ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસ:સુરતમાં યુવતીને જાહેરમાં રહેંસી નાખનાર એકતરફી પ્રેમીથી છુટકારો મેળવવા પરિવારે અગાઉ 7 વાર સમાધાન કર્યું હતું

સુરત7 મહિનો પહેલા
ગ્રીષ્માની હત્યાને લઈને પરિવારે ન્યાયની માગ કરી છે.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
ગ્રીષ્માની હત્યાને લઈને પરિવારે ન્યાયની માગ કરી છે.(ફાઈલ તસવીર)
  • સમાજમાં બદનામ થવાના ડરથી ફેનિલ ગોયાણી સામે પોલીસ ફરિયાદ નહોતી નોંધાવાઈ

સુરતના કામરેજના પાસોદરા ખાતે એક તરફી પ્રેમનાં પાગલ 20 વર્ષીય યુવકે 21 વર્ષીય યુવતીનું ગળું કાપી જાહેરમાં રહેંસી નાખી હતી. યુવકે ગ્રીષ્માની માતા અને ભાઈની આંખ સામે જ તેનું ગળું કાપી નાખ્યું હતું. જાહેરમાં બનાવ બનતાં તથા હત્યાનો વીડિયો ફરતો થતાં માત્ર સુરત જ નહિ આખા રાજ્યમાં ચકચાર મચી ગઈ છે. ત્યારે એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીથી દીકરીને બચાવવા માટે પરિવારે અગાઉ સાત-સાત વાર સમાધાનના પ્રયાસો કર્યા હતા. જોકે તમામ પ્રયાસો નિષ્ફળ નીવડ્યા અને સમાજના ડરે પોલીસ ફરિયાદ નોંધાવી નહિ, જેનું ગંભીર પરિણામ સામે આવ્યું હતું.

યુવતીની કરપીણ હત્યા કર્યા બાદ ફેનિલે પણ આપઘાતનો પ્રયાસ કરતાં સ્મિમેરમાં દાખલ કરાયો છે.
યુવતીની કરપીણ હત્યા કર્યા બાદ ફેનિલે પણ આપઘાતનો પ્રયાસ કરતાં સ્મિમેરમાં દાખલ કરાયો છે.

યુવતીના પિતા અને આરોપી વચ્ચે સમાધાન થયેલા
ગ્રીષ્માની હત્યા થઈ એ અગાઉ હત્યારો ફેનિલ સતત હેરાન કરતો હતો, જેથી ફેનિલથી છુટકારો મેળવવા પરિવાર મથામણ કરી રહ્યો હતો. ફેનિલ સાતેક વાર પરિવારે સમજાવવાની કોશિશ કરી હોવાનું કહેતાં ગ્રીષ્માના પરિવારના સભ્યએ ઉમેર્યું કે પરિવારની બદનામી ન થાય એ માટે અંદરખાને પ્રયાસ કરવામાં આવી રહ્યા હતા. પોલીસની મદદ લઈએ અને પરિવારનું નામ ખરાબ થાય એથી બચવા માટે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું.

દીકરીની હત્યાથી પરિવાર હતપ્રત થઈ ગયું છે.
દીકરીની હત્યાથી પરિવાર હતપ્રત થઈ ગયું છે.

ફરિયાદ કરી હોત તો જીવ બચ્યો હોત
ચકચારી હત્યા કેસમાં હવે જો અને તો વચ્ચે વાત આવીને ઊભી રહી છે. ગ્રીષ્માના પરિવારના સભ્યો આરોપીને ફાંસી આપવાની માગ કરી રહ્યા છે. જોકે પરિવારને બદનામીના ડરથી તેને પોતાની દીકરી ખોવાનો વારો આવ્યો છે. અતિસંવેદનશીલ બનેલી સુરતની આ ઘટના તમામ માતા-પિતા માટે લાલબત્તી સમાન છે કે દીકરીને રંજાડતા આવાં તત્ત્વોની સામે શરમમાં મુકાયા વગર જ પોલીસ ફરિયાદ કરીને સબક શીખવવો જોઈએ, એવું જાગ્રત નાગરિકો કહી રહ્યા છે.