• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • In Surat, The Employee Blew Up A Textile Godown, Causing A Loss Of 78 Lakhs, Setting Fire To Low Salary, Caught On CCTV.

કારીગરનું કારસ્તાન:સુરતમાં કર્મચારીએ જ કાપડનું ગોડાઉન ફૂંકી મારતા 78 લાખનું નુકસાન, ઓછો પગાર મળતા આગ લગાવ્યાના દૃશ્યો CCTVમાં કેદ

સુરતએક મહિનો પહેલા
કર્મચારીએ આગ લગાવવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.
  • આગ લગાવ્યાના સીસીટીવી સામે આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી

સુરતના સણીયા-હેમાદ ગામમાં આવેલા કાપડના ગોડાઉનમાં 10 દિવસ અગાઉ વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. ઘટનાને પગલે ફાયરબ્રિગ્રેડને જાણ કરવામાં આવતા અલગ અલગ ત્રણ ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડના જવાનો સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને એક કલાકની ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. આ સમગ્ર કેસમાં પોલીસ તપાસ કરવામાં આવતા આગ કારીગર દ્વારા લગાડવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. કાપડના ગોડાઉનમાં કામ કરતા કારીગરે જ આગ લગાડી 78 લાખનું નુકશાન કરતા તેની સામે પોલીસન ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

શું હતી ઘટના?
બનાવની વિગત એવી છે કે, સણીયા હેમાદ ગામમાં આવેલ શુભમ ઇન્ડસ્ટ્રીઝ વિભાગ-૨ માં અશ્વીનભાઇ જીવરાજભાઇ રૈયાણી (રહે-એ/702, પુષ્કર હાઇટ્સ યોગીચોક) કાપડનું ગોડાઉન ધરાવે છે. 10 દિવસ અગાઉ તેમના ગોડાઉનમાં મળસ્કે 5 વાગ્યાના અરસામાં આગ લાગી હતી. ઘટનાની ગંભીરતા જોઈને પુણા, ડુંભાલ અને કાપોદ્રા ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડના જવાનોનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને એક કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે આ આગના કારણે અશ્વિનભાઈના ગોડાઉનમાં રહેલ ડ્રેસ મટિરિયલ્સ સહીત કિંમતી કાપડનો જથ્થો બળીને ખાખ થઇ ગયો હતો.

ત્રણ દિવસ પહેલાં નોકરી છોડેલી
પોલીસે આ સમગ્ર કેસમાં તપાસ હાથ ધરાતાં સીસીટીવી ફુટેજમાં આગ લાગી નહિ પરંતુ લગાડવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. સીએસીટીવી કેમેરાના ફૂટેજ જોતા અશ્વિનભાઈના પુત્ર કૃણાલે શખ્શને ઓળખી લીધો હતો. જેમાં આગ લગાવનાર બીજું કોઈ નહીં પરંતુ તેનો પૂર્વ કારીગર એજાજ અહેમદ (રહે-પ્લોટ નં.5 થી 20ના ધાબા ઉપર આવેલ પતરાની રૂમમા, શુભમ ઈંડસ્ટ્રીઝ, સણીયા હેમાદ ગામ, મુળ રહે.કુનાઈ પોસ્ટ-દેવપાર નગરા જી.બસ્તી યુ.પી) હોવાનું ખુલ્યું હતું. કૃણાલે પોલીસને જણાવ્યું થયુ કે છેલ્લા બે મહિનાથી તે ખાતામાં કામ કરતો હતો પરંતુ આગ લગાવી તેના ત્રણ દિવસ પહેલા જ તેને વતન જવાનું હોવાથી નોકરીમાંથી છૂટો થયો હતો.

5000 ઓછા આપતા નુકસાન કર્યું
તેણે પગાર કરતા વધારાના બીજા 10 હજારની માંગણી કરી હતી. પરંતુ કૃણાલે 10ની જગ્યાએ પગાર કરતા વધારાના 5 હજાર આપ્યા હતા. જોકે તેમ છતાં એજાજે ઉશ્કેરાઈને સવારે 5 વાગ્યાના અરસામાં ગોડાઉનમા રહેલ ઇન પ્રોસેસ સ્ટોક ઉપર જ્વલનસિલ પ્રવાહી છાટી આગ લગાડી દીધી હતી. જેના કારણે કૃણાલને રૂપિયા 78 લાખ નું નુકશાન થયું હતું. આગમાં પ્યોર જોર્જટ ફેબ્રિક તથા પ્રિન્ટેડ જોર્જટ સહિતનો કાપડનો માલ બાળીને ખાક થઇ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...