સુરતના કાપડ વેપારીઓને હૈયાધરપત:કેન્દ્રીય બજેટ ચર્ચામાં CR પાટીલે વેપારીઓને કહ્યું, ‘ચિંતા ના કરો, કાપડ પર GST 5% જ રહેશે’

સુરત6 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • માર્ચમાં નિર્ણય આવે તે પહેલાં ભાજપ પ્રદેશ પ્રમુખની કાપડ વેપારીઓને હૈયાધરપત
  • નાણામંત્રી સીતારમણ કપડાં ઉદ્યોગ પર 12% જીએસટી નાંખવા માટે તૈયાર હતાં

‘તમે ચિંતા ન કરો, કાપડ પર જીએસટીના દર 5 ટકા જ રહેશે.’ ભાજપે સુરતમાં કેન્દ્રીય બજેટ પર ચર્ચાનું આયોજન કર્યું હતું, જેમાં સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે આ વાત કહી હતી. કોમર્સ મંત્રાલયે કાપડ પર જીએસટીનો દર 5 ટકાથી વધારીને 12 ટકા કર્યો હતો. જેની સાથે જ દેશભરના કાપડ ઉદ્યોગકારોએ સખત વિરોધ નોંધાવ્યો હતો. સુરતમાં એક દિવસ ટ્રેડર્સે દુકાન બંધ રાખી હડતાળ પાડી હતી, જેને કારણે તાત્કાલિક જીએસટી કાઉન્સિલની મિટિંગ બોલાવીને હાલ પુરતા જીએસટીનો દર 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો હતો.

જીએસટીનો દર 5 ટકા જ રહેશે કે 12 ટકા કરાશે તેનો નિર્ણય માર્ચ મહિનામાં આવશે. પરંતુ રવિવારે ભાજપ દ્વારા કેન્દ્રીય બજેટ પર ચર્ચા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સી.આર. પાટીલે કહ્યું હતું કે, ‘નાણામંત્રી નિર્મલા સીતારમણ કપડાં ઉદ્યોગ પર 12 ટકા જીએસટીનો દર નાંખવા માટે તૈયાર હતાં. પરંતુ દર્શનાબેને દરેક રાજ્યોના ઉદ્યોગકારોને લઈ ગયા અને તેમની સાથે મિટિંગ નું આયોજન કરી અને જીએસટીનો દર 5 ટકા થયો. હાલ તેની ડેડલાઈન પૂરી થવા આવી છે, પરંતુ ઉદ્યોગકારો ચિંતા ન કરે, કાપડ પર જીએસટીનો દર 5 ટકા જ રહેશે.’

68,000 કરોડનો લાભ ખેડૂતોનાં ખિસ્સામાં પહોંચશે : મંત્રી રૂપાલા
સુરત ભાજપા કાર્યાલય ખાતે આયોજિત પ્રબુદ્ધ નાગરિક સંમલનમાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ બજેટને આધુનિક ભારતનો પાયો નાખનારું, આત્મનિર્ભર સ્વપ્નને સાકાર કરાવનારું ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે આપણે વર્ષોથી સરહદી ગામડાઓમાંથી સ્થળાંતર જોઈ રહ્યા છીએ. આ પાસું કોઈપણ દેશના સંરક્ષણ માટે સારું નથી. આ વાતને સમજીને સરહદ પરના ગામડાઓના વિકાસ માટે નવેસરથી વિચાર કરાયો છે. જેમાં વીજળી, પાણી, રોડ કનેકટીવીટી તમામ સુવિધાઓ હોય તે માટે બજેટમાં ખાસ વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામની જાહેરાત કરાઈ છે. બજેટમાં પીએમ કિસાન સન્માનનિધિ હેઠળ 68 હજાર કરોડ રૂપિયાની જોગવાઈ છે. જેનો સીધો લાભ ખેડૂતોનાં ખિસ્સામાં પહોંચશે. દેશના 11 કરોડથી વધુ ખેડૂતોને સીધો લાભ ફાયદો થશે.