વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સેમેસ્ટરની માર્કશીટમાં એટીકેટી નહીં પરંતુ પાસ-નાપાસ લખવામાં આવશે. યુનિવર્સિટીની મંગળવારે મળેલી એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા. હાલ સુધી એટીકેટી આવી હોય તેવા વિદ્યાર્થીઓની માર્કશીટમાં એટીકેટી લખવામાં આવતું હતું. જોકે, હવેથી એટીકેટીના બદલે પાસ કે નાપાસ જ લખવાનો ઠરાવ કરવામાં આવ્યો છે. જેની નોંધ શૈક્ષણિક વર્ષ 2021-22ના પરિણામમાં થશે.
જેમ કે, સેમેસ્ટર-1માં એટીકેટી હોય તો સેમેસ્ટર-1 અને 2ની માર્કશીટમાં એટીકેટી લખવામાં આવતી હતી. તેને બદલે હવે માત્ર સેમેસ્ટર-1ની માર્કશીટમાં નાપાસ લખવામાં આવશે. સેમેસ્ટર-3માં પ્રવેશ માટે સેમેસ્ટર-1 તથા સેમેસ્ટર-2 બંનેમાં નાપાસ હોય તો પણ પ્રવેશપાત્ર બનશે. જ્યારે સેમેસ્ટર-5માં પ્રવેશ માટે સેમેસ્ટર-1 તથા સેમેસ્ટર-2 બંને પાસ હોય તો જ પ્રવેશપાત્ર બનશે. તે મુજબની કેરીફોરવર્ડની સિસ્ટમનો અમલ કરાશે. અગાઉના જે વિદ્યાર્થી એટીકેટી કે નાપાસ લખેલી માર્કશીટ બદલવા માંગતા હોય તે વિદ્યાર્થીઓ માર્કશીટ દીઠ રૂ.500 જમા કરાવી મેળવી શકશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.