ભાસ્કર ઓરિજિનલ:સુરતમાં બે વર્ષમાં કૃત્રિમ હીરાની નિકાસ 304 ટકા વધી; પહેલાં 20 વેપારી હતા, હવે 800 થયા

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લેબગ્રોન ડાયમંડની નિકાસ બે વર્ષમાં 248 મિલિયન ડોલર વધી, અમેરિકા અને હોંગકોંગમાંથી થઈ રહી છે માગ
  • સુરતનો કુદરતી હીરા બાદ આર્ટિફિશિયલ ડાયમંડમાં પણ દબદબો વધ્યો
  • સુરતમાં કૃત્રિમ હીરાનાં 800થી વધુ યુનિટો ધમધમવા લાગ્યાં, તેમાં 1.5 લાખથી વધુ લોકો કામ કરી રહ્યા છે

નેચરલ હીરાના કટિંગ અને પોલિશિંગ માટે વિશ્વ વિખ્યાત સુરતે હવે આર્ટિફિશિયલ (લેબગ્રોન) હીરામાં પણ પોતાનો એકાધિકાર સ્થાપવા તરફ આગળ વધી રહ્યું છે. પાછલા થોડા સમયમાં લેબગ્રોન ડાયમંડની નિકાસ 304 ટકા વધી છે. અગાઉ શહેરમાં માત્ર 20 હીરા વેપારીઓ લેબગ્રોન હીરા સાથે સંકળાયેલા હતા. હવે તેની સંખ્યા 800ને પાર થઈ ગઈ છે.

લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ માટે કોરોનાકાળ ફાયદાકારક સાબિત થયો છે. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના આંકડા મુજબ બે વર્ષ પહેલાં સુરતમાંથી લેબગ્રોન હીરાની નિકાસ નામમાત્રની હતી, જે આજે ત્રણ ગણી વધી ગઈ છે. નાણાકીય વર્ષ 2019-20ના શરૂઆતના ચાર મહિના એપ્રિલથી જુલાઈ દરમિયાન સુરતનો લેબગ્રોન ડાયમંડની નિકાસ 121 મિલિયન યુએસ ડોલર હતી જે વર્ષ 2021-22ના શરૂઆતના ચાર મહિનામાં 369 મિલિયન યુએસ ડોલર પર પહોંચી ગયો છે.

બે વર્ષમાં કૃત્રિમ હીરાની નિકાસમાં 304 ટકાનો ઉછાળો આવ્યો છે. સુરતના લેબગ્રોન ડાયમંડના 800થી વધુ યુનિટોમાં 1.5 લાખથી વધુ લોકો કામ કરે છે. જે લોકો પહેલાં કુદરતી હીરાના કારખાનામાં કામ કરતા હતા તે હવે લેબગ્રોન ડાયમંડના યુનિટોમાં કામ કરી રહ્યા છે. સુરતમાં કુદરતી હીરાના લગભગ 6000 યુનિટ આવેલાં છે.

કુદરતી હીરાના ઘણા વેપારીઓએ લેબગ્રોનના ધંધામાં ઝંપલાવ્યું
સુરત લેબગ્રોન ડાયમંડ એસોસિએશનના અધ્યક્ષ બાબુભાઈ વાઘાણીએ જણાવ્યું કે થોડા વર્ષ વહેલાં સુરતમાં લોકો લેબગ્રોન ડાયમંડનો વ્યવસાય કરવાથી દૂર ભાગતા હતા. વિદેશમાં તેની માગ ઓછી હતી. કેટલાક લોકો તેને કુદરતી હીરામાં મીક્સ કરીને વેચી દેતા હતા, પણ વિદેશમાં બે વર્ષમાં તેની માગ 300 ટકા વધી છે. અમેરિકા અને હોંગકોંગમાં કૃત્રિમ હીરાની ખુબ જ માગ છે, જેના કારણે સુરતના વેપારીઓ લેબગ્રોન તરફ વળ્યા છે.

લેબગ્રોન ડાયમંડનો વેપાર રોકડમાં થાય છે, તેમાં નાણાં ફસાતા નથી
લેબગ્રોન ડાયમંડનો વ્યવસાય ઓછા મૂડીરોકાણથી શરૂ થઈ શકે છે. કુદરતી હીરા કરતાં ત્રીજા ભાગના રોકાણની જરૂર રહે છે. લેબગ્રોન હીરાનો કારોબાર રોકડમાં હોય છે જ્યારે કુદરતી હીરામાં ઉધાર માલ વેચવો પડે છે. જેમાં મોટી મૂડી ફસાઈ જાય છે.

કોરોનામાં વેપાર વધ્યો, કુદરતી હીરાથી 30 ટકા સસ્તા પડે છે
કોરોનાને કારણે લોકોની ખરીદશક્તિ પર અસર થઈ છે. કુદરતી હીરા અને લેબગ્રોન ડાયમંડના ભાવ 30 ટકા સુધીનું અંતર હોય છે. તેની કિંમત ઓછી હોવાથી અને કુદરતી હીરા જેવા જ દેખાતા હોવાથી લોકો તેને કુદરતી હીરાનો વિકલ્પ ગણી રહ્યા છે.

લેબગ્રોન હીરાની નિકાસ

વર્ષનિકાસ
2019 (એપ્રિલ-જુલાઈ)121
2021 (એપ્રિલ-જુલાઈ)369

કુદરતી હીરાની નિકાસ

વર્ષનિકાસ
2019 (એપ્રિલ-જુલાઈ)6704
2021 (એપ્રિલ-જુલાઈ)8522

(આંકડા મિલિયન યુએસ ડોલરમાં)

અન્ય સમાચારો પણ છે...