લાંચિયો પકડાયો:સુરતમાં સરથાણા પોલીસનો હેડ કોન્સ્ટેબલ 5 હજારની લાંચ લેતા ઝડપાયો, દારૂના કેસમાં બાઈક પરત કરવા અને ખોટો કેસ ન કરવા રૂપિયા માંગેલા

20 દિવસ પહેલા
ACB લાંચ લેતા શક્તિદાન ગઢવીને રંગેહાથ ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
  • વલસાડ અને ACBએ વોચ ગોઠવીને લાંચ લેતા વર્ગ-3ના કર્મચારીને ઝડપી લીધો

દિવાળીની રજાઓ પૂરી થતાં જ ફરીથી સરકારી કર્મચારીઓએ લાંચ લેવાનું શરૂ કરી દીધું હોય તેમ સુરતના સરથાણા પોલીસ સ્ટેશનનો કર્મચારી લાંચ લેતા ઝડપાયો છે. સરથાણા પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ સ્ટાફમાં નોકરી કરતો વર્ગ-3નો કર્મચારી અને હેડ કોન્સ્ટેબલ શક્તિદાન દાજીદાન ગઢવીએ દારૂના કેસમાં અગાઉ ઝડપાયેલા આરોપી પાસેથી બાઈક જમા ન કરવા તથા ખોટો કેસ ન કરવા માટે ખાનગી વ્યક્તિ મારફતે 10 હજારની લાંચ માગી હતી. જો કે, 5 હજારમાં સમગ્ર મામલો નક્કી થયો હતો. જેથી લાંચના રૂપિયા લેતી વખતે શક્તિદાન ગઢવી એસીબીના હાથે ઝડપાઈ ગયો છે. એસીબીએ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

શક્તિદાને ખાનગી વ્યક્તિ મારફતે લાંચની રકમ માગીને સ્વિકારી હતી.
શક્તિદાને ખાનગી વ્યક્તિ મારફતે લાંચની રકમ માગીને સ્વિકારી હતી.

10 હજારની માગ થઈ હતી
ફરીયાદી અગાઉ ઇગ્લીશ દારૂના કેસમા સરથાણા પોલીસ સ્ટેશનમા પકડાયેલ હતો.જેથી શક્તિદાન દાજીદાન ગઢવી, અ.હે.કોન્સ., બ.ન. 642, નોકરી સર્વેલન્સ સ્ટાફ, સરથાણા પોલીસ સ્ટેશન, સુરત શહેર, વર્ગ- 3એ જે તે મોટર સાયકલ જમા લીધી હતી. બાદમાં ફરીયાદી ઉપર ખોટો દારૂનો કેસ કરવાની વાત કરી હતી. બાદ આ કામના આરોપી શક્તિદાન ગઢવીએ આરોપી રઘુભાઇ ગલાણી, ખાનગી વ્યક્તિ સાથે મળી ફરીયાદીને જણાવ્યું હતું કે, તારા વિરૂધ્ધ દારૂનો કેસ નહીં કરવા અને મોટર સાયકલ પરત કરવાના આ કામના આરોપી શક્તિદાન ગઢવી સાથે વ્યવહાર કરવો પડશે અને વ્યવહાર પેટે પ્રથમ 10 હજારની લાંચની માંગણી કરીહતી.બાદ રકઝકના અંતે 5હજારની લાંચ નક્કી કરાઈ હતી.

લાંચ કેસમાં સંડોવાયેલા ખાનગી વ્યક્તિ રઘુ ગલાણીને વોન્ટેડ જાહેર કર્યો છે.
લાંચ કેસમાં સંડોવાયેલા ખાનગી વ્યક્તિ રઘુ ગલાણીને વોન્ટેડ જાહેર કર્યો છે.

ડાંગ ACB ટ્રેપ ગોઠવી
દારૂના કેસમાં પકડાયેલ આરોપી રૂપિયા આપવા માગતો ન હોવાથી ACB(એન્ટી કરપ્શન બ્યૂરો)નો સંપર્ક કર્યો હતો. જેથી વલસાડ અને ડાંગ એ.સી.બી. પો.સ્ટે. વલસાડના ટ્રેપિંગ અધિકારી ડી.એમ.વસાવાની આગેવાનીમાં ટીમ બનાવીને વોચ ગોઠવવામાં આવી હતી. જેમાં ફરિયાદી લસકાણા પોલીસ ચોકીની બાજુમાં આરોપી શક્તિદાન ગઢવીને 5 હજાર રૂપિયા આપતા રંગે હાથ ઝડપાયો હતો. જ્યારે રઘુ ગલાણીને આ કેસમાં વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. હાલ એસીબીએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

8 માસ પહેલાં પ્રમોશન મળ્યું હતું, 28 હજારનો પગારદાર
લાંચિયા હે.કો. શક્તિદાન ગઢવીનું 8 મહિના પહેલાં કોન્સ્ટેબલમાંથી હે.કોન્સ્ટેબલ તરીકે પ્રમોશન થયું હતું. વર્ષ 2011માં તે એલઆર તરીકે ભરતી થયો હતો. હાલમાં તેનો પગાર 28 હજાર છે. એસીબીના સ્ટાફે રામપુરા સરકારી ક્વાર્ટર્સમાં તેના ઘરે સર્ચ કર્યું હતુ. જો કે, તેમાં કશું મળી આવ્યું ન હતું. તેની પત્ની પણ બીમાર રહેતી હોવાની વાત સ્ટાફે કરી હતી.

લાંચની રકમ કાઢવામાં ખિસ્સામાંથી કારની ચાવી મળી ને દારૂ ઝડપાયો
લાંચ લઈ શક્તિદાન ચોકીમાં આવી ગયો હતો. જ્યાં પહોંચેલી એસીબીએ તેના ખિસ્સામાંથી લાંચની રકમ કબજે કરી હતી. સાથે ચાવી મળતાં ચેક કર્યું તો કારમાંથી દારૂની 8 બોટલ મળી હતી. કાર તેના મિત્ર દિનેશ પાટીલની છે. પોલીસે વધુ એક ગુનો નોંધી કાર-દારૂ કબજે કર્યા હતા.

બે દિવસ અગાઉ બુટલેગર ઝડપાયો હતો
બુટલેગર બે દિવસ પહેલા બાઇક લઈને જતો હતો ત્યારે શક્તિદાનને જોતાં તે બાઇક મુકીને નાસી ગયો હતો. શક્તિદાને બાદમાં પૂછતાછ કરતાં તેણે કહ્યું કે દારૂની બોટલો હતી તેથી નાસી ગયો હતો. આ વાત સાંભળી શક્તિદાનને લાલચ જાગી હતી.