હુમલો:RTOમાં ટાઉટોમાં ચપ્પુ ઉછાળ્યું લોહી-લુહાણ દલાલ હોસ્પિટલમાં

સુરત21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • અગાઉ એક ટાઉટે અધિકારીનો કોલર પકડી લીધો હતો

સુરત આરટીઓમાં ગેરકાયદે ટાઉટો હવે દાદાગીરી પર ઉતરી આવ્યાં છે. 5 મહિના પહેલા આસિસ્ટન્ટ આરટીઓનો કોલર પકડી લીધો હતો. તે પછી પણ ટાઉટ સામેનો પ્રતિબંધ નામ પુરતો જ રહ્યો હોવાથી હવે ટાઉટો કામ મેળવવાની લ્હાયમાં એટલાં અધીરા બન્યાં છે કે એકબીજા ઉપર હુમલા કરી રહ્યા છે. તેવામાં લાયસન્સ સહિતની કામગીરી માટે આવતાં અરજદારોને પણ જીવનું જોખમ રહેલું છે. 27 જુલાઇને બુધવારે એક એજન્ટે અન્ય ટાઉટ પર ચપ્પુ હુલાવતાં લોહી-લૂહાણ હાલતમાં યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો.

રૂપિયા આપવા છતાં લાઈસન્સ ન બનાવ્યું
બુધવારે બપોરે ગેટ નં-1 પાસે થયેલી મારામારી અંગે અડાજણ પોલીસે ગુનો દાખલ કર્યો છે. 28 વર્ષીય નિઝામ શેખે તેમના સાઢુભાઇ યુસુફ શેખ સહિતના હુમલાખોરો સામે ફરિયાદ નોંધાવી છે. નિઝામે કહ્યું કે, લાયસન્સ બનાવવા 7થી 8 ગ્રાહકોના રૂપિયા ટાઉટ યુસુફને આપ્યાં હતા. તે સિવાય ઉછીના 20 હજાર રૂપિયા પણ આપ્યાં હતાં. તેમ છતાં કામ કરી આપ્યાં ન હતા. યુસુફને 5 દિવસ પહેલાં તરત કામ કરવા જણાવતાં ચપ્પુ વડે હુમલો કરાયો હતો.

પોલીસ કમિશનર-કલેક્ટરને ફરિયાદ એળે
એઆરટીઓ હાર્દિક પટેલે કહ્યું કે, કચેરીમાં ગેરકાયદે ટાઉટો મારામારી સુધી ઉતરી આવે છે, જે અંગે શહેર પોલીસ કમિશનર અને જિલ્લા કલેક્ટરને લેખિત ફરિયાદ કરાઇ છે. જોકે કાર્યવાહી થઇ નથી. કચેરીમાં બોગસ દસ્તાવેજોના ઉપયોગ અંગે પણ રજૂઆત કરાઇ હોવાનું તેમણે ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...