વિસ્તાર પ્રમાણે એનાલિસિસ:પાસ-કોંગ્રેસની લડાઈમાં પાટીદારોના મતનો ‘લાડવો’ ભાજપ-આપમાં વહેંચાયો

સુરત9 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
  • અડાજણ, રાંદેર, ઉધના, પાંડેસરામાં ભાજપ તરફી ઝુકાવ, જ્યારે પાટીદાર વિસ્તારોમાં અસમંજસ જેવી સ્થિતિ

કતારગામ અને વેડરોડમાં પ્રજાપતિ સમાજનું વોટિંગ નિર્ણાયક રહેશે, વોર્ડ 6માં 43.40% અને વોર્ડ 7માં 52.03 % વોટિંગ
વોર્ડ ન.6 કતારગામ અને વોર્ડ ન.7 કતારગામ -વેડરોડમાં 4 લાખથી વધુ વોટ પ્રજાપતિ સમાજના છે,આ બેઠક ભાજપની ગણવામાં આવે છે.જોકે આ બેઠક પરથી મનપા ચૂંટણી લડનાર લલિત વેકરીયા અને નરેન્દ્ર પાંડવ વચ્ચે તું તું -મૈ મૈ થઇ હતી.કોંગ્રેસમાં રહી ચૂકેલા નંદલાલ પાંડવના પુત્ર નરેન્દ્ર પાંડવને ભાજપે ટિકિટ આપતા સ્થાનિક સ્તરે કચવાટ હતો.આટલું જ નહીં પણ પ્રજાપતિ સમાજને સંબોધીને મેસેજ પણ વાઇરલ થયો હતો જેમાં કહેવાયું હતું કે સમાજના વ્યક્તિને ધ્યાને લેજો, પાર્ટીને નહી, સમાજને પ્રાધાન્ય આપજો.

અડાજણ-ઇચ્છાપોર-રાંદેર અને પાલમાં ભાજપની સ્થિતિ મજબૂત, તમામ વોર્ડમાં 41%થી વધુ વોટિંગ ભાજપ માટે સારો સંકેત છે
વોર્ડ ન.1 જહાંગીરપુરા -વરિયાવ-છાપરાભાઠામાં કુલ 41.78 ટકા મતદાન નોંધાયું છે. વોર્ડ ન.9 રાંદેર -જહાંગીરપુરા-પાલનપોરમાં કુલ 44.88 ટકા મતદાન નોંધાયું છે.આવી જ રીતે વોર્ડ ન.10 અડાજણ-પાલ -ઇચ્છાપોરમાં 44.60 ટકા અને વોર્ડ ન.11 અડાજણ-ગોરાટમાં કુલ 45.03 ટકા વોટિંગ નોંધાયું છે.આ તમામ વોર્ડમાંવર્ષોથી ભાજપની સ્થિતિ મજબૂત છે.ભાજપમાં ટિકિટ વહેંચણી મામલે થયેલા અસંતોષ બાદ પણ આ વિસ્તારના ભાજપના કમિટેડ વોટર્સના માઈન્ડસેટને કોઈ ખાસ ફર્ક પડ્યો ન હતો.

પાટીદાર વિસ્તારોમાં આમ આદમી પાર્ટી ખાતું ખોલે એવી શક્યતા, વોર્ડ 2માં 46.69 ટકા જ્યારે વોર્ડ 3માં 48.80 ટકા મતદાન
આ ચૂંટણીમાં પાસે કોંગ્રેસની સાથે પણ સીંગડા ભેરવ્યા હતા.જેને પગલે પાટીદાર મતદારોમાં અસમંજસ જોવા મળી હતી. આપ દ્વારા પાટીદાર મતો અંકે કરવા પ્રચારમાં પ્રયાસો કરાયો હતો.વોર્ડ ન.2 અમરોલી -મોટાવરાછા -કઠોરમાં કુલ 46.69 ટકા મતદાન થયું હતું.જ્યારે વોર્ડ ન.3 વરાછા -સરથાણા -સીમાડા -લસકાણામાં 48.80 ટકા વોટિંગ થયું હતું.વોર્ડ ન.4 કાપોદ્રામાં 46.12 ટકા અને વોર્ડ 15.કરંજ -મગોબમાં 37.61 ટકા વોટિંગ નોંધાયું હતું.આવી જ રીતે પુણા પશ્ચિમ અને પૂર્વમાં પણ અનુક્રમે 43.77 અને 48.84 ટકા વોટિંગ નોંધાયું હતું.

ઉધના, લીંબાયત, પાંડેસરા, ભેસ્તાન ડિંડોલીમાં ભાજપ મજબૂત સ્થિતિમાં, ઉધના, પાંડેસરા, ભેસ્તાનમાં ભાજપ તરફી ઝુકાવ દેખાયો
​​​​​​​પરપ્રાંતીય લોકોની બહુમતી ધરાવતા ઉધના -પાંડેસરા-ભેસ્તાન -ડિંડોલી -વડોદ-બમરોલી સહીતના વિસ્તારમાં પ્રચાર દરમિયાન ભાજપ તરફી ઝુકાવ જોવા મળ્યો હતો.વધુમાં આ વિસ્તારોમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની લોકચાહના પણ વધુ હોવાને લીધે ભાજપ સારી સ્થિતમાં રહેશે એવું રાજકીય પંડિતો ગણિત માંડી રહ્યા છે.આંજણા -ડુંભાલથી લઈ વડોદ સુધી આ પટ્ટા પર 41ટકાથી લઇ 51 ટકા સુધીનું વોટિંગ નોંધાયું હતું.જોકે આંજણા-ડુંભાલ વોર્ડમાં નોંધાયેલું 56.18 ટકા વોટિંગ કોંગ્રેસને ફાયદો કરાવી શકે છે.

કોટ વિસ્તારમાં ભાજપ -કોંગ્રેસ જૂની સ્થિતિમાં જ રહે એવી શક્યતા, આપનો પ્રભાવ પણ કોટ વિસ્તારમાં ઓછો વર્તાયો હતો​​​​​​​
સુરત શહેરના કોટ વિસ્તારમાં આ વખતે પણ ગત ચૂંટણી જેવી જ સ્થિત રહે તેવી શક્યતાઓ રાજકીય વિશ્લેષકોએ વ્યક્ત કરી હતી.જોકે અહીં વોટિંગ રેશિયો અન્ય વિસ્તારની સરખામણીમાં ઓછી જોવા મળ્યો હતો.વોર્ડ ન.21 સોનીફળીયા-નાનપુરા-અથવા-પીપલોદમાં 34.66 ટકા વોટિંગ થયું હતું જયારે વોર્ડ ન.12 નાણાવટ-સૈયદપુરા-કુબેરનગર-મહિધરપુરામાં 41.26 ટકા વોટિંગ નોંધાયું હતું. કોટ વિસ્તારના અન્ય વોર્ડમાં પણ 40 ટકા આસપાસ જ વોટિંગ થતા કોટ વિસ્તારમાં ભાજપ કોંગ્રેસની સ્થિતમાં ઝાઝો ફર્ક નહિ આવે.

અન્ય સમાચારો પણ છે...