તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:સુરતના હજીરામાં પરપ્રાંતિય યુવકને ATMમાં મદદ લેવાનું ભારે પડ્યુ, ઠગે કાર્ડ બદલી લઈને ટુકડે ટુકડે 91 હજાર ઉપાડી લીધા

સુરત7 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઈચ્છાપોર પોલીસે ગુનો નોંધીને ઠગને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. - Divya Bhaskar
ઈચ્છાપોર પોલીસે ગુનો નોંધીને ઠગને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
  • પરપ્રાંતિય યુવાન ભટલાઇ ત્રણ રસ્તાના એટીએમમાં રોકડ ઉપાડવા ગયેલો ત્યારે છેતરપિંડી

હજીરા રોડના ભટલાઇ ગામ ત્રણ રસ્તા ખાતે ICICI બેંકના ATMમાં રોકડ ઉપાડવા જનાર પરપ્રાંતિય યુવાનને મદદ કરવાના બહાને ગઠિયાએ ATM કાર્ડ બદલી લઇ ટુકડે-ટુકડે 91 હજારની મત્તા ઉપાડી લઇ વિશ્વાસઘાત કર્યાની ફરીયાદ ઇચ્છાપોર પોલીસ સ્ટેશનમાં નોંધાય છે.

યુવકને રૂપિયા કાઢતા ન આવડતા મદદ લીધી હતી
હજીરા સ્થિત એલ એન્ડ ટી કંપનીમાં કોન્ટ્રાક્ટ હેઠળ નોકરી કરતો બિરેન્દ્ર શીવનાથ યાદવ (ઉ.વ. 34 રહે. કાંતીભાઇ પટેલના રૂમમાં, ભટલાઇ ગામ અને મૂલ હરિહરપુર લાલગર ગામ, તા. તરવારા, જિ. શિવાન, બિહાર) ગત તા. 6 ડિસેમ્બરે ભટલાઇ ગામ ત્રણ રસ્તા સ્થિત ICICI બેંકના ATMમાં રોકડ ઉપાડવા ગયો હતો. બિરેન્દ્રને ATMમાંથી રોકડ ઉપાડતા આવડતું ન હોવાથી તે હંમેશા તેના પરિચીતને સાથે લઇ જતો હતો. પરંતુ તા. 6 ના રોજ બિરેન્દ્ર એકલો ગયો હતો અને રોકડ ઉપાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ રોકડ ઉપાડી નહીં શકતા ATMમાં રોકડ ઉપાડવા આવનાર યુવાનની મદદ લઇ 5,000 ઉપાડયા હતા. દરમિયાનમાં બિરેન્દ્ર રોકડ ગણી રહ્યો હતો ત્યારે યુવાને ચાલાકી પૂર્વક ATM કાર્ડ બદલી લીધો હતો.

ગઠિયાએ રૂપિયા ઉપાડી લીધા હતા
બે દિવસ અગાઉ બિરેન્દ્ર પુનઃ રોકડ ઉપાડવા ગયો હતો ત્યારે રોકડ ઉપાડી શકયો ન હતો અને ATM કાર્ડ પર ચંદન પટેલ નામની વ્યક્તિનું હતુ. તે જોઇ ચોંકી ગયો હતો અને તુરંત પોતાનું જયાં ખાતું હતું તે SBI બેંકના મેનેજરનો સંર્પક કરી સ્ટેટમેન્ટ કઢાવ્યું હતું. સ્ટેટમેન્ટ ચેક કરતા મદદ કરવાના બહાને ગઠિયાએ કાર્ડ બદલી તા. 8થી 20 ડિસેમ્બર દરમિયાન ટુક્ડે- ટુક્ડે 91,000ની મત્તા ઉપાડી લીધી હોવાનું જણાતા આ અંગે ઇચ્છાપોર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.