કોરોનાની બે લહેરનો સામનો કરી ચૂકેલા ગુજરાતમાં દવાઓ, માસ્ક, સેનિટાઇઝરના વેચાણમાં મોટો ઉછાળો આવ્યો. બીજી લહેર દરમિયાન રાજ્યમાં એન્ટિ વાઈરલ દવાઓના વેચાણમાં 20 ટકાનો વધારો થયો હતો તથા નવા 28 ટકા નવા મેડિકલ સ્ટોર્સ ખૂલ્યા હતા. ગુજરાત સરકારના ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ દ્વારા વર્ષ 2020માં ગુજરાતમાં 6003 મેડિકલ સ્ટોર જ્યારે વર્ષ 2021માં 7717 મેડિકલ સ્ટોર ખોલવા માટેની પરવાનગી આપવામાં આવી છે. વર્ષ 2020ની સરખામણીમાં વર્ષ 2021માં 28 ટકા વધારે મેડિકલ સ્ટોર ખૂલ્યા હતાં.
ફાર્મા એક્સપર્ટ ભાવેશ ઉપાધ્યાય સહિત ફાર્મા એસોસિએશનના હોદ્દેદારો જણાવે છે કે રાજ્યમાં વર્ષ 2018 અને 2019માં દવાનો ધંધો 4-4 હજાર કરોડ જ્યારે વર્ષ 2020 અને 2021માં 6-6 હજાર કરોડ થયો છે. વર્ષ 2018માં ગુજરાતમાં કુલ 5196, વર્ષ 2019માં 4891, વર્ષ 2020માં 6003 જ્યારે વર્ષ 2021માં 7717 મેડિકલ સ્ટોરને પરવાનગી આપવામાં આવી હતી. 2021માં અમદાવાદમાં 1671 અને સુરતમાં 1294 સ્ટોર ખુલ્યા હતા.
છેલ્લાં 4 વર્ષમાં મેડિકલ સ્ટોર્સને મંજૂરી, 2021માં દવા વેચાણ
શહેર | 2018 | 2019 | 2020 | 2021 | 2021માં દવા વેચાઈ |
અમદાવાદ | 1229 | 1095 | 1355 | 1671 | 1700 કરોડ |
સુરત | 966 | 928 | 988 | 1294 | 1300 કરોડ |
વડોદરા | 437 | 471 | 616 | 764 | 700 કરોડ |
રાજકોટ | 288 | 231 | 317 | 446 | 400 કરોડ |
કુલ | 2920 | 2725 | 3276 | 4157 | 4100 કરોડ |
રાજ્યમાં કુલ | 5196 | 4891 | 6003 | 7717 | 6000 કરોડ |
સ્ત્રોત: ફૂડ એન્ડ ડ્રગ વિભાગ, ફાર્મા એક્સપર્ટ ભાવેશ ઉપાધ્યાય અને ફાર્મા એસોસિયેશનના હોદ્દેદારો સાથેની વાતચીતના આધારે.
મેડિકલ સ્ટોરમાં નફો દેખાતા રોકાણ વધ્યું
ફેડરેશન ઓફ ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસિયેશનના ગુજરાતના પ્રમુખ જશુ પટલે કહે છે કે, ‘લૉકડાઉન છતાં પરવાનગી હોવાથી મોટી સંખ્યામાં લોકોએ મેડિકલ સ્ટોરમાં રોકાણ કર્યું.’
100 મેડિકલ સ્ટોરે 24x7 માટેની પરવાનગી મેળવી
24 કલાક ખુલ્લા રાખી શકાય તેવા મેડિકલ સ્ટોરની પણ કેમિસ્ટ દ્વારા પરવાનગી લેવામાં આવી રહી છે. 2021માં ગુજરાતમાં કુલ 7717 મેડિકલ સ્ટોર ખોલવાની પરવાનગી આપવામાં આવી હતી. જેમાં 100થી વધારે મેડિકલ સ્ટોર 24 કલાક ખુલ્લા રાખવા માટેની પરવાનગી આપવામાં આવી હતી.
તાવ અને શરદીની દવાના વેચાણમાં 30%નો વધારો
શરદી અને ખાંસીની દવાના વેચાણમાં સૌથી વધુ વધારો થયો છે. જેમાં પેરાસીટામોલ, એજિથ્રોમાઇસિન, જિથ્રોમાઇસિન અને વિટામિન સીની દવામાં 30 ટકાનો વધારો નોંધાયો છે.
સાવચેતીઃ કેસ વધતાં એન્ટિ વાઈરલ દવાઓ-માસ્કના વેચાણમાં વધારો
કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિયેશનના જણાવ્યા પ્રમાણે પહેલી લહેર વખતે રોજ સરેરાશ 20 લાખ માસ્ક વેચાતા હતા. બીજી લહેરના અંત સુધીમાં આ આંકડો 7 લાખ થઈ ગયો હતો. હવે રોજ સરેરાશ 10 લાખ ડિસ્પોઝેબલ માસ્ક વેચાય છે.
પ્રોડક્ટ | બીજી લહેર | બીજી લહેરના અંતે | હાલની સ્થિતિ |
માસ્ક | 15-20 લાખ | 6-7 લાખ | 8-10 લાખ |
સેનિટાઇઝર | 4-5 લાખ લિટર | --- | 3-4 લાખ |
એન્ટિ વાઇરલ દવા | 2.5-4 લાખ ટેબલેટ | 2500-2800 | 4000 ટેબલેટ |
રેમડેસિવિર | 10-12 હજાર | 400-500 | 350-400 |
આયુર્વેદિક દવાઓનું વેચાણ પણ વધ્યું
છેલ્લાં 15થી 20 દિવસથી રાજ્યમાં ઓમિક્રોનનું સંક્રમણ વકરતા અમદાવાદમાં આયુર્વેદિક દવાઓના વેચાણમાં છેલ્લાં 15 દિવસમાં 22થી 25 ટકાનો વધારો થયો છે.
કઇ દવાનું વેચાણ વધ્યુંઃ પેરાસીટામોલ અને શરદીની દવાની સાથે વિટામિનની દવાના વેચાણમાં વધારો થયો છે. આયુર્વેદિક ઉકાળાના વેચાણમાં પણ મોટો વધારો થયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.