છેલ્લા ઘણા સમયથી દેશભરની અંદર લવજેહાદને લઈને લોકોમાં આક્રોશ વધી રહ્યો છે. જે પ્રકારે દિલ્હીમાં વિધર્મી યુવક દ્વારા યુવતીના ટુકડા કરીને તેની લાશને સળગાવ્યા વગર અંગોને ફેંદી દેવાનો ખેલ ખેલાયો છે. ત્યાર બાદ હિન્દુઓની અંદર પણ આ બાબતને લઈને હવે આ ગુસ્સો જોવા મળી રહ્યો છે. વેસુ વિસ્તારમાં આવેલી ભગવાન મહાવીર કોલેજમાં કેટલાક વિદ્યાર્થીઓ સક્રિય થઈને હિન્દુ યુવતીઓ સાથે સંપર્ક વધારતા હોય તેવું ધ્યાને આવતા વિવાદ થયો. જે મારામારી સુધી પહોંચી ગયાનું સામે આવ્યું છે.
વીએચપી દ્વારા કાર્યવાહી
સુરતની જાણીતી ભગવાન મહાવીર કોલેજની અંદર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. કોલેજની અંદર સુનિયોજિત રીતે લવજેહાદનું ષડ્યંત્ર ચાલતું હોવાની શંકા હતી. વિધર્મી યુવકો દ્વારા હિન્દુ વિદ્યાર્થિનીઓને નિશાના પર લઈને તેમની સાથે પ્રેમ પ્રકરણ આગળ વધારવામાં આવતું હતું. જે બાબતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રેકી કરવામાં આવી હતી, અને એવા યુવકોને ઓળખી કાઢવા માટેનું કામ શરૂ કરાયું હતું. જેને પગલે મારામારી થઈ હતી.
વિધર્મી યુવકને માર મરાયો
કોલેજમાં હિન્દુ સંગઠનો દ્વારા જે વિદ્યાર્થીઓ વિધર્મી હતા અને તેઓ હિન્દુ છોકરીઓ સાથે સંપર્ક વધારી રહ્યા હતા, અને તેમની સાથે અફેર કરતા હતા, તેમને ઓળખવાની છૂપી રીતે કામગીરી કરવામાં આવી રહી હતી. જેમાં બે-ત્રણ વિધર્મી યુવકો આ ષડ્યંત્ર કરતા હોય તેવું ધ્યાને આવ્યું હતું. વિદ્યાર્થિનીઓ સાથે મિત્રતા વધારી તેમની સાથે સોશિયલ મીડિયામાં પણ ચેટિંગ કરતા અને એકબીજાનો મોબાઈલ નંબરનો આપ-લે કરીને તેમની સાથે વાતો કરી મિત્રતા વધુ ગાઢ બનાવવાનો પ્રયાસ કરતા હતા. તેમને ઓળખી વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા કોલેજમાં જ વિદ્યાર્થીને જાહેરમાં માર મરાયો હતો.
વિદ્યાર્થીઓ ષડ્યંત્ર રચી રહ્યા છે: વિહિપ
વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય ખજાનચી દિનેશ નાવડિયાએ જણાવ્યું કે, છેલ્લા ઘણા સમયથી લવજેહાદ સમગ્ર દેશમાં અને શહેરમાં પણ વધી રહ્યો છે. વિધર્મીઓ હિન્દુ યુવતીઓને પ્રેમજાળમાં ફસાવે છે અને આખરે હિન્દુ યુવતીઓએ આપઘાત કરી લેવા સુધીની ફરજ પડે છે. સુરતની ભગવાન મહાવીર કોલેજમાં પણ કેટલાક વિદ્યાર્થીઓ સક્રિય થયા છે અને તેઓ હિન્દુ વિદ્યાર્થીઓનો સંપર્ક વધારે તેમને પ્રેમજાળમાં ફસાવી રહ્યા હોવાની વિગતો મળી રહી હતી.
ટીમે કામ કર્યું
આ બાબતે વિશ્વ હિન્દુ પરિષદની ટીમ કામે લાગી હતી. છોકરીની તપાસ કરી રહી હતી કે, ખરેખર આ બાબતમાં તથ્ય છે કે કેમ. જ્યારે પૂરતા પુરાવા મળ્યા કે આ વિધર્મીઓ હિન્દુ યુવતીઓને પ્રેમજાળમાં ફસાવવાનો પ્રયાસ કરવાનું એક આખું ષડ્યંત્ર કરી રહ્યા છે ત્યારે અમે કાર્યવાહી કરી છે. જેથી કરીને વિધર્મીઓ સુરત શહેરમાં નહીં પરંતુ દેશમાં પણ આ પ્રકારની ઘટનાઓને અંજામ ના આપે. દિલ્હીમાં જે પ્રકારે વિધર્મી યુવક કે હિન્દુ યુવતી સાથે કર્યું છે તેને લઈને લોકોમાં ભારે રોષ છે. આવી ઘટનાને અટકાવવા માટે વિશ્વ હિન્દુ પરિષદ કામ કરી રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.