ન્યૂ યર સેલિબ્રેશન વચ્ચે 'ઊર્મિ'ની ચીસો દબાઈ:સુરતમાં નવા વર્ષે ડીજેના ઘોંઘાટ વચ્ચે ચાર વર્ષની બાળકી પર રેપ, મિત્રના ઘરે જ હેવાને બાળાને પીંખી

સુરત17 દિવસ પહેલા
  • કૉપી લિંક
બાળકી સાથે દુષ્કર્મ આચરાયાની જાણ થતાં માતાએ બૂમાબૂમ કરી લોકોને ભેગા કર્યા હતા(પ્રતીકાત્મક ફાઈલ તસવીર). - Divya Bhaskar
બાળકી સાથે દુષ્કર્મ આચરાયાની જાણ થતાં માતાએ બૂમાબૂમ કરી લોકોને ભેગા કર્યા હતા(પ્રતીકાત્મક ફાઈલ તસવીર).
  • પિતરાઈ બહેનને બોલાવવા નીકળેલી માસૂમને હવસખોરે રૂમમાં ખેંચી જઈ દુષ્કર્મ કર્યું

ફિલ્મ દામિનીમાં હોળીના દિવસે ઊર્મિ સાથે દુષ્કર્મ આચરવામાં આવે છે. એ જ રીતે નવા વર્ષની ઉજવણીના તહેવારનો લાભ લઈને સુરતમાં ચાર વર્ષની બાળકી ઊર્મિ(નામ બદલેલું છે) સાથે દુષ્કર્મ થયું હોવાનું સામે આવ્યું છે. સુરતના અમરોલી-કોસાડ આવાસમાં એક તરફ નવા વર્ષને આવકારતા ડીજે વાગી રહ્યા હતા. બીજી તરફ જન્મદિવસની પાર્ટી ચાલતી હતી અને ત્રીજી તરફ ચાર વર્ષની માસૂમ ઊર્મિ પિંખાઈ રહી હતી. મિત્રના ઘરે આવેલા હવસખોરે એકલતાનો લાભ લઈને પિતરાઈને શોધવા નીકળેલી માસૂમને ખેંચી લીધી હતી. બાદમાં તેને ગોંધીને હવસ સંતોષી હતી. જેથી ડીજેના ઘોંઘાટમાં તેની ચીસો દબાઈ ગઈ હતી. માતાને સમગ્ર ઘટના અંગે ખબર પડતાં જ નરાધમને પોલીસ હવાલે કર્યો હતો. પોલીસે દુષ્કર્મ અને પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પિતા રાત પાળીમાં નોકરી પર ગયેલા
કોસાડ આવાસમાં રહેતા અને અંજની ઈન્ડસ્ટ્રીઝમાં આવેલા સંચા ખાતામાં મજૂરીકામ કરતા અર્જુનભાઈ(નામ બદલેલ છે)એ પોલીસને જણાવ્યું હતું કે 1લી જાન્યુઆરી એટલે કે નવા વર્ષના રોજ તેઓ રાત પાળીમાં નોકરી પર ગયા હતા. ઘરે ચાર વર્ષની માસૂમ બાળકી અને પત્ની એકલાં જ હતાં. પત્નીએ ચાર વર્ષની બાળકીને તેના ફ્લેટ નીચે રહેતી તેની કાકીની દીકરીને ઘરે લઈ આવવા માટે મોકલી હતી. ત્યાર બાદ બાળકી રહસ્યમય રીતે ગુમ થઈ ગઈ હતી. જોકે એક કલાકની શોધખોળ દરમિયાન એક બાળકે ઊર્મિ(નામ બદલ્યું છે)ને હેમંતને મળવા માટે આવેલા અકબર ઉસ્માન રાય (ઉં.વ.30 ૨હે, વડોદરા, મૂળ તકિયા મહોલ્લો મળીબાર ભભૂવા બિહાર) ઘરમાં ખેંચી ગયો હોવાનું જણાવતાં માતા તાત્કાલિક હેમંતના ઘરે દોડી ગઈ હતી.

દરવાજો ખૂલતાં જ માતાએ બૂમાબૂમ કરી
દરવાજો અંદરથી બંધ હતો. મહિલાએ દરવાજો ખટખટાવવા છતાંય નહિ ખોલતાં મહિલાઓએ દરવાજો તોડવાની કોશિશ કરતાં જ અકબર ઉસ્માન રાયે દરવાજા ખોલ્યો હતો. જોકે ત્યાં સુધીમાં નરાધમ અકબર ઉસ્માન રાયે બાળકીને રૂમમાં ગોંધીને પોતાની હવસનો શિકાર બનાવી લીધી હતી. બાળકીને ચૂંથાયેલી હાલતમાં જોઈ કંઈક અજૂગતું થયું હોવાની આશંકાને લઈ માતાએ બૂમાબૂમ કરી દીધી હતી.

મિત્રના ઘરે જ હેવાને દુષ્કર્મ આચર્યું
ઘરમાં કંઈ થયું હોવાની જાણ થતાં જ હેમંત પણ દોડી આવ્યો હતો. બાળકી સાથે કંઈ થયું હોવાની વાત કાને આવતાં હેમંતે અકબર ઉસ્માન રાયને રૂમમાં ગોંધી દીધો હતો. ત્યાર બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે અકબર ઉસ્માન રાય સામે દુષ્કર્મ અને પોક્સો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અમરોલી પોલીસે જણાવ્યું હતું કે નરાધમ અકબર ઉસ્માન રાય વડોદરામાં પાનના ગલ્લામાં નોકરી કરે છે. ચાર-પાંચ દિવસ પહેલાં જ સુરત આવી ઉધનામાં રોકાયો હતો. નવા વર્ષના રોજ કોસાડ આવાસમાં રહેતા તેના મિત્ર હેમંતને મળવા માટે આવ્યો હતો. જોકે બનાવના સમયે હેમંત બિલ્ડિંગમાં અન્ય ઘરમાં જન્મદિવસની રાખેલી પાર્ટીમાં ગયો હોવાથી અકબર ઉસ્માન રાય તેના ઘરે એકલો જ હતો અને મોકાનો ફાયદો ઉઠાવી માસૂમ બાળકીને રૂમમાં ખેંચી દુષ્કર્મ આચર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...