સુરતમાં માર્ગ અકસ્માતના કારણે અનેક લોકો મોતને ભેટે છે ત્યારે આવા અકસ્માતોને રોકવા માટે અને લોકોમાં જાગૃતિ આવે તે માટે સુરતમાં 33મા માર્ગ સલામતી સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સુરતના મેયર, પોલીસ કમિશનર સહિતના મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા શહેરમાં વાહન ચાલકોને રોકી તેઓને ટ્રાફિક નિયમનું પાલન કરવા તેમજ હેલ્મેટ પહેરવા અપીલ કરી હતી. સુરતમા વ્યાજખોરો સામે પોલીસે લાલ આંખ કરી છે. ગૃહ રાજ્યમંત્રીની જાહેરાત બાદ પોલીસ અધિકારીઓ પોલીસ મથકોમાં નાના વેપારીઓ અને લોકો સાથે વ્યાજખોર સામે જાગૃતિ માટે સંવાદ કરી રહી છે. જે અંતર્ગત પુણા પોલીસ મથક હદ વિસ્તારમાં પોલીસ દ્વારા લોકદરબારનું આયોજન કરાયું હતું. જેમાં ફ્રૂટ બજાર અને શાકભાજીના વિક્રેતાઓ સાથે સીધો સંવાદ યોજ્યો હતો.
33મા માર્ગ સલામતી સપ્તાહની શરૂઆત
સુરતમાં 33મા માર્ગ સલામતી સપ્તાહનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજીત આ કાર્યક્રમમાં સુરતના મેયર હેમાલીબેન બોઘવાલા તેમજ પોલીસ કમિશનરના હસ્તે ટ્રાફિક સપ્તાહનું દીપ પ્રાગટ્ય કરી ઉદ્ઘાટન કરાયું હતું. આ સપ્તાહ દરમિયાન રોડ પર વાહન ચલાવનાર લોકોને પોલીસ દ્વારા માર્ગ સલામતી ની સમજ અપાશે.
ઉતરાયણના લઈ સેફ્ટી બેલ્ટ પણ વિતરણ કરાયા
આ સાથે જ ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે.જેથી પતંગની દોરી થી લોકો ના ગળા ના કપાય તે હેતુથી લોકોને સેફટી બેલ્ટનું પણ આ સપ્તાહ દરમિયાન વિતરણ કરવામાં આવશે. આજે સુરત પોલીસ કમિશનર તેમજ એડિશનલ કમિશનર અને ડીસીપી સહિત ઉચ્ચ અધિકારીઓ દ્વારા વાહન ચાલકોને હેલ્મેટ તેમજ સેફટી બેલ્ટનું વિતરણ કર્યું હતું..
આગામી સમયમા હેવી વાહન ચાલકોની આંખોનું ટેસ્ટિંગ કેમ્પ રખાશે
આજ થી માર્ગ સલામતી સપ્તાહ શરૂ થયું છે.જેને લઈ અનેક NGO સંસ્થા તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ માર્ગ સલામતી સપ્તાહમાં જોડાયા હતા. ટ્રાફિક ડીસીપી દ્વારા જણાવાયું હતું કે આગામી સમયમા હેવી વાહન ચાલકોનો વિના મૂલ્યે આંખોનું ટેસ્ટિંગ તેમજ બોડી ચેકઅપ કરાશે સાથે જ સતત ફરજ પર ઉભેલા પોલીસનું પણ બોડી ચેકઅપ કરવામાં આવશે.તમામ લોકો ટ્રાફિક નિયમો નું પાલન કરે તેવી અપીલ કરી હતી.
ગયા વર્ષની જેમ આ વર્ષે પણ માર્ગ સલામતીમાં સુરતને પ્રથમ નંબર માટે તેવા પ્રયાસ કરાશે
સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમરે જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ટ્રાફિક સલામતી સપ્તાહનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગત વર્ષે માર્ગ સલામતીમાં સુરત શહેરને પ્રથમ નંબર મળ્યો હતો. અમે પ્રયાસ કરીશું કે આ વર્ષે પણ કામગીરીને વધુ સારી કરીને પ્રથમ નંબર જાળવી રાખીશું. લોકોની બેદકારીના કારણે અકસ્માતના બનાવો બને નહી તે માટે કોર્પોરેશન સાથે મળીને ઘણા બધા પ્રયસો કરવામાં આવી રહ્યા છે. પોલીસ હંમેશા ટ્રાફિકનું સુચારુ રૂપના પાલનમાં માને છે પરંતુ જ્યારે લોકો નિયમનું પાલન કરતા નથી ત્યારે દંડ વસુલવાની કામગીરી કરવી પડે છે. હું દરેક લોકોને વિનંતી કરું છું કે ટ્રાફિક નિયમનું પાલન કરીએ અને શહેરના ટ્રાફિક મુક્ત કરીએ.
પુણા પોલીસમાં લોકદરબારનું આયોજન
સુરત શહેર પોલીસ દ્વારા વ્યાજખોરો સામે ઝુંબેશ ઉપડવામાં આવી છે. ત્યારે સુરતના પુણા પોલીસ મથક હદ વિસ્તારમાં પોલીસ દ્વારા લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસે પ્રજા વચ્ચે જઈ તેમના પ્રશ્નો સાંભળ્યા હતા. ખાસ કરી ફ્રૂટ માર્કેટ અને શાકભાજીના વિક્રેતાઓ સાથે સંવાદ કર્યો હતો.
નાના વેપારીઓને પડતી વ્યાખોરી મુશ્કેલી પર સંવાદ કરાયો
નાના વેપારીઓ પોતાના ધંધા રોજગાર માટે વ્યાજે નાણાં લઈ અને શરૂઆત કરતા હોવાની અનેક ઘટના સામે આવતી હોય છે. તેમાં નાના વેપારીઓ વ્યાજના ચક્રમા ફસાઈ જાય છે. વ્યાજખોરો દ્વારા પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોય છે .જેને લઈ વેપારીઓને પોતાનો ધંધો રોજગાર બંધ કરી દેવાની નોબત આવતી હોય છે. આવા કિસ્સા ન બને તે માટે સુરત પોલીસ કમિશનરના આદેશ અનુસાર જોઈન્ટ પોલીસ કમિશનર પ્રવીણ મલ, ડીસીપી તેમજ એસીપી અને પી આઈ સહિતના પોલીસ સ્ટાફની વચ્ચે લોકોએ પોતાના પ્રશ્નો રજુ કર્યા હતા.
તાત્કાલિક પ્રશ્નો નિવારવા પોલીસના પ્રયાસ
પોલીસ દ્વારા તાત્કાલિક નિવારણ લાવવા માટે તમામ ને સાંભળી અને કાર્યવાહી કરવાની કામગીરી શરૂ કરવા બાંહેધરી આપી છે. સુરત પોલીસ સતત વ્યાજખોરો સામે તવાઈ બોલાવી રહી છે. ત્યારે અમુક મધ્યમ વર્ગના લોકો પોલીસ મથકે આવતા નથી. જેથી પોલીસ સીધા લોકો પાસે પહોંચી તેમની રજુઆત સાંભળે છે. પુણા વિસ્તારમાં યોજાયેલા આ લોકદરબારમાં શાકભાજી તેમજ ફ્રૂટ માર્કેટના વિક્રેતાઓ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.