સુરતમાં ઉતરાણ વિસ્તારમાં આવેલી ગજેરા વિદ્યાભવન શાળાની અંદર વાલીઓ આજે સવારે પોતાના બાળકોનું લિવિંગ સર્ટિફિકેટ તેમજ રીઝલ્ટ લેવા માટે પહોંચ્યા હતા. ત્યારે શાળાએ તેને આપવાનો ઇનકાર કરી દીધો હતો. જેને લઇને વાલીઓએ શાળા સંચાલકો સામે રોષ વ્યક્ત કરતા ભારે હોબાળો મચાવી દીધો હતો. વાલીઓએ એક વર્ષની ફી સંપૂર્ણ રીતે ભરી દીધા બાદ પણ જ્યારે પોતાના બાળકોના સર્ટિફિકેટ લેવા ગયા ત્યારે એકાએક જ વધારાની ફી માગણી કરતા વાલીઓ પણ આશ્ચર્યમાં મૂકાયા હતા. વાલીઓએ હોબાળો કરતાં કહ્યું કે આખા વર્ષની ફી ભરી દેવામાં આવી છે ત્યારે અચાનક ક્યાથી વધારો કરી દે ને અમારી પાસે માગણી કરવામાં આવી રહી છે. અમે વધારાની ફી ચૂકવવાના નથી.
વાલીઓ અને શાળા સંચાલકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ
ગજેરા વિદ્યાભવન સ્કૂલની અંદર 50થી 60 જેટલા વાલીઓ આજે સવારે લિવિંગ સર્ટિફિકેટ અને રિઝલ્ટ લેવા માટે પહોંચ્યા હતા. વર્ષ પૂર્ણ થતાં પોતાના બાળકના લિવિંગ સર્ટિફિકેટ લેવા માટેની તૈયારી દાખવતા શાળા સંચાલકોએ વાલીઓને વધારાના 4000 આપવા માટેની માગણી કરી હતી. જ્યાં સુધી રૂપિયા ચૂકવવામાં નહીં આવે ત્યાં સુધી રિઝલ્ટ પણ નહીં આપવામાં આવે અને લિવિંગ સર્ટિફિકેટ પણ નહીં આપવામાં આવે એ પ્રકારની વાત શાળા સંચાલકોએ કરી હતી. શાળા સંચાલકોનો આ પ્રકારનો વ્યવહાર જોતા વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને પોતાના બાળકોની તાત્કાલિક અસરથી એલસી તેમજ રિઝલ્ટ પણ આપી દેવા માટેની રજૂઆત કરવામાં આવતાં થોડા સમય માટે વાલીઓ અને શાળા સંચાલકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી.
તમામ વાલીઓએ મક્કમ થઈ કહ્યું- અમે ફી ચૂકવવાના નથી
અલ્પેશ વાઘોડિયા વાલીઓએ જણાવ્યું કે અમે આખા વર્ષની રૂપિયા 39 હજાર જેટલી ફી ચૂકવી દીધી હતી. આજે જ્યારે અમે શાળામાં લિવિંગ સર્ટિફિકેટ લેવા ગયા ત્યારે એકાએક જ શાળાએ કહ્યું કે શાળાની ફીની રકમ આ એક નિયમ પ્રમાણે વધારો થયો છે માટે તમારે વધારાની ફી રૂપિયા 4000 જેટલી થાય છે તે ચૂકવવી પડશે. ત્યારબાદ જ તમને લિવિંગ સર્ટિફિકેટ મળશે. જેનો અમે વિરોધ નોંધાવ્યો હતો અને જ્યારે અમે 40,000 જેટલી એક વર્ષની ફી અગાઉ આપી દીધી છે તો શા માટે અચાનક અમારી પાસેથી ફી લેવામાં આવી રહી છે. એ બાબતે અમે ઉગ્ર રજૂઆત કરતા અમારી પાસેથી અન્ય ફી ચૂકવવા માટેની બાહેંધરી લખવામાં આવી છે અને સહી લેવામાં આવી છે. જોકે અમે આખરે લિવિંગ સર્ટીફીકેટ લઇ લીધું છે અને તેમણે કહેવા મુજબની લેખિતમાં જાણ કરી દીધી છે તેમના કહેવા પ્રમાણે આ બાબતે સંચાલકો બેઠક કરશે અને ત્યાર બાદ તમારે જ ફી ચૂકવવામાં થતી હશે તો ચૂકવવી પડશે એ પ્રકારની વાત કરી હતી. જોકે અમે તમામ વાલીઓ મક્કમ છે અમે લોકો ફી ચૂકવવાના નથી.
FRCના નિયમ મુજબ ફી વધારો આવ્યોઃ આચાર્ય
ગજેરા વિદ્યાભવન શાળાના આચાર્ય ડો. રીતેશ અગ્રવાલે જણાવ્યું કે અમે જે ફીમાં એકાએક વધારો કર્યો છે તે FRCના નિયમ મુજબ કરવામાં આવ્યો છે. સરકારે અમને વર્ષની શરૂઆતમાં કહ્યું હતું કે જ્યાં સુધી FRCએ નક્કી કરેલી ફી તમને નહીં મળે ત્યાં સુધી ગયા વર્ષની ફી પ્રમાણે વાલીઓ પાસેથી વસૂલવાની રહેશે, અત્યારે અમારી પાસે FRCનો જે ઓર્ડર આવ્યો છે. તેમાં 8થી 10 ટકા જેટલો વધારો આવ્યો હોવાનું જણાયું છે. તેના આધારે જ અમે વાલીઓ પાસેથી વધારાની ફી માગી છે કોઈપણ વિદ્યાર્થીઓનું રીઝલ્ટ અટકાવ્યું નથી તેમને રીઝલ્ટ આપી દીધા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.