• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Sharp Increase In The Number Of Patients With Mental Illness After Corona, Many Mental Illness Silent Pandemic: Doctor Birva Desai Modh

કોરોનાએ માનસિક સ્થિતિ બગાડી:કોરોના બાદ માનસિક રોગોના દર્દીઓની સંખ્યામાં ધરખમ વધારો, અનેક માનસિક બીમારી સાઇલેન્ટ પેંડેમીક: ડો. બિરવા દેસાઈ મોઢ

સુરત2 મહિનો પહેલા
ડો. બિરવા દેસાઈ મોઢ.
  • અડાજણમાં રહેતો એક યુવક કોરોના થઈ જવાના ડરે ઘરની બહાર નીકળતો ન હતો
  • એક આઠ વર્ષનું બાળકના કોરોનાના સતત ડરના કારણે ધબકારા વધી જતા હતા

કોરોના સંક્રમણ અને કારણે વિશ્વભરમાં શારીરિક અને આર્થિક નુકસાન ખૂબ મોટું થયું છે. કોરોના જીવલેણ રોગ પુરવાર થયો પરંતુ તેની સાઇડ ઇફેક્ટ હજી પણ અતિ ગંભીર સ્વરૂપમાં સામે આવી રહી છે. સુરતના ડો. બિરવા દેસાઈ મોઢ (મનોચિકિત્સક)એ Divyabhaskar.com સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે કોરોના સંક્રમણની માનસિક સ્થિતિ અંગે અનેક ચોંકાવનારા ખુલાસાઓ કર્યા હતા.

કોરોનાની અસર લોકો ઉપર શું જોવા મળી?
કોરોના સંક્રમણ દરમિયાન જે પ્રકારે લોકોની માનસિક સ્થિતિ સામે આવી રહી છે તે ખરેખર ખૂબ જ ચિંતાજનક છે. આપણે હવે આ બાબતને ગંભીરતાથી લેવી જોઈએ અને સરકાર દ્વારા પણ આ દિશામાં કામગીરી શરૂ કરવી જોઇએ. દોઢથી બે વર્ષ જેટલો સમય જે રીતે કોરોના પેંડેમીકને કારણે પસાર થયો છે તે માનસિક રીતે હચમચાવી નાખનાર છે. આ એક પ્રકારનો સાઇલેન્ટ પેંડેમીક છે. જે સામે નથી આવતો પરંતુ ખૂબ જ નુકસાનકારક છે.

માનસિક રીતે કયા પ્રકારના રોગો વધી રહ્યા છે?
શરૂઆતના તબક્કાની વાત કરીએ તો સામાન્ય રીતે દર્દીઓની અંદર ઊંઘની સમસ્યા વધી રહી છે. કેટલાક દર્દીઓને વધારે ઊંઘ લાગી રહી છે તો કેટલાકને ઊંઘ આવતી નથી. આ પ્રકારની સમસ્યાને મેન્ટલ હેલ્થ ક્ષેત્રના સંશોધન કરતા તેને કોરોના સોમનિયા તરીકે ઓળખાવે છે. કોરોના થઈ જવાના ડરના કારણે લોકો સતત તણાવમાં રહેતા હતા. જેમણે પોતાના સ્વજનોને કોરાનાના કારણે ગુમાવ્યા છે તેને લઈને પણ લોકો ખૂબ જ ડિપ્રેશનમાં આવી ગયા છે.

કોરોના બાદ મેન્ટલ હેલ્થ ઇસ્યુ કયા વયજૂથમાં વધારે જોવા મળ્યા છે?
સામાન્ય રીતે જોઈએ તો લગભગ તમામ વયના લોકો આનાથી પ્રભાવિત થયા છે પરંતુ શરૂઆતના તબક્કામાં જ્યારે કોરોનાના લક્ષણો અને તેની સારવાર માટેની વાતો હતી ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા સૌથી વધારે કેર કરવા માટે સિનિયર સિટીઝનો ઉપર ભાર મુકવામાં આવ્યો હતો. ડાયાબિટીસના, બ્લડ પ્રેશર, અન્ય કોઇ બીમારીથી પીડાતા હોય તો તેઓ કોરોના સંક્રમિત થઈ શકે છે એવું સતત સાંભળતાની સાથે જ સિનિયર સિટીઝનો ઉપર માનસિક રીતે ખૂબ જ દબાણ હતું કે પોતે કોરોના સંક્રમિત ગમે ત્યારે થઈ શકે છે તેવી વાતને લઈને તેઓ માનસિક રીતે દબાણમાં હતા.

કોરોના સંક્રમણ બાદ મેન્ટલ હેલ્થ વિષય ઉપર ખૂબ જ ધ્યાન આપીને રિસર્ચ કરવામાં આવી રહ્યો છે.
કોરોના સંક્રમણ બાદ મેન્ટલ હેલ્થ વિષય ઉપર ખૂબ જ ધ્યાન આપીને રિસર્ચ કરવામાં આવી રહ્યો છે.

