ગુજરાતમાં મેઘસવારી:65 તાલુકામાં મેઘમહેર, સુરતમાં 4 કલાકમાં 4 ઈંચ વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાયા; 3 દિવસ ભારે વરસાદની આગાહી

સુરત2 વર્ષ પહેલા
સુરતમાં બાર વાગ્યા બાદ વાતાવરણમાં પલટો આવતાં મુશળધાર વરસાદ ખાબક્યો.
  • ઉ.ગુજરાતના સૂઈગામ, દ.ગુજરાતના વાપીમાં 3 ઇંચ, નવસારીમાં 2 ઇંચ વરસાદ
  • સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
  • સુરત જિલ્લાના પલસાણામાં 3 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો
  • ગુજરાતના 65 તાલુકામાં હળવાથી ભારે વરસાદ નોંધાયો
  • પાલનપુર ગામ વિસ્તાર અંદરની સોસાયટીઓમાં પાણી ભરાયા

ગુજરાતના 65 તાલુકાઓમાં મંગળવારે 2થી 3 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. ઉત્તર ગુજરાતના 74% વિસ્તારમાં મેઘમહેર રહી હતી. 47 પૈકી 35 તાલુકામાં થયેલા વરસાદમાં સૂઇગામમાં સૌથી વધુ 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો. વાવ અને હારિજમાં 1.50 ઇંચ તેમજ થરાદ અને ભાભરમાં 1.25 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જ્યારે દક્ષિણ ગુજરાતમાં વાપીમાં 3 ઇંચ, તથા વલસાડમાં 1 ઇંચ, ઉમરગામમાં 2 ઇંચ અને પારડી તાલુકામાં 2 ઇંચ વરસાદ થયો હતો. નવસારી શહેરમાં પણ 1 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ થયો હતો. વડોદરા, અમદાવાદમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા. વડોદરામાં માત્ર અડધા કલાકમાં 1 ઇંચ પાણી વરસ્યું હતું.

આ તરફ ભારતીય હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં સૌરાષ્ટ્રના જુનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં, મધ્ય ગુજરાતના વડોદરા, ખેડા અને દક્ષિણ ગુજરાતના ભરૂચ અને વલસાડ જિલ્લાઓમાં આગામી બે દિવસમાં ભારેથી અતિભારે વરસાદ ૫ડવાની સંભાવના રહેલી છે. ભારે વરસાદની આગાહીને પગલે આ જિલ્લાઓમાં NDRF અને SDRFની ટીમો એલર્ટ કરવામાં આવી છે. રાજ્યના કૃષિ વિભાગના જણાવ્યા પ્રમાણે ચાલુ વર્ષે અંદાજીત 81.55 લાખ હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર થયુ છે. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે 95.33 ટકા વાવેતર થયુ છે.

ગોંડલમાં ધોધમાર વરસાદ પડ્યો.
ગોંડલમાં ધોધમાર વરસાદ પડ્યો.

સરદાર સરોવરમાં 48.45% , રાજ્યનાં 206 જળાશયોમાં 55.70% પાણી
સરદાર સરોવર નર્મદા નિગમના જણાવ્યા પ્રમાણે સરદાર સરોવર જળાશયમાં હાલ 1,61,876 MCFT પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના 48.45 ટકા છે. રાજ્યનાં 206 જળાશયોમાં કુલ સંગ્રહ શકિતના 55.70% પાણી છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ-૮ જળાશય, એલર્ટ ૫ર કુલ-૯ જળાશય તેમજ વોર્નિગ ઉ૫ર-૧૨ જળાશય છે. NDRFની કુલ ૧૫ ટીમમાંથી ૮ ટીમો ડીપ્લોય કરવામાં આવી છે.

અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો
વીજળીના કડાકા ભડાકા સાથે બપોર બાદ વરસાદી માહોલ સર્જાયો હતો. અમદાવાદ શહેરના બોપલ, સેટેલાઈટ, એસજી હાઈવેનો પટ્ટો, સરખેજ, મકરબા, બોડકદેવ, થલતેજ, ઘાટલોડિયા, ગોતા, સરસપુર, કાલુપુર, અસારવા, અમરાઈવાડી, વટવા, જશોદાનગર, ખોખરા, વસ્ત્રાલ, નિકોલ, હાટકેશ્વર, ઓઢવ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જ્યારે રાજ્યના દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે.

વડોદરામાં લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાની ધબધબાટી
લાંબા સમયના વિરામ બાદ ભાદરવા માસના પ્રારંભે મેઘરાજાએ સાંજે ધબધબાટી બોલાવી હતી. પ્રચંડ ગાજવીજ શરૂ થયેલા ધોધમાર વરસાદને પગલે રાબેતા મુજબ શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. એક કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. સાંજે શરૂ થયેલા જોરદાર વરસાદને પગલે શહેરીજનોએ ગરમીથી રાહત અનુભવી હતી. વડોદરા શહેર સાથે જિલ્લાના અનેક તાલુકાઓમાં પણ મેઘ મહેર થઇ હોવાના અહેવાલો મળ્યા હતા.

