સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં ઘરમાં ઘુસીને આરોપીએ છેડતી કરી હતી. નિંદ્રાધીન બે સંતાનની માતા અને તેના પુત્રના ગળે છરો મુકી લાજ લેવાનો પ્રયાસ કર્યો હતો. જેથી મહિલાએ જહાંગીરપુરા પોલીસમાં ફરિયાદ નોધાવી છે.
પુત્રના ગળે છરો રાખ્યો
જહાંગીરપુરા વિસ્તારમાં રહેતી રાબિયા (ઉ.વ. 24 નામ બદલ્યું છે) ગત રાતે જમ્યા બાદ બે સંતાન સાથે બેડરૂમમાં સુઇ ગઇ હતી. રાતે 3 વાગ્યે પુત્ર રડતો હોવાથી રાબિયા ઉઠી ગઇ હતી ત્યારે તેની નજર રૂમમાં પતિના મિત્ર રાશીદ મેહબુબ પઠાણ (રહે. બિલ્ડીંગ નં. 21, રૂમ નં. 1, એસએમસી આવાસ, સાંઇવીલા સામે, જહાંગીરપુરા) પર પડતા ચોંકી ગઇ હતી. નઝમા કંઇ સમજે તે પહેલા રાશીદે છરો વડે પુત્ર અને ત્યાર બાદ રાબિયાને બાનમાં લઇ તું અગર ચિલ્લાઇ તો મેં ઇસકો ખતમ કર દુંગા એવી ધમકી આપી હતી.
હિંમતથી પ્રતિકાર કર્યો
ત્યાર બાદ નરાધમ રાશીદે નઝમાને શારિરીક અડપલા કર્યા હતા. પરંતુ રાબિયાએ હિંમ્મત દાખવી રાશીદને પેટના ભાગે લાત મારી હતી. રાશીદને પેટમાં ઇજા થતા છરો લઇ ત્યાંથી ભાગી ગયો હતો. રાશીદ પુનઃ આવશે તેવા ડરથી રાબિયાએ દરવાજો અંદરથી બંધ કરી મુંબઇ ખાતે હોટલમાં વેઇટર તરીકે નોકરી કરતા પતિને ફોન કર્યો હતો. પરંતુ રાતનો સમય હોવાથી પતિએ ફોન રિસીવ કર્યો ન હતો. સવારે ધાબા પરથી સાસુ નીચે આવ્યા ત્યારે પતિના મિત્રની કરતૂતની જાણ કરી હતી અને જહાંગીરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવતા રાશીદની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ચોકબજારમાં સગીરે બાળકીની છેડતી કરી
ચોકબજારમાં રહેતા પડોશીના સગીર પુત્રએ 6 વર્ષની બાળકીને સોડા પીવડાવીને રિક્ષામાં બેસાડી અડપલા કર્યા હતા. બાળકી તેની મોટી બહેન સાથે દુકાને સામાન લેવા માટે ગઈ ત્યારે પડોશીના 16 વર્ષના સગીરે 28મી મેએ બાળકીને નજીકમાં સોડા પીવા માટે લઈ ગયો હતો. સોડા પીવડાવી બાદમાં સગીરે રિક્ષામાં લઈ જઈ બાળકી સાથે અડપલા કર્યા હતા. બીજી તરફ પરિવારજનો બાળકીને શોધવા માટે નીકળ્યા તેવામાં બાળકી રિક્ષામાંથી મળી હતી. સગીરે બાળકીને ધમકી આપી કે આ વાત તારી મમ્મી કે પપ્પાને કહેશે તો તને ચપ્પુ વડે કાપી નાખીશ. ચોકબજાર પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે સગીર સામે છેડતીનો ગુનો નોંધ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.