કોરોના વિસ્ફોટ સુરત શહેરમાં જોવા મળી રહ્યો છે પરંતુ લોકોમાં કોઈપણ પ્રકારનો ડર દેખાતો નથી. સુરતના ડબગરવાડ અને ભાગળ વિસ્તારમાં કોરોના સંક્રમણના ડર વગર લોકો ખરીદી કરતા હતા. પતંગ બજારોમાં આવતીકાલે ઉતરાયણના પર્વની ઉજવણી માટે ખરીદી ખૂબ મોટા પ્રમાણમાં શરૂ થઇ છે. પતંગ બજારમાં ભયાવહ દ્રશ્યો જોવા મળ્યા હતા. પતંગ અને માંજાની ખરીદી કરવા પતંગ રસિયાઓ મળ્યા હતા.
ઉતરાયણના પર્વની ઉજવણી કરવામાં ભાન ભૂલ્યા
સુરત શહેરમાં રોજના કોરોના પોઝિટિવનો આંકડો સતત વધી રહ્યો છે. એક પ્રકારે કહીએ કે આખા રાજ્યમાં અમદાવાદ બાદ સુરતમાં સૌથી વધારે કોરોના વિસ્ફોટ જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકાર અને કોર્પોરેશન દ્વારા સખ્તાઇપૂર્વક ગાઇડલાઇન અમલ કરાવવા માટે ભાર મૂકવામાં આવી રહ્યો છે પરંતુ લોકોની બેફિકરાઈ સામે આવતા કોરોનાને ખુલ્લું મેદાન મળી જશે તેવું લાગે છે. દરેક તહેવારને મન મૂકીને માણી લેવા માટે જાણીતા સુરતીઓ કોરોનાને આમંત્રણ આપી રહ્યા છે. કોરોના સંક્રમણ અજગરી ભરડામાં હોવા છતાં પણ શહેરીજનો ઉતરાયણના પર્વની ઉજવણી કરવામાં ભાન ભૂલી રહ્યા છે.
ખરીદી કરતા લોકોના ચહેરા ઉપર માસ્ક પણ જોવા ન મળ્યા
સુરતના પતંગ બજારમાં ભારે ભીડ જોવા મળી રહી છે. પતંગ રસિયાઓ કીડિયારું ઊભરાતા જાણે કોરોનાને સદંતર લોકો ભૂલી ગયા છે. યુવાનો મોટી સંખ્યામાં પતંગ ખરીદવા માટે પહોંચ્યા ત્યારે પતંગ બજારની અંદર સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતાં પણ લોકો જોવા નથી મળી રહ્યા અને સાથોસાથ ચહેરા ઉપર માસ્ક પણ જોવા નથી મળ્યા. આવી સ્થિતિમાં સુરત શહેરમાં કયા પ્રકારે કોરોના નિયંત્રણમાં લેવાશે તે એક મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે. લોકો માત્ર તહેવારોની ઉજવણી કરવામાં મસ્ત થઈ રહ્યા છે ત્યારે વહીવટીતંત્ર તોરણા સંક્રમણને નિયંત્રણમાં લાવવા માટે ત્રસ્ત થઈ રહ્યું છે. સતત વધતા કોરોના સંક્રમણ ના કેસો વચ્ચે શહેરીજનો આ પ્રકારનો વ્યવહાર કેવી રીતે કોરોનાને નિયંત્રણમાં લાવશે તે સમજી શકાતું નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.