માંડવી આમલી ડેમ દુર્ઘટના:પહેલા દિવસે 2, પાંચમા દિવસે વધુ 3 મૃતદેહ મળ્યા, હજુ બે લાપતાની શોધખોળ ચાલુ; હોડી ડૂબતાં 7 ડૂબ્યા હતા

સુરત2 દિવસ પહેલા
7ના ડૂબી જવાની ઘટનામાં સમગ્ર વિસ્તારમાં ગમગીનીનો માહોલ.
  • આમલી ડેમમાં પાણીથી ઘેરાયેલા ડુંગર પર ઘાસ કાપવા જતાં દુર્ઘટના થઈ હતી
  • નવાડીમાં સવાર 10 પૈકી 3 લોકો તરીને બહાર આવી જતાં બચાવ થયો હતો

સુરત જિલ્લાના માંડવી તાલુકાના દેવગિરિ ગામના 10 લોકો આમલી ડેમમાં પાણીની ઘેરાયેલા ડુંગર પર ઘાસ કાપવા માટે હોડીમાં નીકળ્યા હતા. ડેમની અડધે ગયા બાદ પવન વધારે ફૂંકાતાં ઊછળતા મોજાથી હોડીમાં પાણી ભરાઈ જતાં ડૂબી ગઈ હતી, જેથી અંદર સવાર 6 મહિલા અને 4 પુરુષ બચવા માટે બૂમાબૂમ કરવા સાથે તરવાની શરૂઆત કરી હતી, પરંતુ 7 લોકો પાણીમાં ડૂબી ગયા હતા, જ્યારે 1 યુવક અને 2 મહિલા બચી ગયાં હતાં. પહેલા દિવસે 2 વૃદ્ધના મૃતદેહ મળ્યા હતા, જ્યારે આજે સવારે અન્ય ત્રણના મૃતદેહ મળ્યા છે, જ્યારે હજુ પણ બે લાપતાની શોધખોળ ચાલી રહી છે.

રોજ પરિવારજનો ડેમ પર બેસતાં હતાં
હોડી ડૂબવાની ગોઝારી ઘટનાને પગલે આમલી અને દેવગિરિ ગામ સહિત આજુબાજુનાં ગામના લોકો ડેમ પર દોડી આવ્યા હતા. છેલ્લા ચાર દિવસથી ફાયર વિભાગ બાદ એસડીઆરએફ અને એનડીઆરએફની મદદથી શોધખોળ ચાલી રહી છે. આજે વધુ 3ના મૃતદેહ મળતાં ગામ લોકોમાં શોકનો માહોલ છવાયો હતો.

ત્રણ દિવસ સુધી વધુ મૃતદેહ શોધવામાં સફળતા મળી ન હતી.
ત્રણ દિવસ સુધી વધુ મૃતદેહ શોધવામાં સફળતા મળી ન હતી.

બચવા માટે માતા-પિતાએ પુત્રને પકડ્યો, જેકેટની ચેઇન ખૂલી જતાં બંને ડૂબ્યાં
હોડી ડૂબવાની ઘટનામાં જિતેન્દ્રભાઈનાં પિતા મીરભાઈ અને માતા રાલુબેન બન્નેએ દીકરાને પકડી રાખ્યો હતો. દીકરો તરતો હતો, ત્યારે અચાનક તેણે પહેરેલા જેકેટની ચેઇન ખૂલી જતાં દીકરાનું જેકેટ સાથે માતા-પિતા પાણીમાં ડૂબી ગયાં હતાં. ત્યાર બાદ તરતી વખતે અધવચ્ચે પોતાનું જ વજન વધી જતાં જિતેન્દ્રભાઈએ પોતે પહેરેલા જીન્સનું પેન્ટ પણ કાઢી નાખ્યું હતું અને કિનારે સુધી તરીને જીવ બચાવ્યો હતો.

વધુ ત્રણ મૃતદેહ મળતાં ગામલોકો ડેમ પર મોટી સંખ્યામાં પહોચ્યા હતા.
વધુ ત્રણ મૃતદેહ મળતાં ગામલોકો ડેમ પર મોટી સંખ્યામાં પહોચ્યા હતા.

ઓચિંતું મોજું આવ્યું અને હોડીનું બેલેન્સ ખોરવાતા હોડી પલટી
જીતેન્દ્ર વસાવા (હોડીચાલક)એ જણાવ્યું હતું કે, હું જાતે જ હોડી હંકારી રહ્યો હતો. ટેકરી પર પહોંચવા અંદાજે 15 મિનિટનું અંતર બાકી હતું અને પવનની ગતિ ઓચિંતી વધી ગઈ, જેથી પાણીમાં મોજા થવા લાગ્યા અને હોડીનું બેલેન્સ ખોરવાતાં પલટી ગઈ અને અંદર અમે સવાર 10 પૈકી બે મહિલા સહિત હું સલામત બહાર આવ્યાં, હોડી ડૂબવાનું દૃશ્યની ભયાનકતાથી હજુ પણ હું ગભરાટ અનુભવું છું. મારાં માતા-પિતા પણ હોડીમાં સવાર હતાં, જેમની હજુ સુધી કોઈ ભાળ મળી નથી.

એસડીઆરએફની મદદથી લાપતાને શોધવાની કામગીરી ચાલે છે.
એસડીઆરએફની મદદથી લાપતાને શોધવાની કામગીરી ચાલે છે.

દેગડો અને પાટિયાના સહારે અડધો કલાકથી વધુ સમય 70 ફૂટ ઊંડા પાણીમાં તરતા જીવ બચ્યો
લલિતાબેન વસાવા (બચી ગયેલી મહિલા)એ જણાવ્યું હતું કે ડેમની વચ્ચે પહોંચ્યા હતા, ત્યાં પવન વધારે આવતાં મોજા ઊછળવા લાગતાં બન્ને તરફથી મોજાનું પાણી ભરાઈ જતાં હોડી પલટી મારી હતી. મારા હાથમાં પાણી ભરવાનો દેગડો આવી જતાં તેના સહારે તરતી રહી, ત્યાર બાદ હોડીની વચ્ચે બેસવાનું પાટિયું હાથમાં આવી જતાં અડધો ક્લાકથી વધુ તરી હતી, અમને ડૂબતા જોતાં ડેમ પરથી 2 હોડી લઈને આવતાં મને બચાવી લીધી હતી. એક સમયે બચવાની આશા છોડી મૂકી હતી. જોકે મારી સાસુ બચી શકી નહીં એનું મને બહુ દુઃખ છે.