વિધાનસભા ચૂંટણીમાં સુરતની વરાછા બેઠક પર હાઇપ્રોફાઇલ જંગ રમાશે તેવી ચર્ચા વચ્ચે પ્રચાર માટે કેન્દ્રના કદાવર નેતાઓને ઉતારવાની કવાયત ચાલી રહી છે. બીજી તરફ કોંગ્રેસે પણ મંગળવારે પાર્ટીના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી હતી. જેમાં પાર્ટી ચીફ મલ્લિકાર્જુન ખડગે, યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી, પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, મહા સચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા, રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત, છત્તીસગઢના સીએમ ભુપેશ બઘેલ, સચિન પાયલટ, જિજ્ઞેશ મેવાણી અને કનૈયા કુમાર સહિતના નેતાઓ ગુજરાતભરમાં પ્રચાર માટે જોડાશે. સુરતમાં સચિન પાયલટની સભા માટે તૈયારીઓ પણ હાથ ધરાઇ છે. જોકે કોંગ્રેસની સ્ટાર પ્રચારકોની યાદીમાં ફરી વખત દક્ષિણ ગુજરાતના નેતાઓની બાદબાકી કરાઇ હોવાનું સામે આવ્યું હતું.
સુરતમાં તમામ પાર્ટીના ઉમેદવારોએ નામાંકન પણ કરી લીધું છે. ત્યારે બે તબક્કામાં થનાર મતદાન પહેલાં વિવિધ પાર્ટીઓના સ્ટાર પ્રચારકોની રેલી તથા સભાઓ શરૂ થશે. સુરતમાં ખાસ કરીને વરાછા બેઠક પર હાઇપ્રોફાઇલ ચૂંટણી જંગની સંભાવના છે ત્યારે દિગ્ગજ પાટીદાર નેતાઓ પણ પ્રચાર માટે વરાછામાં ઉતારવામાં આવે તેવી સ્થિતિઓ સામે આવી રહી છે. 182 પેૈકી પહેલા ચરણમાં 89 બેઠકો પર મતદાન થનાર છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં સ્ટાર પ્રચારકોની સભા-રેલીઓની કવાયત હાથ ધરાઇ હોવાનું સુત્રોએ ઉમેર્યું હતું.
સુરત શહેરમાં કોંગ્રેસના સચિન પાઇલટ પ્રચાર રેલીમાં ફરશે તે માટે સુરત કોંગ્રેસ તૈયારીઓ શરૂ કરી હોવાનું પણ જાણવા મળ્યું હતું. મંગળવારે AICC દ્વારા ગુજરાતમાં પ્રચાર માટે કેટલાક દિગ્ગજ નેતાઓની યાદી જાહેર કરાઇ હતી. આ પ્રચારકોમાં દક્ષિણ ગુજરાતના ખાસ કરીને સુરતના નેતાઓની બાદબાકી કરાઇ હતી. થોડા સમય પહેલાં જ સુરતના એક નેતાએ પાટીદાર નેતા નરેશ પટેલ મામલે આપેલા નિવેદનને પગલે ભારે વિવાદ થયો હતો. જેથી પ્રચારકોમાં નામ કપાયાનું ચર્ચાયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.