કોરોના વેક્સિન પહેલા તૈયારી:સુરતમાં મેયર સહિતની ટીમે વેક્સિનેશ ડેપોની મુલાકાત લીધી, કુલ 6995 લિ.ની સ્ટોરેજ ક્ષમતા

સુરતએક વર્ષ પહેલા
મેયર સહિતની ટીમે વેક્સિનેશ ડેપોની ચકાચણી કરી. - Divya Bhaskar
મેયર સહિતની ટીમે વેક્સિનેશ ડેપોની ચકાચણી કરી.
  • કોવિડમાંથી સાજા થઇ મેયર અડાજણ હેલ્થ સેન્ટર પહોંચ્યા

સુરતમાં કોરોનાની વેક્સિન આવે તે પહેલા તેનું આયોજન થઈ રહ્યું છે. પાલિકાના અડાજણ હેલ્થ સેન્ટરમાં વેક્સિનેશ ડેપોમાં વેક્સિન સ્ટોર થાય તે પહેલા મેયર સહિતની ટીમે મુલાકાત લીધી હતી. મેયર કોરોના મુક્ત થયા બાદ ટીમ સાથે વેક્સિન સ્ટોરની કેપેસિટી ચકાસવા માટે પહોંચ્યા હતા. સુરતના અડાજણ હેલ્થ સેન્ટર ખાતે વેક્સિનેશન સ્ટોર છે જ્યાં કુલ 6995 લિ.ની સ્ટોરેજ ક્ષમતા છે ત્યાં પાલિકાના શાસકોની ટીમ પહોંચી હતી.

સૌથી પહેલા હેલ્થ વર્કરને વેક્સિન અપાશે
સુરતમાં વેક્સિન ક્યારે આવશે તે નક્કી નથી પરંતુ વેક્સિન આવ્યા બાદ તેનું આયોજન કેવી રીતે કરવું તે માટેની કવાયત શરૂ થઇ ગઇ છે. સૌથી પહેલા હેલ્થ વર્કર અને ત્યારબાદ ફ્રન્ટ લાઇન વર્કરને રસી આપવામાં આવશે. અડાજણ હેલ્થ સેન્ટરના વેક્સિનેશન ડેપો ઉપરાંત અન્ય આરોગ્ય કેન્દ્ર પણ રસીનું સ્ટોરેજ કરવામાં આવશે. મેયર સહિતની ટીમે અડાજણની મુલાકાત લીધી હતી જ્યાં વેક્સિન સ્ટોરેજ સેન્ટર નિહાળ્યું હતું.

9 જેટલા આઇસ લાઇન્ડ રેફ્રિજરેટરોની સુવિધા
કોરોના રસીકરણ માટે વેક્સિનનાં સ્ટોરેજ ચેઇન ક્ષમતા પાલિકા પાસે પુરતી છે. પાલિકાના તમામ આરોગ્ય કેન્દ્રને કોલ્ડ ચેઈન પોઈન્ટ કહેવામાં આવે છે. આ સીસીપી પર પાલિકાના આઇસ લાઈન્ડ રેફ્રિજરેટર હોય છે. તેમાં પોલિયો, એમઆર, ડીસીજી જેવી જુદી-જુદી રસી- વેક્સિનને પ્રિઝવ કરાતી હોય છે. વેક્સિનનાં સ્ટોરેજ માટે અડાજણ હેલ્થ સેન્ટરમાં ‘કોર્પોરેશન વેક્સિન સ્ટોર’ આવ્યો છે ત્યાં જુદા જુદા સાઈઝના 9 જેટલા આઇસ લાઇન્ડ રેફ્રિજરેટરોની સુવિધા છે તેની ક્ષમતા 1235 લિટરની છે. જ્યારે 52 અર્બન હેલ્થ સેન્ટરોમાં 5760 લિટર જેટલી છે.

સુરતમાં વલસાડ, નવસારી, તાપી તમામની રસી સ્ટોરેજ થશે
આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે, સુરત, વલસાડ, નવસારી, તાપી તમામની રસી સ્ટોરેજ ‘રિજ્યોનલ વૅક્સિન સ્ટોર’ ખાતે થાય છે, સુરત ખાતે મોટામાં મોટું સ્ટોરેજ આવ્યું છે. સિવિલમાં આ રિજિયોનલ વૅક્સિન સ્ટોરમાં જ પ્રથમ તમામ રસીનો સ્ટોક સ્ટોર કરવામાં આવે છે. ગવર્મેન્ટ દ્વારા થતી રસીની સપ્લાય પણ સૌ પ્રથમ ત્યાં આવતી હોય છે ત્યાંથી જ સિટીમાં પાલિકાના અડાજણના કોર્પોરેશન વેકસીન સ્ટોર ખાતે લઈ જવામાં આવે છે ત્યાર બાદ તમામ અન્ય સ્થાનો પર લઈ જવાઈ છે.

પાલિકા તંત્ર વોઈટ એન્ડ વોચમાં રહી છે
રૂટિન રસીઓના રખાયેલા ડોઝના જથ્થા છતાં વધતી જગ્યામાં કોરોનાની વૅક્સિન રાખી શકાય. પરંતુ હજી સુધી જે તે સમયે કેટલો જથ્થો કોરોના રસીનો ફાળવાશે? રસીકરણ કેટલા લોકોનું કરવું? કોનું કરવાનું છે? તે અંગે કોઈ ગાઈડલાઈન જણાવાઈ નથી. આ જરૂરિયાત કેટલી તે કોણ નક્કી કરશે? કેટલી રસી આપવાની છે સ્પષ્ટતા સાથેની ગાઈડલાઈન આવ્યા પછી જ નક્કર આયોજન થઈ શકે છે.તેથી હાલ પાલિકા તંત્ર વોઈટ એન્ડ વોચમાં રહી છે. ડોઝને ફિલ્ડમાં કઈ રીતે આપવું તે ખુબજ મહત્ત્વનું છે કેમ કે ઈન્ટ્રા મસ્ક્યુલર ઈન્જેક્શન હોય પોલિયોની જેમ અન્ય કોઈને વેક્સિનેટર બનાવી શકાય તેમ નહી હોય સ્ટાફ નર્સ, નર્સિંગ કોલેજના બીજા ત્રીજા વર્ષના છાત્રો, સ્ટુડન્ટ તબીબો પાસે જ મુકાવવામાં આવે તેવી વ્યવસ્થાની વિચારણા ચાલી રહી છે.