નેતાએ પોત પ્રકાશ્યું:ભાજપની પ્રશિક્ષણ શિબિરમાં જ વોર્ડના મહામંત્રીએ મહિલા કાર્યકરને ગાળો ભાંડી

સુરત19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાર્યકર્તાઓએ કેવી રીતે વર્તવું તેના પ્રશિક્ષણમાં જ નેતાએ પોત પ્રકાશ્યું
  • ​​​​​​​આગેવાનોએ બંને વચ્ચે સમાધાન કરાવી મામલો થાળે પાડ્યો

ભાજપની કાર્યકર્તાઓ માટેની પ્રશિક્ષણ શિબિરમાં પ્રજા સમક્ષ જઇને કેવું વર્તન કરવું, કેવી રીતે પાર્ટીના કાર્યોને લોકો સમક્ષ મુકવા વગેરે બાબત સમજાવાય છે. આવી જ એક શિબિર શુક્રવારે વરાછાના એક ધાર્મિક સ્થળે યોજાઈ હતી. શિબિરના વિરામ સમયે એક મહિલા કાર્યકર્તા બીજા કાર્યકર્તાની સાથે વાત કરી રહ્યા હતા ત્યારે વોર્ડના મહામંત્રીએ આ બેનને બેફામ ગાળો ભાંડતાં બધા સ્તબ્ધ થઇ ગયા હતા. બેન ‘મારો શું વાંક છે’ એટલું બોલીને રડતા રડતા જવા માંડ્યા હતા. અંતે ભોજન લેવાનું હોવાથી અન્યોએ સમજાવીને તેમને ભોજન કરાવાયું અને ઘર સુધી છોડી ગયા હતા. જો કે, ત્યાં સુધી તેઓ સતત રડતા રહ્યા હતા.

સાધુઓએ કહ્યું, હવે આ સ્થળ આપી ન શકાય
મહિલા કાર્યકર્તાને ગાળો ભાંડનાર ભાજપના વોર્ડ મહામંત્રીને આગેવાનોએ ઠપકો આપ્યો તો તેમણે કહ્યું કે, બીજાનો ગુસ્સો અહીં નીકળી ગયો છે. એક તરફ સમાજમાં સારી છબી ઊભી થાય. કાર્યકર્તાઓ પાર્ટીના કામો પ્રજા સુધી લઈ જાય તે માટે પ્રશિક્ષણ અપાતું હોય, દરેક સમારંભોમાં સ્ત્રી-દાક્ષિણ્યની વાતો થતી હોય ત્યારે આવા કાર્યક્રમોને લીધે પાર્ટીનું નામ ખરાબ થતું હોય છે. જો કે, બાદમાં બંને વચ્ચે સમાધાન થઈ ગયું હતું. આ વાત આગળ ન પહોંચે તે માટે ઉપર સુધી રજૂઆત થઈ નથી. જે ધાર્મિક સ્થળમાં આ કાર્યક્રમ હતો તેના સાધુઓ પણ અચંબામાં પડી ગયા હતા. તેમણે કહ્યું કે, બીજી વખત આવા કોઈ કાર્યક્રમો માટે જગ્યા ફાળવવી કે નહીં તે સવાલ છે.

અન્ય સમાચારો પણ છે...