પ્રચારની અલગ અલગ ભાષા:સુરતની ઉધના બેઠકમાં મીની ભારત, પોતિકાપણું દેખાડી મતદારોને રિઝવવા ઉમેદવાર પાંચ ભાષામાં પ્રચાર-પ્રસાર કરે છે

સુરત9 દિવસ પહેલા
પરપ્રાંતિય મતદારોને રિઝવતા ઉમેદવાર જે તે પ્રદેશની ભાષામાં જ પ્રચાર કરે છે.

મીની ભારત તરિકે ઓળખાતું સુરત મેટ્રોપોલિટન્ટ સિટી છે. અહીં દેશના અલગ અલગ રાજ્યના લોકો રોજીરોટી માટે વસવાટ કરવા આવ્યા છે. લાખોની સંખ્યામાં એવા લોકો છે કે, જેઓ હવે તેમના પરિવાર સાથે વર્ષોથી સુરતમાં વસવાટ કરી રહ્યા છે અને અહીંના મતદાર થઈ ગયા છે. ત્યારે મતદારોને રિઝવવા હવે ઉમેદવારો પણ નવા પ્રયોગ કરતા દેખાઈ રહ્યા છે. ઉધના વિસ્તારમાં દેશના અલગ અલગ પ્રાંતના લોકો વસવાટ કરતાં હોવાથી ઉમેદવાર પણ લગભગ પાંચ જેટલી ભાષામાં પ્રચાર કરતાં જોવા મળી રહ્યાં છે.

ઉધનામાં પરપ્રાંતીઓને રિઝવવા પ્રયાસ
દરેક રાજકીય પાર્ટીના ઉમેદવારો પોતાની રીતે ઉમેદવારો સુધી પહોંચવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. સુરતની ઉધના બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ધનસુખ રાજપુત પોતાના મતવિસ્તારના પરપ્રાંતીય મતદારો સુધી પહોંચવા માટે તેમની જ સ્થાનિક ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે. મરાઠી, ભોજપુરી, ગુજરાતી, હિન્દી અને ઓડિશા જેવા અલગ અલગ રાજ્યની ભાષાઓ પોતે બોલતા દેખાઈ રહ્યા છે.

ઉમેદવાર ચારથી પાંચ ભાષા બોલી મતદારોને અપીલ કરી
જ્યારે પણ નેતાઓ પોતાના મતવિસ્તારમાં જાય છે. ત્યારે સ્થાનિક લોકોને રિઝવવા માટે અલગ અલગ પ્રકારના પ્રયાસો કરતા હોય છે. ઉધનાના કોંગ્રેસના ઉમેદવારે પણ પોતાના મત વિસ્તારના લોકોની ભાષા શીખીને તેમની સાથે તેમની જ ભાષામાં સંવાદ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેથી કરીને તેઓ મતદારોની વધુ નિકટ જઈ શકે અને તેમના વચ્ચેના જ માણસ છે. એ પ્રકારની પોતાની છબી ઊભી કરી શકે.

ઉધના બેઠક મીની ભારત
કોંગ્રેસના ઉમેદવાર ધનસુખ રાજપૂતે જણાવ્યું કે, અમારી આ વિધાનસભા બેઠકમાં મહારાષ્ટ્રીયન, સ્થાનિક ગુજરાતી, ઉત્તર પ્રદેશ,ઓડિશા સહિતના રાજ્યના મતદારો ખૂબ મોટા પ્રમાણમાં છે. જ્યારે આપણે કોઈપણ વ્યક્તિને મળ્યા અને તેની ભાષામાં વાત કરીએ તો તેને પોતાપણું લાગે છે. પોતાના સ્વજન જેવું લાગે છે. જેને કારણે મેં પ્રયાસ કરી રહ્યો છું કે, જે પણ સમાજનો કે જ્ઞાતિનો વ્યક્તિ મળે તો એની સાથે એની જ ભાષામાં વાત કરું. જેથી કરીને તેમને હું તેમનો પોતાનો લાગુ. મારા વિસ્તારમાં મરાઠી, ગુજરાતી, ભોજપુરી, ઉત્તર ભારતીય અને ઓડાશા ભાષાની અંદર જન સંપર્ક કરી રહ્યો છું. જેના કારણે મને ખૂબ સારો આવકાર પણ મળે છે. ભાષાએ એકબીજાની નજીક આવવાનું સૌથી સારું માધ્યમ છે અને સ્થાનિક ભાષા દરેકને ગમતી હોય છે અને હું પણ એટલા માટે જ આ ભાષા બોલીને મતદારો પાસે જઈ રહ્યો છું.

ધનસુખ રાજપુત દ્વારા જે તે પ્રાંતની ભાષામાં જ પ્રચાર કરવામાં આવે છે.
ધનસુખ રાજપુત દ્વારા જે તે પ્રાંતની ભાષામાં જ પ્રચાર કરવામાં આવે છે.

