ગ્લોબલ ટેક્સટાઈલ માર્કેટના વેપારીએ 32 કરોડનું ઉઠમણું કર્યુ છે, 60 વિવર્સોના નાણાં ફસાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. જે વિવર્સોના રૂપિયા ફસાયા છે તેઓએ ફોગવાની ઓફિસે પહોંચીને રજૂઆત કરી હતી. ટેક્સટાઈલ માર્કેટમાં હાલ મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે બીજી તરફ ટેક્સટાઈલ માર્કેટમાંથી ઉઠમણાંઓનું પ્રમાણ વધ્યું છે.
જાણવા મળતી માહિતી પ્રમાણે, સહારા દરવાજા, જૂની બોમ્બે માર્કેટની સામે આવેલી ગ્લોબ ટેક્સટાઈલ માર્કેટમાં છેલ્લાં થોડાં વર્ષોથી ટેક્સટાઈલ ટ્રેડિંગનો વેપારી ગાયબ થયો હતો. આ વેપારીએ શહેરના અનેક વિવર્સો પાસેથી કાપડની ખરીદી કરી હતી.
દરમિયાન વેપારી ગાયબ થતાં ઉધાર કાપડ આપનાર વિવર્સોની મુશ્કેલી વધી હતી. ઉઠમણાંના સમચાર મળતાની સાથે જ જે વિવર્સે તેમને ઉધારમાં કાપડ આપ્યું હતું તે વિવર્સોએ ફોગવાની ઓફિસ પર જઈને રજૂઆત કરી હતી. અંદાજે 60થી વધારે વિવર્સના નાણાં ફસાયા હોવાની સંભાવના છે.
‘મારો દીકરો મને કહીને બહાર ગયો છે દુકાન બંધ કરીને જનાર પાર્ટી મોટા ગજાની છે. જે વિવર્સોના નાણાં ફસાયા છે તે વિવર્સોએ દુકાન ચલાવનાર વેપારીના પિતાને ફોન કર્યો હતો. ત્યારે વેપારીના પિતાએ કહ્યુ કે, મારો દીકરો કહીને ગયો છે કે બહાર જાવ છું.
જો રૂપિયા નહીં આપે તો કાર્યવાહી કરીશું
ફોગવાના પ્રમુખ અશોક જીરાવાલા કહે છે કે, ‘વિવર્સો ફોગવાની ઓફિસ પર આવીને રજૂઆત કરી છે, અમે હજી સુધી ઉઠમણું જાહેર નથી કર્યુ. અમને આશા છે કે, વેપારી રૂપિયા આપી દેશે. જો રૂપિયા પરત નહીં આપે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.’
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.