સુરતની ખાનગી હોસ્પિટલોની ઉઘાડી લૂંટ:કોરોનાકાળમાં લાખો પડાવ્યાની 100 ફરિયાદ, સૂપ પિવડાવવાનો એક દિવસનો ચાર્જ 1 હજાર તો પીપીઇ કિટના 8 હજાર વસૂલાયા

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલિકાને કરાયેલી ફરિયાદના જવાબમાં હોસ્પિટલે ડેથ સર્ટિફિકેટનું રજિસ્ટ્રેશન જ ન કરાવ્યું હોવાનું બહાર આવ્યું. - Divya Bhaskar
પાલિકાને કરાયેલી ફરિયાદના જવાબમાં હોસ્પિટલે ડેથ સર્ટિફિકેટનું રજિસ્ટ્રેશન જ ન કરાવ્યું હોવાનું બહાર આવ્યું.
  • પાલિકાની તપાસ કમિટી સમક્ષ ફરિયાદો, એક કિસ્સામાં લાખોનું બિલ ન ચૂકવી શકતાં મૃતકનું ડેથ સર્ટિફિકેટ પણ અટકાવી દેવાયું
  • ખાનગી હોસ્પિટલોએ મૃતક દર્દીની વિગતો પાલિકાને નહીં આપતાં 7 જેટલા મૃતકોનાં ડેથ સર્ટિફિકેટ જ ઇસ્યુ થયાં નથી

કોરોનાકાળમાં ખાનગી હોસ્પિટલોઓએ દર્દીઓ પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હોવાની 100 જેટલી ફરિયાદ પાલિકાએ તાજેતરમાં નિયુક્ત કરેલી તપાસ કમિટીને મળી છે, જેમાં એક હોસ્પિટલે તો સૂપ પિવડાવવાનો એક દિવસનો ચાર્જ રૂપિયા એક હજાર તો પીપીઈ કિટનો ચાર્જ પણ દૈનિક આઠ હજાર વસૂલ્યો હોવાની ફરિયાદ થઈ છે. આ સહિતની તમામ ફરિયાદો અંગે હજુ કમિટી દ્વારા તપાસ કરાશે, જેની પ્રથમ મીટિંગ શુક્રવારે મળશે.

મૃતકનું ડેથ સર્ટિ. અટકાવ્યાની ફરિયાદ પણ આવી
એક ફરિયાદ કમિટી સમક્ષ એવી પણ આવી છે કે એક દર્દીનુ મૃત્યુ થયા બાદ બિલ ન ચૂકવી શકતા મૃતકનું ડેથ સર્ટિફિકેટ પણ અટકાવી દેવાયું છે. ઉલ્લેખનીય છે કે પાલિકાએ તાજેતરમાં જ ખાનગી હોસ્પિટલો સામે તપાસ માટે નિયુકત કરેલી કમિટીમાં ડો.પ્રદીપ ઉમરીગર, ડો.વિપુલ શ્રીવાસ્તવ, ડો.પ્રશાંત દેસાઈ, મહેન્દ્ર ચૌહાણ, વ્રજેશ ઉનડકટ અને ધર્મેશ ભાલાળાનો સમાવેશ થાય છે.

તપાસ કમિટીના સભ્ય કોર્પોરેટર બ્રજેશ ઉનડકટે દિવ્ય ભાસ્કરને કહ્યું હતું કે ‘કોરોનામાં પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓનાં પરિવારજનો હોસ્પિટલનું બિલ ન ભરી શકતાં હોસ્પિટલોએ પાલિકાની વેબસાઇટ પર રજિસ્ટ્રેશન ન કરાવતાં હજુ સુધી ડેથ સર્ટિફિકેટ મળ્યાં નથી. હોસ્પિટલના બિલ ન ચૂકવી શક્યા હોય અને તેમનું ડેથ સર્ટિફિકેટ ઈસ્યુ ન થયાં હોય તેવા 6થી 7 લોકોએ મને ફરિયાદ કરી છે. જોકે બીજી તરફ આવી હોસ્પિટલો પર શું કાર્યવાહી કરવી એની પણ સિસ્ટમ નથી, જેને કારણે સામાન્ય લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે.’

કેસ 1: ‘ડેથ સર્ટિફિકેટ ન મળતાં માતાના નામે ઘર ટ્રાન્સફર થઈ શકતું નથી, પપ્પાને પાલિકાના ક્વોટામાં દાખલ કર્યા છતાં લાખો વસૂલાયા’
મારા પપ્પા રાજેશ બેસડેને 12 એપ્રિલે સિટી લાઈટની જિયો મેક્સ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. અમારી પાસે આવકનું બીજું સાધન ન હતું. 30 એપ્રિલ સુધીમાં 4.50 લાખ રૂપિયા ખર્ચ થયો. ત્યાર બાદ અમે 1 મેથી એસએસમી ક્વોટામાં દાખલ કર્યા. 8 મેએ પપ્પાનું મૃત્યું થયું. પણ બાકી બિલના 2.50 લાખ ભર્યા ન હોવાથી હોસ્પિટલે ડેડબોડી બીજા દિવસે આપી. સંચાલકોએ કહ્યું હતું કે ડેથ સર્ટિ. તો નહીં જ મળે, મમ્મીના નામ પર ઘર ટ્રાન્સફર કરવામાં જેની જરૂર છે. > શ્વેતા બેસડે

કેસ 2 : રાંદેર રોડની હોસ્પિટલે માત્ર PPE કિટના 8 હજાર ગણ્યા
અડાજણના 55 વર્ષીય પારુલ શાહને રાંદેર રોડની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં. 10 દિવસમાં 6 દિવસ આઈસીયુમાં હતા, જેમાં 2.50 લાખ બિલ આવ્યું. પીપીઈ કિટનો રોજનો ખર્ચ 8 હજાર હતો. તેમના દિયર નીરજે કહ્યું હતું કે હોસ્પિટલને 4 ઈ-મેઈલ કરવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી.

કેસ 3 : બિલની ફાઈલ આપ્યા વિના જ ઉઘરાણી શરૂ કરી હતી
એક વ્યક્તિને વરાછાની જ એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. હોસ્પિટલે બિલની ફાઈલ આપ્યા વગર જ રૂપિયાની માગણી કરી હતી. હોસ્પિટલે એમ પણ કહ્યું હતું કે જો રૂપિયા નહીં ભરો તો તમને ડેથ સર્ટિફિકેટ મળશે નહીં. એટલા માટે પરિવારે ગભરાઈને રૂપિયા ભર્યા હતા.’

કેસ 4 : પિપલોદની હોસ્પિટલે 52 લાખનું બિલ પકડાવી દીધું
નવસારીના દર્દીને 22 દિવસ હોસ્પિટલમાં રાખ્યા હતા. પિપલોદની ખાનગી હોસ્પિટલમાં તેમનું મોત થયું હતું. હોસ્પિટલે તેમનું 52 લાખ રૂપિયા બિલ બનાવ્યું હતું. ત્યારે પરિવાર દ્વારા 50 ટકા બિલ ચૂકવીને ડેડબોડી મેળવામાં આવી હતી, પરંતુ બાકી બિલ હજી સુધી ચૂકવી શક્યા નથી.

અન્ય સમાચારો પણ છે...