કાર્યવાહી:ફિલ્મમાં કામની લાલચે બિહારથી ઘર છોડી આવેલી યુવતીને પરિવારને સોંપી

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટીસીએ યુવતી પાસે ટિકીટ માંગતા હકીકત બહાર આવી
  • ​​​​​​​કોઈક યુવકે ​​​​​​​મૂવીમાં કામ આપવાના બહાને મુંબઈ બોલાવી હતી

ગ્લેમરની ફિલ્મી દુનિયાથી યુવાપેઢી અંજાઇ ગઇ છે. ફિલ્મમાં કામ કરવા માટે કોઇ પણ હદ વટાવી જાય છે. ત્યારે કેટલાક લોકો આ તકનો લાભ લઈ યુવતીઓને ફિલ્મમાં કામ આપવાના બહાને ફસાવતા હોય છે. આવા જ એક કિસ્સામાં બિહારથી ઘર છોડીને મુંબઇ જવા નીકળી ગયેલી 19 વર્ષની યુવતીને મહિલા અને બાળ વિભાગની ટીમે બચાવી લઇ તેના પરિવારને સોંપી દીધી હતી.

વાત એવી છે કે, બિહારના અંતરિયાળ ગામમાં રહેતી 19 વર્ષની અનિતા (નામ બદલ્યું છે) ધોરણ-૧૨માં અભ્યાસ કરે છે. તેના પિતા ખેતીકામ કરીને ગુજરાન ચલાવે છે. ભણવામાં હોશિયાર અનિતાએ ડોક્ટર બનવું હતું. થોડો સમય પહેલા અનિતા ઉત્તરપ્રદેશના બનારસ ખાતે રહેતા મામાના ઘરે વેકેશન ગાળવા માટે ગઇ હતી. તેમના મામાના ઘરની નજીક કોઇ ફિલ્મનું શુટિંગ ચાલી રહ્યું હોવાથી અનિતા પિતરાઇ બહેન સાથે શુટિંગ જોવા માટે ગઇ હતી.

દરમિયાનમાં શુટિંગના યુનિટમાં કામ કરતા વિજય નામને શખ્સની સાથે તેનો પરિચય થયો હતો.તેને ફિલ્મમાં કામ અપાવવાની લાલચ આપી હતી. ત્યારે અનિતા અને વિજયે મોબાઇલ નંબરની આપલે કરી હતી. અનિતા બિહાર પોતાના ઘરે ગયા બાદ બંને જણા ફોન પર વાત કરતા હતા.

વિજયે અનિતાને ફિલ્મમાં કામ કરતા માટે મુંબઇ બોલાવી કહ્યું હતું કે, મુંબઇ આવતા અન્ય દીદી સાથે ફિલ્મમાં કામ કરવા માટે મોકલીશ. વિજયની વાતમાં આવેેલી અનિતા અઠવાડીયા અગાઉ ઘરેથી રૂ.૩૦૦ લઇને બિહારથી મુંબઇ જવા ટ્રેનમાં નીકળી હતી. તેની પાસે ટીકીટ પણ ન હતી. ટ્રેન સુરત નજીક પહોંચી હતી. ત્યારે ચેકીંગમાં આવેલા ટીસીએ ટિકીટ માંગી હતી.

અનિતાએ ટિકીટ ન હોવાનું કહેતા અને બિહારથી એકલી આવી હોવાનું કહેતા રેલવેના અધિકારીએ વન સ્ટેપ સેન્ટરનો સંપર્ક કરતા યુવતીને ત્યાં આસરો આપ્યો હતો. બાળ અને મહિલા વિભાગના અધિકારી અને ટીમે યુવતીને પરિવારને સોંપી હતી.

અન્ય સમાચારો પણ છે...