ઉધનામાં ત્રિપાંખિયો જંગ
ઉધના વિધાનસભા આમ તો ભાજપની પરંપરાગત બેઠક છે. 2017માં ભાજપના વિવેક પટેલે કોંગ્રેસના સતીષ પટેલને પરાજિત કર્યા હતા. આ વખતે ભાજપ અને કોંગ્રેસની સાથે આપનો ઉમેદવાર પણ મેદાનમાં હોવાથી ત્રિપાંખિયો જંગ ખેલાશે જેમાં પરપ્રાંતિય મતો મહત્વના છે.

મતદારો પણ પોતાની ભાષા ઉમેદવારના મોઢેથી સાંભળી ખુશ થાય છે.
મતદારો પણ પોતાની ભાષા ઉમેદવારના મોઢેથી સાંભળી ખુશ થાય છે.

આ ઉમેદવારો વચ્ચે જંગ
સુરત શહેરની 12 બેઠકોમાં મહત્વની ગણાતી ઉધના વિભાનસભા બેઠક મિશ્ર જાતિના મતદારો છે. આ બેઠક પર કુલ 2,70,488 મતદારો છે. જે પૈકી 156217 પુરૂષ મતદાર છે. જ્યારે 113254 મહિલા મતદાર છે. અન્ય જાતિના 17 મતદાર છે. આ બેઠક પર સિટીંગ ધારાસભ્ય વિવેક પટેલના સ્થાને ભાજપે મનુ પટેલને ટિકીટ આપી છે. જ્યારે આ બેઠક પર ગત ચૂંટણીમાં પરાજિત થયેલા સતીશ પટેલને બદલે કોંગ્રેસે ધનસુખ રાજપૂતને મેદાનમાં ઉતાર્યા છે. આમ આદમી પાર્ટીએ મહેન્દ્ર પાટીલને મેદાનમાં ઉતાર્યા છે.

જે તે ભાષામાં જ ઉમેદવાર મતદારોને રિઝવવા પ્રયાસ કરે છે.
જે તે ભાષામાં જ ઉમેદવાર મતદારોને રિઝવવા પ્રયાસ કરે છે.

પરપ્રાંતિય મતદારોની સંખ્યા વધુ
આ વિધાનસભામાં પરપ્રાતિય મતદારોની સંખ્યા ગુજરાતી મતદારો કરતા વધારે રહી છે. જોકે, બેઠક પર મૂળ મહેસાણાના વતની ઉમેદવારો જીતતા આવ્યા છે. ગત ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર સતીશ પટેલ સામે 42528 મતોના માર્જીન સાથે જીત્યા હતા. ઉધના બેઠક પર 81440 ગુજરાતી મતદારો છે. 45711 મરાઠી, 22839 મુસ્લિમ, 33767 ઉત્તર ભારતીય, 20754 ઓરિસ્સાવાસી અને 6825 રાજસ્થાની મતદારો છે.

ઉધના વિસ્તારમાં પરપ્રાંતિયોની સંખ્યા સૌથી વધુ છે.
ઉધના વિસ્તારમાં પરપ્રાંતિયોની સંખ્યા સૌથી વધુ છે.

વિકાસ કામો, ભ્રષ્ટાચારના મુદ્દે પ્રચાર
મનુ પટેલ નરેન્દ્ર મોદીએ કરેલા કામ ભાજપનો વિકાસ અને પોતાના કામો ડોર ટુ ડોર જઇને કહી રહ્યા છે. કોંગ્રેસના ધનસુખ રાજપુત ભાજપના રાજમાં વધેલી મોંધવારી, ભ્રષ્ટાચાર જેવા વિષયો અનો પોતે સ્થાનિક સ્થળે સુરત મહાનગર પાલિકામાં કરેલા કામો બતાવી રહ્યા છે. આવી જ રીતે આમ આદમી પાર્ટીના મહેન્દ્ર પાટીલ આપના દિલ્હી મોડેલને લોકો સુધી પહોંચાડી રહ્યા છે. અને પાર્ટી દ્વારા કરવામાં આવનારા કામોની ગેરંટી લોકોને આપી રહ્યા છે.

પરપ્રાંતિય મતદારોનું પ્રભુત્વ આ બેઠક પર છે.
પરપ્રાંતિય મતદારોનું પ્રભુત્વ આ બેઠક પર છે.

ગુનાખોરી અને પ્રદુષણની સમસ્યા
પરપ્રાંતિયોની વધુ વસ્તી ધરાવતા ઉધના વિધાનસભા વિસ્તારમાં ઔદ્યોગિક વસાહત આવેલી હોય પ્રદુષણની ભારે સમસ્યા છે. વળી આ વિસ્તારમાં ગુનાખોરી અને ટ્રાફીકની સમસ્યા છે. ખાસ કરીને વતન જવા માટે ઉત્તર ભારતીય લોકોએ ભારી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ તરફની ટ્રેન વધારવા માટે ખાસ માંગણી કરવામાં આવી રહી છે. ઉધના રેલ્વે સ્ટેશન પાસેના સ્થાનિક લોકો આ વિસ્તારનો ડેવલોપમેન્ટ માંગી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...