અમદાવાદમાં કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો.
અમદાવાદમાં કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો.

સુરતના પાલનપુર, સલાબતપુરા સહિતના વિસ્તારમાં પાણી ભરાયા
બપોર બાદ દેમાર વરસાદ આવતાં સુરત શહેરના નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાયા હતા. તેમજ રસ્તા ઉપર પણ પાણી ફરી વળ્યા હતા. વિશેષ કરીને પાલનપુર ગામ વિસ્તાર અંદરની સોસાયટીઓમાં પાણી ભરાયા હતા તેમજ સલાબતપુરા સહિત અન્ય શહેરના કેટલાક વિસ્તારોની સોસાયટીઓમાં પાણી ભરાવાના શરૂ થયા હતા.

સાર્વત્રિક વરસાદ થતાં જનજીવન પર એની સ્પષ્ટ અસર દેખાઈ રહી છે.
સાર્વત્રિક વરસાદ થતાં જનજીવન પર એની સ્પષ્ટ અસર દેખાઈ રહી છે.

વાહનચાલકોને વિઝિબિલિટીની સમસ્યા થઈ
ભરબપોરે મુશળધાર વરસાદ અને વાદળછાયું વાતાવરણ હોવાને કારણે વાહનચાલકોને વિઝિબિલિટીની સમસ્યા થઈ હતી. રિંગ રોડ, ચોક બજાર વિસ્તારમાં ટ્રાફિકજામ પણ જોવા મળ્યો હતો. બ્રિજ ઉપર પણ ધોધમાર વરસાદને કારણે ટ્રાફિકજામ થયો હતો. છેલ્લા બે-ત્રણ દિવસથી સુરત શહેરમાં વરસાદ ઝરમર વરસતો હોવા છતાં પણ સતત બફારો અનુભવાતો હતો. આખરે મુશળધાર વરસાદને કારણે સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

મુશળધાર વરસાદને કારણે સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
મુશળધાર વરસાદને કારણે સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

ધોધમાર વરસાદથી ખેડૂતોને થોડી રાહત થઈ
સુરત શહેર સહિત તાલુકામાં વરસાદ વરસતા ખેડૂતોને થોડી રાહત થઈ છે. આ વખતે ચોમાસા દરમિયાન પ્રમાણસરનો વરસાદ ન થવાને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. બીજી તરફ, ઉપરવાસમાં પણ વરસાદ ન થતાં ઉકાઇ ડેમમાં પાણીની આવક ખૂબ જ ધીમી જોવા મળી રહી છે, જેને કારણે ખેડૂતોને સિંચાઇનું પાણી યોગ્ય પ્રમાણમાં મળશે કે કેમ એ એક મોટો પ્રશ્ન છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ વરસાદથી આ વર્ષે તો ખેડૂતોને મોટી રાહત થશે. ઉકાઇ ડેમમાં પાણીની આવક થાય તો પીવાના પાણીની સાથે સિંચાઈ માટે પૂરતું પાણી ખેડૂતોને મળી શકશે.

મુશળધાર વરસાદ અને વાદળછાયું વાતાવરણ હોવાને કારણે વાહનચાલકોને વિઝિબિલિટીની સમસ્યા થઈ.
મુશળધાર વરસાદ અને વાદળછાયું વાતાવરણ હોવાને કારણે વાહનચાલકોને વિઝિબિલિટીની સમસ્યા થઈ.

ગુજરાતમાં 4 વાગ્યા સુધી નોંધાયેલો વરસાદ

તાલુકોવરસાદ(મિમિ)
પલસાણા83
ડેડિયાપાડા60
સુરત93
જલાલપોર49
નવસારી49
ઉમરપાડા44
કામરેજ41
ઓલપાડ35
ચોર્યાસી33
બારડોલી33
સાગબારા31
સુરત શહેરના નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાયા.
સુરત શહેરના નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાયા.

રાહત અને બચાવ માટે NDRFની 8 ટીમ તહેનાત
રાજ્યમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહીને પગલે NDRFની કુલ 15માંથી 8 ટીમો તહેનાત કરવામાં આવી છે. જેમાંથી વલસાડ, સુરત, નવસારી, રાજકોટ, ગીરસોમનાથ, જૂનાગઢ, કચ્છ અને પોરબંદર ખાતે 1-1 ટીમ તહેનાત કરાઈ છે. અને 6 ટીમ વડોદરા અને 1 ટીમ ગાંધીનગર ખાતે રીઝર્વ રાખવામાં આવી છે.

સુરતમાં સલાબતપુરા સહિત અન્ય શહેરના કેટલાક વિસ્તારોની સોસાયટીઓમાં પાણી ભરાવાના શરૂ થયા.
સુરતમાં સલાબતપુરા સહિત અન્ય શહેરના કેટલાક વિસ્તારોની સોસાયટીઓમાં પાણી ભરાવાના શરૂ થયા.