સુરતમાં 108 એમ્બ્યુલન્સની ટીમની સરાહનીય કામગીરી સામે આવી છે. ઓટોરિક્ષામાં ડિલિવરીના ચેકઅપ માટે જઈ રહેલી અડાજણની મહિલાને અધવચ્ચે જ પ્રસવ પીડા શરૂ થતાં 108ને કોલ કરી બોલવામાં આવી હતી. ત્યારે 108ની ટીમે ઘટના સ્થળે આવી રસ્તા વચ્ચે જ રિક્ષાને કપડાંથી ઢાંકી મહિલાની પ્રસૂતિ કરાવી હતી. આ ડિલિવરીમાં બાળક અને માતા બંને સ્વસ્થ છે. 108ની આ કામગીરીને પરિવારે બિરદાવી હતી.
રિક્ષામાં પ્રસવ પીડા ઊપડતાં 108ને બોલાવાઈ
સુરતના અડાજણ ખાતે રહેતા અરવિંદભાઈ દેવીપૂજકની પત્ની ચકુબેન પતિ સાથે ડિલિવરીના ચેકઅપ માટે રિક્ષામાં જઈ રહ્યાં હતાં. આ દરમિયાન પાલનપુર પાટિયા પાસે તેઓને પ્રસવ પીડા શરૂ થઇ હતી. મહિલાની હાલત જોઈ રિક્ષાચાલકે ક્ષણભરની પણ રાહ જોયા વિના 108ની ટીમને જાણ કરી હતી. 108ની ટીમને જાણ થતાં જ રાંદેર લોકેશનના ઈએમટી શબ્બીર બેલીમ અને પાઈલોટ તેજસભાઈ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
મહિલાની રિક્ષામાં કરાવી ડિલિવરી
ઈએમટી શબ્બીર બેલીમ ઘટના સ્થળે જઈને તપાસ કરતા મહિલાને પ્રસૂતિ પહેલાંનું લોહી ખૂબ જ વહી ગયું હતું અને બાળકનું માથું દેખાતું હતું. જેથી તેઓએ ક્ષણભરનો પણ વિલંબ કર્યા વિના રિક્ષામાં જ ડિલિવરી કરવાનું નક્કી કર્યું હતું. 108માં રહેલ ડિલિવરી કીટનો ઉપયોગ કરી ઇએમટી શબ્બીરે આસપાસથી ચાદરો મંગાવી રિક્ષાની ફરતે ઓઢાડી દઈ રિક્ષાને સંપૂર્ણ રીતે કોર્ડન કરી હતી અને ત્યારબાદ તબીબી અધિકારીઓના માર્ગદર્શનમાં પ્રસૂતિ કરાવી હતી.
માતા અને બાળક બંને સ્વસ્થ
મહિલાએ પુત્રને જન્મ આપ્યો હતો. પ્રસૂતિ બાદ મહિલા અને બાળક બંને સ્વસ્થ છે. તેઓને સારવાર માટે રાંદેર હેલ્થ સેન્ટર લઇ જવાયાં હતાં. અને તેઓને આ પાંચમું સંતાન છે. 108ની આ કામગીરીને પરિવારે બિરદાવી હતી.
મહિલાની હાલત જોતાં રસ્તા પર રિક્ષાને હોસ્પિટલ બનાવી
ઈએમટી શબ્બીરભાઈ બેલીમે જણાવ્યું હતું કે અમને ડિલિવરીનો કોલ મળતા જ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેઓ રિક્ષામાં ચેકઅપ માટે હોસ્પિટલ જતાં હતાં તે વેળાએ દુખાવો ઊપડ્યો હતો. રિક્ષાચાલકે 108માં કોલ કર્યો હતો જેથી અમે તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. અમે જોયું તો રિક્ષામાં જ મહિલા સૂઈ ગઈ હતી અને રસ્તામાં લોહી વહી રહ્યું હતું અને બાળકનું માથું દેખાતું હતું.
ઉપરી અધિકારી સાથે વાત કરી ડિલિવરી કરાવી
વધુમાં જણાવ્યું હતું કે, અમે તાત્કાલિક ડોક્ટર સાથે વાત કરી રિક્ષામાં જ પ્રસૂતિ કરાવી હતી. બાળક અને મહિલા બંને સ્વસ્થ છે. અમે આજુબાજુમાંથી ચાદરો લઈને રિક્ષા કવર કરી પ્રસૂતિ કરાવી હતી. અમને સંસ્થા દ્વારા ડિલિવરી કિટ અને ટ્રેનિંગ આપવામાં આવે છે. જેના ભાગરૂપે ઉપરી અધિકારી સાથે વાત કરી ડિલિવરી કરાવી હતી.
108ના EMT કર્મચારીને ઇમરજન્સી ડિલિવરી કિટનો ઉપયોગ શિખવાડાયો છે
સુરતના 108 એમ્બ્યુલન્સના પ્રોગ્રામ મેનેજર જીતેન્દ્ર શાહિએ દિવ્ય ભાસ્કર સાથેની વાતમાં જણાવ્યું હતું કે દરેક 108 એમ્બ્યુલન્સમાં વિશેષ ઈમરજન્સી ડિલિવરી કિટ આપવામાં આવી છે. આનો સદુપયોગ કરવા માટેની ટ્રેનિંગ પણ દરેક ઈએમટીના કર્મચારીને આપવામાં આવી છે. હાલ જે મહિલાની રિક્ષામાં ડિલિવરી કરવાની ફરજ પડી તેમાં આ ઈમરજન્સી ખૂબ જ ઉપયોગી નીવડી છે. તે ઉપરાંત ઈએમટીના કર્મચારીઓને આપવામાં આવેલી ટ્રેનિંગ પણ ખરા અર્થમાં સાર્થક થઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.