ક્લીનચીટ રિપોર્ટ:સ્મીમેર રેગિંગ પ્રકરણમાં તપાસ કમિટીએ ફરિયાદી જુનિ. તબીબને જ બેદરકાર ઠેરવ્યો

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જુનિયર તબીબે ફરિયાદ કરી હતી,મેડિસિનના 4 સિનિયરને ક્લિનચીટ
  • તપાસ દરમિયાન જ ફરિયાદી જુ.તબીબે​​​​​​​ અમદાવાદ ટ્રાન્સફર લઇ લીધી હતી

સ્મીમેરના મેડિસિન વિભાગના સિનિયર તબીબો દ્વારા પ્રથમ વર્ષના રેસીડેન્ટ ડોકટર પર રેગિંગ કર્યાની ફરિયાદમાં નાટયાત્મક વળાંક આવ્યો છે. રેગીંગની ફરિયાદ કરનાર ખુદ જુનિ. ડોક્ટરની જ ફરજમાં બેદરકારી હોવાનો રિપોર્ટ તપાસ કમિટીએ રજૂ કર્યો છે. જેની સામે આરોપો મૂકાયા હતા એ તમામ રેસીડેન્ટ ડોકટરોને ક્લીનચીટ અપાઇ છે.

રેગિંગ પ્રકરણમાં તપાસ શરૂ થતા ફરિયાદી જુનિયર તબીબે સ્મીમેરમાંથી રાતોરાત અમદાવાદ ટ્રાન્સફર લીધાની માહિતી બહાર આવી છે.મેડિસિન વિભાગના બીજા અને ત્રીજા વર્ષના 4 રેસિડન્ટ ડોક્ટર દ્વારા પ્રથમ વર્ષના રેસીડન્ટ ડોક્ટર ઉપર અનપ્રોફેશનલ બિહેવીયર કરાયાની ફરિયાદ ઉઠતા સ્ટેન્ડીંગ કમિટીએ તપાસ કમિટી રચવા જણાવાયું હતું.

તેમણે જે વખતે મેડિસીન વિભાગના વડા દ્વારા માફીપત્ર લખાવીને પ્રકરણ દબાવી દીધું હોવાનો ઉલ્લેખ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવા તાકીદ કરી હતી. જેથી તપાસ કમિટીની નિમણુંક કરાઇ હતી. તપાસ કમિટીએ રિપોર્ટમાં જણાવ્યું છે કે, ફરિયાદ કરનાર જુનિયર ડોકટર દ્વારા શિક્ષકો અને સાથી રેસીડેન્ટ દ્વારા સોંપવામાં આવતી રોજીંદી કામગીરી માટે નકરાવુ, કામ માટે અસક્ષમતા દર્શાવવી અને સાથી કર્મચારી સાથે અયોગ્ય વ્યવહાર કરાતો હોવાનું ધ્યાને આવ્યું છે.

જેથી દર્દીઓની સારવાર પર સીધી અસર થાય છે. દર્દીની સારવાર માટે જરૂરી સુચનો પણ આપતા દરેક અચકાય છે. ફરજ પ્રત્યે નિષ્ઠાનો અભાવ જણાતો હોય પાલિકાના વહીવીટી તેમજ જાહેર આરોગ્ય હિતમાં કોઇપણ સંજોગોમાં ચલાવી લઇ શકાય તેમ નથી.

મામલો રફદફે કર્યાની માહિતી બહાર આવી હતી
સુરતઃ સ્મીમેર હોસ્પિટલનાં મેડિસિન વિભાગના સિનિયર રેસિડેન્ટ તબીબોએ પ્રથમ વર્ષના જુનિયર તબીબ સાથે રેગિંગ કર્યાનો મામલો સામે આવતા જે તે વખતે મામલો રફેદફે કરી દેવાયો હોવાની માહિતી બહાર આવી હતી. જેથી સ્ટેન્ડીંગ કમિટીએ તપાસના આદેશ આપ્યા હતા. પરંતુ તપાસ કમિટીનો ક્લીનચીટ રિપોર્ટ હોય તપાસ સામે સવાલો ઉભા થયા છે.

અન્ય સમાચારો પણ છે...