મેન્ટલ હેલ્થ વિષય ઉપર રિસર્ચ કરનારાઓ શું માની રહ્યા છે?
કોરોના સંક્રમણ બાદ મેન્ટલ હેલ્થ વિષય ઉપર ખૂબ જ ધ્યાન આપીને રિસર્ચ કરવામાં આવી રહ્યો છે. પોસ્ટ ટ્રોમાટીક સ્ટ્રેસ ડિસઓર્ડરના કેસમાં વધારો થયો છે. જેમાં એ પ્રકારે થાય છે કે જે ઘટના બની હોય તે વારંવાર નજર સામે આવ્યા કરતા હોય છે. દાખલા તરીકે જ્યારે કોઈ કાર અકસ્માત પોતાની નજરે જોયો હોય તેના જ દ્રશ્યો આપણા માનસ ઉપર ફરી ફરીને દેખાતા રહે છે અને તેના કારણે ડર જેવી માનસિક સ્થિતિ ઊભી થઈ જતી હોય છે. એવી જ રીતે કોરોના સંક્રમણને કારણે પોતાના સ્વજનો ગુમાવનાર લોકો સતત તેમને વારંવાર યાદ કરીને આ પ્રકારના રોગના ભોગ બની રહ્યા છે.

કોરોનાકાળ દરમિયાન મોબાઇલની ભૂમિકા તમે કેવી રીતે જૂઓ છો?
આ બાબતે મે પોતે રિસર્ચ કર્યું છે. મે કેટલાક વિદ્યાર્થીઓ સાથે અભ્યાસ કરતા કેટલીક મહત્વની બાબતો મારા ધ્યાન પર આવી હતી. ઘણા લોકોને સ્ક્રોલોમેનિયા અને નો/મો/ફોબિયા જોવા મળે છે. જેમાં કોઈપણ કારણ વગર માત્ર મોબાઈલ હાથમાં આવતાંની સાથે વ્યક્તિ પોતાના આંગળીના ટેરવાથી સતત કામ કરતો રહે છે. ઘણી વખત તો વ્યક્તિનું ધ્યાન ન હોવા છતાં પણ સ્ક્રોલિંગ કર્યા કરે છે. મોબાઈલ થોડા સમય માટે પણ દૂર જાય તો વ્યક્તિ જાણે બેબાકળા થઇ જાય છે. મોબાઈલ પર નેટ બંધ થઇ જાય તો પણ વ્યક્તિ અસહજ અનુભવ કરે છે.

કાઉન્સેલિંગ કર્યા બાદ માનસિક રીતે અસ્થિર થાય અને તેનો ડર ઓછો થાય તે દિશામાં સારવાર કરી.
કાઉન્સેલિંગ કર્યા બાદ માનસિક રીતે અસ્થિર થાય અને તેનો ડર ઓછો થાય તે દિશામાં સારવાર કરી.

કોઈ કિસ્સો જે તમે જણાવવા ઈચ્છો?
ઘણા આશ્ચર્યજનક દર્દીઓ મારી પાસે આવ્યા હતા. જેમા અડાજણ વિસ્તારમાં રહેતો એક યુવક કોરોના થઈ જવાના ડરે ઘરની બહાર નીકળતો ન હતો. સતત માસ્ક પહેરી રાખતો હતો. હાથમાં ગ્લોઝ પહેરતો હતો અને અન્ય લોકોથી દૂર રહેવાનો પ્રયાસ કરતો હતો. પરિવારના લોકો એને સમજાવીને ઘરની બહાર લાવતા હતા ત્યારે પણ તે કોઈ પણ વસ્તુને સ્પર્શ કરતો ન હતો. તેનું કાઉન્સેલિંગ કર્યા બાદ માનસિક રીતે અસ્થિર થાય અને તેનો ડર ઓછો થાય તે દિશામાં અમે સારવાર આપી હતી. એક આઠ વર્ષનું બાળક હતું જેના સતત ડરના કારણે ધબકારા વધી જતા હતા. કોરોના અંગેની કોઈપણ વાત સાંભળે તો પણ તેને ડર લાગતો હતો. આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે.

માનસિક રીતે આ પ્રકારની સમસ્યા ઉભી થઈ ત્યારે શું કરવું જોઈએ?
દુખદ બાબત એ છે કે ઘણા બધા દર્દીઓને પોતે માનસિક રોગના ભોગ બન્યા છે તે અંગે પણ જાણ હોતી નથી. તેઓ ખૂબ જ તેને સહજતાથી લેતા હોય છે. એટલું જ નહીં ઘણા દર્દીઓને તો ક્યાં જવું કોનો સંપર્ક કરવો અને કેવી રીતે સારવાર લેવી તે અંગે પણ માહિતી નથી હોતી. સરકાર દ્વારા પર અવેરનેસના કાર્યક્રમ કરવા જરૂરી છે. સ્કૂલિંગ સમય દરમિયાન જ આ બાબતથી બાળકોને માહિતી આપવી જોઈએ. કોલેજમાં ALZHEIMER DAY, SCHIZOPHRENIA DAY વગેરે ઊજવવા જોઈએ. જેથી વિદ્યાર્થીઓને આ બાબતે જાગૃતિ આવે. માનસિક કારણ કે અન્ય કોઇ સમસ્યા હોય તો વ્યક્તિએ પોતાને મનગમતી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેવું જોઈએ. માઈન્ડફુલનેસ એટલે કે માનસિક રીતે આનંદ આપે એ પ્રકારની પ્રવૃત્તિઓ કરીને હકારાત્મક વિચારો સાથે ખુશ રહેવાનો પ્રયાસ કરવો જોઈએ.