સુરતના ઘોડદોડ રોડ પર આવેલા જવેલરીના શો રૂમમાં મહિલા મસ્ત રીતે હાથફેરો કરી ફરાર થઈ ગઈ હતી. શો રૂમની અંદર અજાણી મહિલા ગ્રાહકના સ્વાંગમાં આવી હતી. દરમિયાન દુકાનના કર્મચારીઓની નજર ચૂકવી મહિલા સોનાની બંગડી લઈ રફુચક્કર થઈ ગઈ હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે. ઘટનાને પગલે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
જ્વેલર્સ શો રૂમમાંથી કર્મચારીની હાજરીમાં ચોરી
સુરતના ઘોડદોડ રોડ પર શાહ જયંતીલાલ સન્સ એન્ડ જવેલર્સ નામના નામાંકિત શો રૂમમાંથી એક મહિલા ખૂબ જ ચાલાકીપૂર્વક સોનાની ચોરી કરી ફરાર થઈ ગઈ હતી. શો રૂમમાં આ ચોરી કર્મચારીની હાજરીમાં થઈ ગઈ છતાં કોઈને ખબર પડી ન હતી. દિવસના અંતે હિસાબ કરવાનો આવ્યો ત્યારે સોનાની ઘટ આવતાં ચોરી થઈ હોવાનું માલૂમ પડ્યું હતું.
ગ્રાહકના સ્વાંગમાં આવી મહિલા ચોરી કરી ફરાર
શો રૂમમાં અંકિત નવરતનમલ જૈન મેનેજર તરીકે નોકરી કરે છે. તેઓ રોજ આખા દિવસનો હિસાબ કરતા હોય છે. ત્યારે આ દિવસે પણ દિવસનો હિસાબ કર્યો ત્યારે શો રૂમમાંથી સોનાની સાદી મશીન ડિઝાઇનવાળી બંગડી ગાયબ હતી. એની શોધખોળ કરતાં શો રૂમમાંથી મળી આવી ન હતી, જેથી તેમણે દુકાનના સીસીટીવી કેમેરા તપસ્યા હતા. દરમિયાન એક મહિલા ગ્રાહકના સ્વાંગમાં આવી કર્મચારીઓની નજર ચૂકવી 14.260 ગ્રામની 75 હજારની કિમતની બંગડી ચોરી ફરાર ફરાર થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું હતું.
ચાલાકીથી મહિલાએ સોનાની બંગડીની ચોરી કરી
મહિલાની ચોરીનો ખેલ શો રૂમના સીસીટીવીએ ખુલ્લો પાડી દીધો હતો, જેમાં જોવા મળ્યું હતું કે જ્વેલર્સની દુકાનમાં ગ્રાહક બનીને એક મહિલા પ્રવેશ કરે છે અને ત્યાર બાદ એટલી ચાલાકીથી કર્મચારીને વાતમાં રાખી તે સોનાની બંગડીની ચોરી કરી લે છે. મહિલાએ દુકાનમાં કામ કરતા કર્મચારીઓને દાગીના બતાવવાનું કહ્યું હતું. બાદમાં જવેલર્સની દુકાનમાં કામ કરતા કર્મચારીઓની નજર ચૂકવી 75 હજારની કિમતની બંગડીની ચોરી કરી ફરાર થઈ જતી નજરે પડી હતી.
એકસાથે બંગડીઓ જોવા માગીને કરી ચોરી
મહિલાએ એટલી શિફ્તતાથી ચોરી કરી હતી કે કર્મચારીઓને પણ ધ્યાન રહ્યું ન હતું. મહિલાએ એક સાથે બંગડી જોવા લીધી હતી અને બાદમાં એમાંથી એક બંગડી કાઢી પોતાની પાસે રહેલી બેગમાં મૂકી દીધી હતી અને બાદમાં દુકાનમાંથી ફરાર થઇ ગઈ હતી. આ મામલે જવેલર્સના મેનેજરે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.