સુરતના મગલ્લા પોલીસ લાઈનમાં લાઈન બોયે સ્પેશિયલ બ્રાન્ચના કર્મચારી પર તલવાર વડે હુમલો કરી જાનથી મારી નાખવાની કોશિષ કરતા ચર્ચાનો વિષય બન્યો હતો. સોમવારની રાત્રે બનેલી ઘટના બાદ ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલ બાદ સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જૂની અદાવતમાં બોલાચાલી કરી હુમલો કર્યો હોવાનું સામે આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
ઉભો રાખી હુમલો કર્યો
કરમણ ગોગનભાઈ કોડિયાતર (સ્પેશિયલ બ્રાન્ચમાં જાહેરનામાં વિભાગનો કર્મચારી) એ જણાવ્યું હતું કે, થોડા મહિના પહેલા લાઈન બોય સાથે ઝઘડો થયો હતો. ત્યારબાદ સમાધાન થઈ ગયું હતું. લાઈનબોયના પિતા બરતરફ કરાયેલા પોલીસ વિભાગના કર્મચારી છે. જેની અદાવત રાખી સોમવારની રાત્રે ઘરે જતી વખતે તેણે ઉભો રાખી ઝઘડો શરૂ કર્યો હતો. વાત બોલાચાલી બાદ ઝપાઝપીઉપર ચાલી ગઈ હતી.
તલવારથી હુમલો કર્યો
લાઈનબોય ક્યાંકથી તલવાર કાઢી દોડી આવીને તેના ઉપર હુમલો કરી દીધો હતો. બચાવમાં તલવાર હાથ પર વાગી જતા લોહી લુહાણ થઈ ગયા હતાં. સાથે જ પીઠના ભાગે પણ માર વાગ્યો હતો. ત્યારબાદ ઇજાગ્રસ્ત હાલતમાં પ્રથમ નજીકની હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે સિવિલ આવ્યાં હતાં. સિવિલમાં એમએલસી નોંધાવ્યા બાદ હાલ પોલીસ ફરિયાદ કરવાની કાર્યવાહી ચાલી રહી હોવાનું વધુમાં કરમણભાઈએ ઉમેર્યું હતું.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.