ શકે નહીં. કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસને એક પણ બેઠક મળી નથી. જેથી એ ચોક્કસ છે કે સુરત શહેરની વિધાનસભાની ચાર બેઠકો પૈકી એક પણ બેઠક ઉપર કોંગ્રેસને સફળતા મળે એવી કોઈ સ્થિતિ દેખાતી નથી. તેથી હવે ભારતીય જનતા પાર્ટી માટે માત્ર આમ આદમી પાર્ટીને જ રોકવાનું લક્ષ્ય છે. અને આ કામ જો સુરતમાં સારી રીતે થાય તો આગામી વિધાનસભાની ચૂંટણીમાં 150બેઠકો હાંસલ કરવાનું ભાજપ માટે મુશ્કેલ રહેશે નહીં.