વીર નર્મદ યુનિવર્સિટીના સોમવારે યોજાયેલા પદવીદાન સમારોહમાં રાજ્યપાલના હસ્તે ડિગ્રી આપવામાં ઉતાવળ કરવા જતાં કેટલાક વિદ્યાર્થીઓની ડિગ્રી જ બદલાઈ ગઇ હતી તો કેટલાકને મેડલ વગર જ ખાલી બોક્સ પકડાવી દેવાયા હતા.
યુનિવર્સિટીએ કંઇક અલગ કરવાના પ્રયાસમાં મિસ મેનેજમેન્ટ થતાં વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. સમારોહમાં રાજ્યપાલના પ્રવચન બાદ વિદ્યાર્થીઓને મેડલ, પ્રાઇઝ અને ડિગ્રી એનાયત કરાઈ હતી. પ્રથમ પીએચડી કરનાર વિદ્યાર્થીઓને ડિગ્રી અપાઈ હતી. જોકે, બાદમાં કોઇ વ્યવસ્થા ન હોવાથી ડિગ્રી માટે રીતસર પડાપડી થઇ હતી.
સામાન્ય રીતે વિદ્યાર્થીને સ્ટેજ પર સન્માનપૂર્વક ડિગ્રી અપાય છે. પરંતુ આ વખતે સ્ટેજ નીચે જ વિદ્યાર્થીઓને ડિગ્રી-મેડલ આપી દેવાયા હતા. ડિગ્રી લઇને વિદ્યાર્થી જ સ્ટેજ પર પહોંચી ફોટો પડાવતા હતા. આમાં એકની ડિગ્રી બીજા પાસે આવી ગઇ હતી. જે વિદ્યાર્થી ડિગ્રી ઘરે લઇ ગયા તેમની પાસેથી હવે ડિગ્રી ફરી મંગાવાશે.વધુ અહેવાલ વાંચો સિટી ભાસ્કર પાને
વધુ વિદ્યાર્થીને સ્ટેજ પર ડિગ્રી આપવામાં અવ્યવસ્થા થઈ
યુનિવર્સિટીના રજીસ્ટ્રાર રમેશદાન ગઢવીએ જણાવ્યું હતુંકે, આ સમારોહમાં મેડલ, પ્રાઇઝ અને ડીગ્રી માટે 10-10 વિદ્યાર્થીઓને જ સ્ટેજ પર આપવા માટે નક્કી થયું હતું. જોકે, સમય હોવાને કારણે વધુ વિદ્યાર્થીઓને ડીગ્રી સ્ટેજ પર ડીગ્રી એનાયત કરવાનો નિર્ણય કરતા આ થોડી અવ્યવસ્થા ઉભી થઇ હતી.
ખાલી બોક્સ આપી દેવાતાં વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી
જે વિદ્યાર્થીઓને મેડલ, એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેમને મેડલ બોક્સમાં આપવામાં આવ્યા હતા. જોકે, વિદ્યાર્થીઓને મેડલ ને બદલે ખાલી બોક્સ આપી દેવામાં આવ્યા હોવાની પણ ફરિયાદ થઇ છે.
ધસારો વધતાં રાજ્યપાલની સિક્યુરિટી પણ દોડતી થઈ
પદવી મેળવવા માટે સ્ટેજ પાસે વિદ્યાર્થીઓનો ધસારો વધી ગયો હતો. વિદ્યાર્થીઓ ડિગ્રી માટે કર્મચારીઓની ફરતે આવી જતાં રાજ્યપાલની સિક્યુરિટીએ પણ આગળ દોડી આવવું પડ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.