ભાસ્કર એક્સક્લુઝિવ:સુરતમાં પેકેજ્ડ વોટર બોટલની ડિમાન્ડ ત્રણ ગણી વધી, 1 મહિનામાં લોકો રૂ. 36 કરોડનું પાણી પી ગયા

સુરત2 મહિનો પહેલાલેખક: પ્રદીપ કુલકર્ણી
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બોટલ પ્રોડક્શન હાઉસ 100% કેપેસિટી સાથે કાર્યરત છતાં માગ પૂરી થતી નથી

ઉનાળામાં લોકો પાણી વધુ જ પીતા હોય છે પણ પેકેજ્ડ વોટર ઇન્ડસ્ટ્રીમાં પાણીની ડિમાન્ડ એટલી છે કે પ્રોડક્શન ઓછું પડી રહ્યું છે. છેલ્લા એક મહિનામાં પેકેજ્ડ વોટર બોટલ્સની ડિમાન્ડ ત્રણ વણી વધી ગઈ છે. રીટેલમાં પાણી વેચનારાઓને જરૂરિયાત મુજબનો જથ્થો મળી રહ્યો નથી. તેમ છતાં ડિસ્ટ્રીબ્યુટર્સની માનીએ તો રોજના 50 હજાર રેક એટલે કે 6 લાખ બોટલ (1 લીટર) પાણીનું વેચાણ થઈ રહ્યું છે. આ હિસાબ મુજબ, સુરતીઓ રોજનું 1.20 કરોડ રૂપિયાનું પાણી ખરીદીને પી રહ્યા છે. છેલ્લા એક મહિનામાં લોકોએ 36 કરોડ રૂપિયાનું પાણી ખરીદીને પીધું હતું. આ બાબતે ડિસ્ટ્રીબ્યુટર્સ કહે છે કે તેમના પાણી પુરુ પાડનારા પ્રોડક્શન હાઉસિસ 100 ટકા કેપેસિટી સાથે પેકેજ્ડ વોટર બોટલ બનાવી રહ્યા છે પણ ડિમાન્ડ જ એટલી છે કે માગ સામે કાપ મૂકીને પાણી બોટલ સપ્લાય કરવામાં આવી રહી છે.

20 લીટર પાણીના જગની ડિમાન્ડ પણ વધી
પેકેજ્ડ વોટર બોટલની સરખામણીમાં 20 લીટર પાણીના જગનો સપ્લાય વધુ છે. 30:70ના આ બિઝનેસમાં 20 લીટર પાણીનો સપ્લાય વધુ થાય છે પણ તેની કિંમત ઓછી હોય છે. નાની ઓફિસ-દુકાનોમાં જ્યાં 2 દિવસે 1 જગ રિફિલ થતો હતો ત્યાં હવે દર ત્રણ દિવસે 2 જગની ડિમાન્ડ આવી રહી છે.

કોરોના બાદ સામાજિક પ્રસંગોમાં વપરાશ વધ્યો
કોરોનાકાળમાં લગ્ન કે અન્ય કોઈ સામાજિક પ્રસંગો થતા ન હતા. હાલ કોરોનાના કેસો ન હોવાના કારણે પ્રસંગો પણ વધ્યા છે. આવા પ્રસંગોમાં લોકો 500 અને 250 એમએલની બોટલ્સ ઓર્ડર કરતા હોય છે. 500 મહેમાન હોય તેવા સામાન્ય પ્રસંગોમાં પણ 3000થી વધુ બોટલ્સનો ઓર્ડર આવી રહ્યો હોવાનું ડિસ્ટ્રીબ્યુટર્સ જણાવી રહ્યા છે.

ગરમી-સામાજીક પ્રસંગોના કારણે માગ ખૂબ વધી ગઈ
છેલ્લા અઢી-ત્રણ વર્ષથી કોરોના કાળના કારણે પાણીની બોટલોની ડિમાન્ડ ખૂબ ઓછી હતી. આ વર્ષે ગરમી પણ ખૂબ વધુ છે અને લગ્ન-સામાજિક પ્રસંગો પણ વધુ છે. લોકોની ખરીદશક્તિ પણ વધી છે, પેકેજ્ડ વોટર બોટલની ડિમાન્ડ વધી છે. ડિમાન્ડ એટલી છે કે તે પૂરી કરવા માટે રીટેલ વેપારીઓનો સપ્લાય ઓછો કરવો પડી રહ્યો છે, ત્યારે બધા લોકો સુધી પાણી પહોંચે તેવી વ્યવસ્થા કરી રહ્યા છે. - પેકેજ્ડ વોટર બોટલ ડિસ્ટ્રીબ્યુટર

અન્ય સમાચારો પણ છે...