સુરતના ડિંડોલી ઓમ નગર નજીક આંગડીયા પેઢીના કર્મચારીને બંદૂક બતાવી બે લૂંટારૂ રોકડા ૩૩ લાખની લૂંટ કરી હતી. બાઈક પર જતાં આંગડીયાના કર્મચારી પાસેથી રૂપિયા ભરેલો થેલો બંદૂક બતાવી લૂંટી લીધો હતો. બાદમાં આ લૂંટારૂઓ ગણતરીના સમયમાં ફરાર થઈ જતા પોલીસ દોડતી થઇ છે.
પોલીસે તપાસ હાથ ધરી
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ઉધના સિલીકોન શોપર્સમાં આવેલી આંગડિયા પેઢીનો કર્મચારી આજે સવારે ડિંડોલી ઓમ નગર નજીક ખુલ્લા મેદાન પાસેથી પસાર થતો હતો ત્યારે બે અજાણ્યા તેને બંદૂક બતાવી તેની પાસેના રોકડા રૂ. ૩૩ લાખની લૂંટ કરી ગણતરીના સમયમાં ફરાર થઈ ગયા હતા બનાવની જાણ થતા દોડી ગયેલી પોલીસે ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ મેળવી તેમજ આજુબાજુના લોકોની પૂછપરછના આધારે લૂંટારાઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.
લૂંટારૂઓ પગપાળા આવેલા
સ્થાનિક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે, લૂંટારૂઓએ બાઈક ચાલક આંગડીયાના કર્મચારીને અટકાવીને રૂપિયા ભરેલી બેગ ઝૂંટવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, કર્મચારીએ ન આપતા ઝપાઝપી થઈ હતી. આખરે લૂંટારૂઓએ બંદૂક બતાવતાં કર્મચારીને બેગ આપી દેવી પડી હતી. બાદમાં બન્ને લૂંટારૂઓ નાસી ગયાં હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.