સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા અંજની ઇન્ડસ્ટ્રીયલના ખેતરમાંથી પંદર દિવસ અગાઉ હત્યા કરાયેલી એક મહિલાની લાશ મળી આવી હતી. મહિલાની ખૂબ જ ક્રૂર રીતે હત્યા કરાયેલી લાશ જોતા પોલીસ પણ આરોપી સુધી પહોંચવા ચકરાવે ચડી હતી. જોકે આ ગુનાનો ભેદ ઉકેલવા અમરોલી પોલીસ સહિત ક્રાઈમ બ્રાન્ચની ટીમ કામે લાગી હતી. ભારે મહેનત બાદ સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે મહિલાની હત્યાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. મહિલાના પ્રેમીએ જ ખેતરમાં ચપ્પુના 49 ઘા મારી હત્યા કરી ફરાર થઈ ગયો હતો. ક્રાઈમ બ્રાન્ચ પોલીસે મહિલાના પ્રેમીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મહિલાની ક્રૂર હત્યા કરાયેલ લાશ મળી હતી
સુરત શહેરના અમરોલી વિસ્તારમાં પંદર દિવસ અગાઉ થયેલી મહિલાની ઘાતકી હત્યાનો ભેદ સુરત ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી કાઢ્યો છે. અમરોલી વિસ્તારના અંજની ઇન્ડસ્ટ્રીયલ પાસે આવેલા એક ખેતરમાં એક અજાણી મહિલાની ચપ્પુના 49 જેટલા ઘા ઝીંકીને ક્રૂર હત્યા કરાયેલ લાશ મળી આવી હતી. પ્રાથમિક પોલીસ તપાસમાં મહિલાની ઓળખ કરવી ખૂબ જ મુશ્કેલ હતી. જોકે પોલીસે માત્ર એક નાનકડી કડીના આધારે સમગ્ર હત્યાનો ભેદ ઉકેલ નાખ્યો છે. મહિલાની આ હત્યા તેના પ્રેમીએ જ કરી હોવાનું સામે આવ્યું છે અને હત્યા કરનાર પ્રેમીને પોલીસે દબોચી લીધો છે.
ભારે મુસીબતે મહિલાની પોલીસે કરી ઓળખ
મહિલાની હત્યા કરાયેલી લાશ જે જગ્યાએ મળી હતી તે જગ્યાની આસપાસ કોઈ સીસીટીવી ન હોવાના કારણે પોલીસ માટે મહિલાની ઓળખ તેમજ હત્યારાની ઓળખ કરવી પણ એક ચેલેન્જ રૂપ હતું. જોકે પોલીસને મહિલા પાસેથી મળેલ એક કાગળમાં ઉડિયા ભાષામાં લખાણ હોવાના કારણે અંદાજો લગાવ્યો હતો કે, મહિલા ઓડીસાથી આવી હોય શકે.
અનેક સીસીટીવી તપાસ્યા બાદ પોલીસને મળી સફળતા
પોલીસને મહિલાની ઉડિયા ભાષામાં લખાયેલી ચીઠ્ઠી મળ્યા બાદ પોલીસે તે વિસ્તારના તેમજ રેલ્વે સ્ટેશનના સીસીટીવી ચેક કરવાનું શરૂ કર્યું હતું. જેમાં રેલ્વે સ્ટેશનના સીસીટીવીમાં આ મહિલા એક યુવક સાથે આવતી દેખાઈ હતી. જેને પગલે સીસીટીવીના આધારે યુવકની ઓળખ કરીને પોલીસે આ યુવક જગન્નાથ ગૌડાને ઊંચકી લીધો હતો. તેની પૂછપરછ કરતા તેણે આ યુવતીની હત્યા કરી હોવાનું કબુલ કર્યું હતું. યુવકે પોલીસને જણાવ્યું હતું કે પ્રેમ સંબંધના કારણે તેણે આ હત્યા કરી હતી.
પ્રેમસંબંધમાં મહિલાની કરી હત્યા
પોલીસે મહિલાની હત્યા કરનાર યુવકની ઓળખ થઈ ગયા બાદ તેની સઘન પૂછપરછમાં જગન્નાથ એ જણાવ્યું હતું કે, તે કોસાડ આવાસ ખાતે પોતાના પરિવાર સાથે રહે છે અને મૃતક મહિલા કુનીદાસ સાથે તેને છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમસંબંધ હતા. આ મહિલા ઓડિસાના ભુવનેશ્વર ખાતે રહેતી હતી. જેથી બંને વચ્ચે ટેલીફોનિક સંપર્કો ચાલુ હતા. છેલ્લા ઘણા સમયથી આ મહિલા આરોપી જગન્નાથને સુરત લઈ આવવા માટે દબાણ કરી રહી હતી. તેમજ પૈસાની પણ માંગણી કરી રહી હતી. જેથી આખરે કંટાળીને 15 દિવસ અગાઉ જગન્નાથ ઓરિસ્સા ગયો હતો અને મહિલાને ટ્રેન મારફતે સુરત લઈને આવ્યો હતો. સુરત સ્ટેશન પર ઉતાર્યા બાદ તે સીધો આ મહિલાને લઈને તે ખેતરમાં ગયો હતો અને તેની પાસે રહેલા ચપ્પુ વડે મહિલા પર ઉપરા છાપરી ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.
સીસીટીવી ન હોય ત્યાં જ મહિલાની કરી હત્યા
પ્રેમીએ તેની પ્રેમિકાની ખેતરમાં લાવી હત્યા કર્યા બાદ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આરોપી એટલો ચાલાક હતો કે તેને ખબર હતી કે, ખેતરની આસપાસ કોઈ સીસીટીવી લાગેલા નથી. તેનો લાભ લઈને તેણે હત્યા માટે આ જગ્યા પસંદ કરી હતી. આરોપીની ચાલાકીને કારણે પ્રથમ તો પોલીસ પણ અવઢવમાં મુકાઈ હતી. કારણ કે આસપાસ કોઈ સીસીટીવી કે કોઈ જોનાર ન હોવાના કારણે હત્યારાનું કોઈ પગેરું મળી રહ્યું ન હતું. પરંતુ માત્ર એક ચિઠ્ઠીના કારણે આ સમગ્ર હત્યાનો ભેદ ઉકેલવામાં સુરત ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.