સુરત કોર્ટનો ચુકાદો:ભરણપોષણ કેસમાં કોર્ટે કહ્યું, ‘પત્નીને રહેઠાણની સગવડ નહીં આપવી એ પણ આર્થિક હિંસા જ છે’

સુરત25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ત્યજી દેવાયેલી પરિણીતાને માસિક રૂપિયા 4500 ચૂકવવાનો હુકમ

પતિ અને સાસરિયા દ્વારા ઘરમાંથી કાઢી મુકાયેલી પરિણીતાના કેસમાં કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો હતો. અરજદાર પરિણીતાની રહેઠાણની વ્યવસ્થા અને ભરણપોષણ અંગેની અરજી પરના ચુકાદામાં કોર્ટે નોંધ્યુ હતું કે, પત્નીને રહેઠાણની સગવડ પૂરી ન પાડવી એ આર્થિક ગુનો છે. કેસની વિગત મુજબ સુરતના નાનપુરા ખાતે રહેતી રાધિકા (નામ બદલ્યું છે)ના લગ્ન વર્ષ 2010માં ભરૂચ ખાતે રહેતા રાકેશ (નામ બદલ્યંુ છે) સાથે થયા હતા. શરૂઆતમાં લગ્નજીવન યોગ્ય રીતે આગળ વધી રહ્યું હતું અને દંપતિને પુત્ર પણ અવતર્યો હતો.

અરજદાર પત્નીએ લગ્જીવન આબાદ કરવા પત્ની અને માતાની ભૂમિકા બરાબર નિભાવી હતી. જો કે, સાસરિયા પક્ષે અરજદારને કામકાજ બાબતે મ્હેણા-ટોણાં મારવાનું શરૂ કર્યું હતુ. ત્રાસ વધવા છતાં પરિવાર સાચવી રાખવા માટે પરિણીતા બધુ સહન કરતી હતી. પરંતુ વર્ષ 2017માં સાસરિયાઓએ પરિણીતાને પહેરેલાં કપડે ઘરમાંથી બહાર કાઢી મુકી હતી. આથી રાધિકાએ એડવોકેટ પ્રીતિ જોષી મારફત કોર્ટમાં ઘરેલું હિંસાની અરજી કરી હતી. દલીલો બાદ કોર્ટે નોંધ્યું હતું કે, પતિ, સાસુ, સસરા, દિયર અને દેરાણીએ અત્યાચાર કરવો નહીં. ભરણપોષણ ઉપરાંત રૂપિયા 20 હજાર ત્રાસના વળતર પેટે ચૂકવવાનો પણ સાસરી પક્ષને હુકમ કરાયો હતો.

સસરાએ પરિણીતા સાથે શારીરિક અડપલાં કર્યા હતા
પરિણીતા સાસરિયે હતી ત્યારે સસરાએ પણ તેની સાથે શારિરીક અડપલાં કર્યા હતા. આ બાબતે જ્યારે પતિ અને સાસુને ફરિયાદ કરાઈ તો કોઈએ રાધિકાનો સાથ આપ્યો નહતો. ઉલટુ તેને જ બદનામ કરવાની ધમકીઓ આપવામાં આવી હતી.

પિયરથી 3.50 લાખ લીધા
લગ્નજીવન બચાવવા માટે પરિણીતાએ પિયરથી છુટક-છુટક રૂપિયા 3.50 લાખ લીધા હતા. સાસરિયાઓની સતત માગણીના લીધે પરિણીતા મજબૂર હતી. જો કે, ઘરથી કાઢી મુકતી વખતે સાસરિયાઓએ પુત્રનો કબજો આપ્યો ન હતો.

અન્ય સમાચારો પણ છે...