15 એપ્રિલ સુધી જૂની જંત્રી પ્રમાણે દસ્તાવેજ થશે ત્યારે હાલ જે લોકોને પઝેશન મળ્યા નથી અને ફ્લેટ, દુકાન કે રો-હાઉસ અન્ડર કન્સ્ટ્રક્શન છે તેમાં નવી જંત્રીથી કેવી રીતે બચી શકાય એ માટે અનેક લોકો સી.એ.ને પૃચ્છા કરી રહ્યા છે. સાટાખત કરીને સ્ટેમ્પ પણ ભરી દેવામાં આવે અને બાદમાં નવી જંત્રીના અમલ બાદ પાકો વેચાણ દસ્તાવેજ કરાય તો ચાલે કે કેમ. પરંતુ સી.એ. આ અંગે જ્યારે સ્ટેમ્પ ડયૂટી અધિકારીઓને પૂછી રહ્યા છે તો અધિકારીઓ સ્પષ્ટ રીતે આ તરકીબ અંગે નન્નો ભણી રહ્યા છે.
આથી શહેરમાં કાર્યરત અનેક પ્રોજેક્ટમાં બુકિંગ કરાવનારાઓના માથે હજી નવી જંત્રીની તલવાર લટકી રહી છે. અનેક પ્રોજેક્ટ ઝડપથી પૂરા કરવાના પણ પ્રયાસ થઈ રહ્યા છે જેથી જૂની જંત્રી પ્રમાણે દસ્તાવેજ થઈ શકે. સી.એ. વિરેશ રૂદલાલ કહે છે કે, સ્ટેમ્પ ડયુટી વિભાગ દ્વારા આવા કિસ્સાઓમાં નવી જંત્રી મુજબ સ્ટેમ્પ ડયૂટી ભરાવવાનો આગ્રહ ખોટો છે. રેરાના કેસમાં પણ એવા 25 હજાર જેટલાં કેસ છે જે બાદમાં વિવાદનું કેન્દ્ર બની શકે છે.
આવા કેસોમાં કોર્ટના ચુકાદાઓ શું કહે છે
સી.એ. વિરેશ રુદલાલ કહે છે કે હાલની જંત્રી મુજબ રજિસ્ટર્ડ દસ્તાવેજ કરનારા તરફે સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના ચુકાદા છે, જેમાં ઠરાવ્યા મુજબ વેચાણ અવેજ અને કબ્જા સહિતની શરતોનું પાલન કરનારાઓને પાકા દસ્તાવેજ વખતે વધારાની સ્ટેમ્પ ડયૂટી ભરવાની નથી અ્ને સ્ટેમ્પ એક્ટની કલમ-2 (એનએ) પ્રમાણે મિલકતની બજાર કિંમત રજિસ્ટર્ડ સાટાખત વખતની જ ગણવાની રહેશે. એમાં બીજા કોઇ અર્થઘટનને અવકાશ નથી.
આવકવેરા અધિકારી પણ પેનલ્ટી લઇ શકે
આ ઉપરાંત કારણ એ છે કે નવી જંત્રી પ્રમાણે વધારાની સ્ટેમ્પ ડયૂટી ભરનારે વેચાણ કિંમત રજિસ્ટર્ડ સાટાખત પ્રમાણે બતાવી હોય તો તે કલમ 50-સી અંગે અન્ડર એસેસમેન્ટની કેપિટલ ગેઇનની રકમ ઉપર આવકવેરા અધિકારી ટેક્સ અને પેનલ્ટી લઇ શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.